શરદપૂનમ, આયંબિલ અને વાલ્મીકિ જયંતીનો સુભગ સમન્વય

બાદલ લખલાણી Monday 28th October 2024 05:16 EDT
 
 

લોકહિત, જ્ઞાનયજ્ઞ અને સેવાયજ્ઞના ભાગરૂપ ગુજરાત સમાચાર અને તેના તંત્રી-પ્રકાશક સી.બી. પટેલના માર્ગદર્શનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શરદ પૂનમ, આયંબિલ અને આદિકવિ ઋષિ વાલ્મીકિ દ્વારા રામાયણની રચના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી. સોનેરી સંગતના આ 34મા અધ્યાયનું સંચાલન જ્યોત્સનાબહેન શાહ દ્વારા કરવામાં આવ્યું.
સૌપ્રથમ જ્યોત્સનાબહેન દ્વારા શરદપૂનમનું મહત્ત્વ દર્શાવતી તેમની કૃતિ રજૂ કરવા અને તે અંગેની માહિતી પૂરી પાડવા જાણીતાં ગાયિકા માયાબહેન દીપકને આમંત્રણ આપવામાં આવ્યું.
માયાબહેન દીપક દ્વારા સૌપ્રથમ તેમના દ્વારા જ કંપોઝ કરવામાં આવેલી ‘છોગાળા હું તો રમવા નિસરી રાસ’ કૃતિ રજૂ કરવામાં આવી. જે બાદ શરદ પૂનમનું મહત્ત્વ દર્શાવતાં તેમણે જણાવ્યું કે, વિક્રમ સંવત આસો સુદ પૂનમે શરદ પૂનમ ઊજવવામાં આવે છે, આ દિવસે અનેક સ્થળે શરદોત્સવ પણ મનાવવામાં આવે છે. કૃષ્ણ રાસલીલા સાથે પણ સંકળાયેલ શરદ પૂનમનું સનાતન ધર્મીઓ માટે સવિશેષ મહત્ત્વ છે. સોળેકળાએ ખીલેલા ચંદ્રના પ્રકાશમાં મૂકેલા દૂધ-પૌઆને ખડી સાકર સાથે ગ્રહણ કરવાનો રિવાજ છે. કહેવાય છે કે, શરદ પૂનમે ચંદ્રમા દ્વારા અમૃતવર્ષા કરવામાં આવે છે, જેના ઔષધીય ગુણ દૂધ-પૌઆમાં ઉતરવાથી ભક્તોમાં સકારાત્મક ઊર્જાનું સિંચન થાય છે. આ સાથે આ દિવસે ઐશ્વર્યની દેવી મા લક્ષ્મી પૃથ્વી દર્શને આવે છે, જેને આવકારવા ભક્તો દ્વારા કૌમુદિની સ્વરૂપની પૂજા પણ કરાય છે. ડાકોર, શ્રીનાથદ્વારા જેવાં ધાર્મિક સ્થળોએ શરદ પૂનમે મુકુટોત્સવનું આયોજન કરી ઠાકોરજીને દૂધ-પૌઆનો ભોગ ધરાવાય છે. આ પરથી કહી શકાય કે શ્રીકૃષ્ણકાળથી જ આ પ્રથાની શરૂઆત થઈ હોવી જોઈએ.
માયાબહેન બાદ જ્યોત્સનાબહેન શાહ દ્વારા આયંબિલ તપનો મહિમા સમજાવવા મહાવીર ફાઉન્ડેશનના સ્થાપક અને ટ્રસ્ટી જૈન વિદ્વાન ડો. વિનોદભાઇ કપાસીને આમંત્રણ આપવામાં આવ્યું.
