ગાંધીનગરઃ વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધવાના અંતિમ દિવસે શુક્રવારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને તો ભાજપે ગત ચૂંટણીમાં ગેનીબહેન ઠાકોર સામે હારેલા સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે. એટલે કે ઠાકોર સમાજના પ્રભુત્વ ધરાવતી વાવ બેઠક પર હવે ઠાકોર વિરુદ્ધ રાજપૂત ઉમેદવાર વચ્ચે જંગ જામશે. જો કે ભાજપના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને જામાભાઈ ચૌધરીએ બળવો કરી અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં ત્રિપાંખિયા જંગની પણ શક્યતા નકારી શકાય તેમ નથી.
ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
ભાજપ-કોંગ્રેસે નામ જાહેર કરતાં જ ઉમેદવારોએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્રો ભર્યાં હતાં. કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર થતાં જ ભાજપે સ્વરૂપજી ઠાકોરનું નામ જાહેર કર્યું હતું. ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પોતપોતાની જીતનો અને મોટા માર્જિનથી ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના બે નેતાએ અપક્ષ ફોર્મ ભર્યાં
વાવની પેટાચૂંટણીમાં ભાજપે સ્વરૂપજીને ઉમેદવાર બનાવતાં જ ભાજપમાં બળવો ઊઠ્યો. વિરોધ દર્શાવતાં પૂર્વ ધારાસભ્ય માવજી પટેલ અને જામાભાઈ ચૌધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. મતદાન સુધી આ બંનેની ઉમેદવારી યથાવત્ રહે તો ત્રિપાંખિયા જંગની શક્યતા વ્યકત છે. અપક્ષ તરીકે ઉમેદવારી કરી ચૌધરી સમાજના નેતાઓએ પોતપોતાની પ્રતિક્રિયા આપી હતી.