ડો. વિનોદ કપાસીએ આયંબિલ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, કહેવાય છે કે શરદ ઋતુમાં લોકો સૌથી વધુ બીમાર પડે છે. એટલે જ જ્યારે આપણા વડીલો આશીર્વાદ આપતાં ત્યારે કહેતા કે, ‘શતં જીવેત શરદઃ’ એનો અર્થ કે સો શરદ ઋતુ સુધી તું જીવે તેવા મારા આશીર્વાદ. અનેક તહેવારો લઈને આવતી શરદ ઋતુમાં અનેક તહેવાર છે. જે પૈકી જૈન ધર્મના આયંબિલ પણ આવે છે. આયંબિલ એટલે કે આચામ્લનો અર્થ રસ-કસ વિનાનું જે કંઈ જમવાનું અને પીવાનું. આના પરથી જ શબ્દ આવ્યો છે આયંબિલ, જે વર્ષમાં આસો અને ચૈત્ર બે મહિને આવે છે. આયંબિલની 9 દિવસ સુધી ઉજવણી અને આરાધના કરાય છે, જેને કહેવાય છે આયંબિલની ઓળી. શરદ પૂનમે આસો માસની ઓળીનો છેલ્લો અને નવમો દિવસ ઊજવાયો. સાતમા દિવસે આ ઓળી શરૂ થાય અને પૂનમના દિવસે પૂર્ણાહુતિ થાય.
આયંબિલમાં એક વખત ભોજન કરવાનું હોય છે, પરંતુ તે રસ-કસ વિનાનું, સ્વાદરહિત – આમ ભૂખ પરના વિજયની સાથે સ્વાદ પર પણ વિજય મેળવવો તે આયંબિલ. જૈન ધર્મમાં 12 પ્રકારના તપ પૈકી જે 6 બાહ્ય તપ છે, તેમાં ઉપવાસ, ઉણોદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, કાયાક્લેશ અને પ્રતિસંલીનતા. આ 6 પ્રકારના તપમાં રસપરિત્યાગનું તપ આયંબિલ છે. આયંબિલમાં ખાંડ-ગોળ, તેલ, મીઠું, તળેલું અને તીખાશનો ત્યાગ કરી માત્ર એક વખત ભોજન લેવાનો સમાવેશ થાય છે. આ 9 દિવસને આયંબિલની ઓળી કહેવામાં આવે છે. આયંબિલમાં જૈન ધર્મમાં અહિંસાના ધર્મનો સિદ્ધાંત તો છે જ, સાથોસાથ આરોગ્ય સાથે પણ તેને વણી લેવાયું છે.
ખાંડ અને ગોળ ન લેવાથી ડાયાબિટીસનું શમન થાય છે, મીઠું ન લેવાથી બ્લડપ્રેશરમાં પણ રાહત રહેે છે. ધી-દૂધ અને તેલની વાનગી ન લેવાથી હાર્ટની તકલીફ પણ ઘટે છે. સામાન્યપણે ડોક્ટર્સના કહેવા મુજબ ટોક્સિન કાઢવા માટે સૌથી સુંદર વ્વવસ્થા આયંબિલ તપ છે. 9 દિવસ આમ કરવાથી શરીરની આંતરિક શુદ્ધિ - કાયાકલ્પ થઈ જાય છે. આયંબિલથી ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ પણ આપોઆપ થઈ જાય છે.
આયંબિલમાં ઉકાળેલા પાણીનું જ સેવન કરવામાં આવે છે, જેથી જીવોની હિંસા જેમ બને તેમ ઓછી થાય. આયંબિલના ખોરાકમાં લીલા શાકભાજી અને ફ્રૂટ પણ નથી લેવાતાં, તેમાં પણ અહિંસાનું જ કારણ છે, કારણ કે તેમાં મોટા પ્રમાણમાં સૂક્ષ્મજીવ હોય છે. આ અહિંસાના પાયાને અનુસરતા ઉકાળેલું પાણી, લીલાં શાકભાજી-ફળ નથી લેવાતાં. જેની સામે માત્ર કઠોળ, દાળ, ખાખરા, દાળિયા, મમરા જ લેવાય છે. આપને નવાઈ લાગશે કે યુકેમાં 100-100 આયંબિલ કરનારા લોકો પણ છે, એટલે કે 50 વર્ષથી આયંબિલ કરે છે.
ડો. વિનોદ કપાસી દ્વારા આયંબિલનું મહત્ત્વ જાણ્યા બાદ જ્યોત્સનાબહેન શાહે ઋષિ વાલ્મીકિની જયંતી પર વડોદરાના નાટ્યકાર, લેખક, દિગ્દર્શક, અભિનેતા, સંસ્કૃત અધ્યાપક અને એમ.એસ. યુનિવર્સિટીના નાટ્યવિભાગના નિવૃત્ત અધ્યક્ષ હરીશભાઈ વ્યાસને આમંત્રણ આપી રામાયણ અને વાલ્મીકિ ઋષિ અંગે જ્ઞાન પ્રદાન કરવા આગ્રહ કર્યો.
હરીશભાઈ વ્યાસે કહ્યું, શરદપૂનમના દિવસે વાલ્મીકિ જયંતી પણ છે, ત્યારે જણાવું કે વાલિયો લુટારો હતો, જેને કેટલાક ઋષિ મળ્યા. આ બધું આપણે સાંભળ્યું છે, પરંતુ રામાયણના રચયિતા વાલ્મીકિ એ વાલિયો લુંટારો નથી. આ વાર્તા અધ્યાત્મ રામાયમણાં, સ્કંદ પુરાણમાં અને આનંદ રામાયણમાં છે. ત્યાં એક જુદો વાલ્મીક છે, જેનું નામ પ્રચત્યસ, ભાર્ગવ, દસિયુ અને ક્યાંક ચાંડાલ પણ કહેવાયું છે, જે ચોરી અને લૂંટફાટ કરે છે.
વાલ્મીક ઋષિ કુલપતિ હતા, જેમની નીચે હજારો વિદ્યાર્થીઓએ પાલન, પોષણ અને શિક્ષણ ગ્રહણ કર્યું. સંસ્કૃતિમાં વલ્મીક એટલે રાફડો. વાલ્મીકિ ઋષિએ બહુ તપ કર્યું અને આ કારણે તેમના શરીર પર ઊધઈનો રાફડો જામી ગયો. આમ વલ્મીકમાંથી પાછા આવેલા ઋષિને વાલ્મીકિ નામ અપાયું. વાલ્મીકિએ એક વખત નારદને પૂછયું કે, ઋષિ મને એક એવું પાત્ર સૂચવો, જે ઘણા ગુણોથી યુક્ત હોય. વાલ્મીકિએ ગણાવેલા 16 ગુણની સામે નારદજીએ 64 ગુણ ગણાવીને વાત કરી કે આ એક વ્યક્તિ છે. જેના જવાબમાં વાલ્મીકિજીએ કહ્યું કે, આ તો નર છે, આ નારાયણ નથી. રામ એક દેવ નથી, તે એક 64 ગુણ ધરાવતા મનુષ્ય છે. આ વાત વાલ્મીકિના મનમાં ઘોળાતી હતી.
તમસા નદી પાસે તેમનો એક આશ્રમ હતો. તેઓ આશ્રમ જતા હતા અને એક વ્યાધ્રએ તીર મારીને ક્રોંચ-સારસ પક્ષીને હણી નાખ્યું. નર સારસને હણી નાખતાં માદા સારસ આર્તનાદ કરવા લાગી. આ દૃશ્ય કવિ વાલ્મીકિને હચમચાવી ગયું અનેે તત્ક્ષણે વાલ્મીકિના હૃદયથી ઉદગાર નીકળ્યો, ‘મા નિષાદ પ્રતિષ્ટાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ,
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્.’ - તે ક્રોંચનો વધ કર્યો છે તો તને કદી શાશ્વત શાંતિ નહીં મળે.
ઘટના બાદ ક્રોધમાં બોલાયેલા વાક્ય અને ઘટના અંગે વ્યથિત વાલ્મીકિજીને બ્રહ્માજીએ આ સ્થિતિનું કારણ પૂછતાં વાલ્મીકિએ કહ્યું, મારી સંવેદના તો પેલા પક્ષી માટે હતી પણ પેલા વ્યાધ્રને શ્રાપ અપાઈ ગયો છે. આ સમયે બ્રહ્માજીએ કહ્યું, તમે જે અનુષ્ટુપ છંદમાં વ્યાધ્રને શ્લોકરૂપે શ્રાપ આપ્યો તે જ છંદમાં રામનું ચરિત્ર નિરૂપતી રામાયણની રચના કરો. અને આમ અનુષ્ટુપ છંદમાં રામાયણની રચના થઈ.
ઋષિ વાલ્મીકિ રામાયણના રચયિતા તો છે, પરંતુ તેના પાત્ર તરીકે પણ છે તે તેની વિશેષતા છે. સીતાજીનો જ્યારે ત્યાગ થયો ત્યારે તેઓ વાલ્મીકિ આશ્રમમાં જ જાય છે, લક્ષ્મણ લવણાસુરને મારવા જાય છે ત્યારે ત્યાં જ નિવાસ કરે છે, લવ-કુશને તેમણે આશ્રમમાં શિક્ષણ અને સંસ્કાર પણ આપ્યા. વાલ્મીકિએ જે રામાયણની રચના કરી તેને ગાઈ અને ભજવવાનું પણ લવ-કુશને શીખવાડ્યું. નાટકમાં નટ માટે જાણીતો શબ્દ છે કુશીલવ. કુશ અને લવ રામાયણ ગાતાં ગાતાં અયોધ્યા જાય છે, જેને સાંભળી રામજી ખુશ થાય છે. બાદમાં રામજીને ખબર પડે છે કે આ તો મારાં જ સંતાનો છે. જો કે રામ સીતાજીને સ્વીકારતા નથી.
રામ વિશે બે અપવાદ છે. એક વાલીવધ અને બીજો સીતાજીનો ત્યાગ. સીતાજીનો ત્યાગ કરતાં ઋષિ વાલ્મીકિ રામને કહે છે, ‘હે રામ, તમે લોકાપવાદ ભીરુ છો, લોકો શું કહેશે તેનાથી ડરીને આ નિર્ણય લો છો.’ રાવણવધ બાદ રામજી સીતાજી પર શંકા કરે છે, ત્યારે સીતા આજના જમાનાની મોર્ડન મહિલાની જેમ કહે છે, ‘તમે મારું નબળું પાસું સ્ત્રીત્વ જોઈ આ વાત કરો છો, પરંતુ મારો પતિવ્રતા ધર્મ અને સંસ્કારનું સબળું પાસું તમે જોતા નથી. આ વાત કરતાં તમે મને નર શાર્દુલના સ્થાને મને એક સામાન્ય જન લાગો છો.’
આ બે અપવાદને બાદ કરતાં રામનું ચરિત્ર સુંદર છે. રામે સંઘર્ષમાં જે નિર્ણયો લીધા તેના કારણે જ તેઓ પૂજનીય છે. જેમ કે જટાયુના પુત્રી જેમ કરાયેલા સંસ્કાર. રાવણના વધ બાદ ચિંતાતુર વિભિષણને રામ કહે છે, ‘મરણાંત સુધીનું જ વેર હોય, હવે રાવણનો વધ થઈ ગયો. હવે તારા જેટલી જ વેદના મારા મનમાં છે, આપણે તેના સંસ્કાર કરીએ.’ રામાયણ દરમિયાન રામ બે વખત ખૂબ રડે છે, એક તો સીતાનું હરણ થાય છે ત્યારે અને બાદમાં લક્ષ્મણ નાગપાશમાં મૂર્છામાં સરી પડે છે ત્યારે. લક્ષ્મણ મૂર્છિત થતાં રામ કહે છે, ‘કોઈપણ
પ્રદેશમાં તમે જાઓ તો પત્ની મળી રહે, ધન મળી રહે પણ મા જણ્યો ભાઈ ન મળે.’


comments powered by Disqus