સરહદપાર સુભાષના ગુજરાતી સાથીદાર ખીરસરાના લક્ષ્મીદાસ પ્રભુદાસ દાણી?

Wednesday 30th October 2024 09:06 EDT
 

આમ તો લક્ષ્મીદાસ દાણી વિષે અગાઉ લખાયું છે, પણ તેનો નેતાજી સુભાષચંદ્ર બોઝને કોલકાતાથી કાબુલ પહોંચાડવાના દસ્તાવેજ કે પુસ્તકોમાં ક્યાંય નામ મળતું નથી. સુભાષબાબુ કોલકાતા પોતાના નિવાસ સ્થાનેથી ગુપ્ત વેષે છેક કાબુલ પહોંચ્યા અને રશિયાએ ના પડી એટ્લે ઈટાલીના રાજદૂત દ્વારા જર્મની પહોંચ્યા, અને ત્યાં એડોલ્ફ હિટલરને મળ્યા, આઝાદ હિન્દ સ્વાતંત્ર્ય સંઘની સ્થાપના કરી, આઝાદ હિન્દ રેડિયો પરથી માતૃભૂમિ ભારતના નિવાસીઓને ઘોષણા કરી કે તમારો સુભાષ જર્મની પહોંચી ગ્યો છે અને સ્વાધીનતાના જંગમાં એક નિર્ણાયક લડાઈની તૈયારી શરૂ થઇ ગઈ છે.
કોલકાતાથી કાબુલની તેમની ગુપ્ત યાત્રા રોચક અને સાહસિક હતી. એ દિવસોમાં રોઈટર સમાચાર સંસ્થાએ તો અહેવાલ પ્રસારિત કર્યો કે 28 માર્ચ, 1942ના જાપાનના કિનારાપર હવાઈ જહાજ તૂટી પડતાં હિંદુસ્તાનના નેતા સુભાષચંદ્ર માર્યા ગયા છે. પછી એ સમાચાર ખોટા હતા એમ સમાચાર સંસ્થાએ જ જાહેર કર્યું. કોલકાતાથી 13 ડિસેમ્બર, 1940ના દિવસે મોટરમાં ભત્રીજા શિશિરની સાથે નીકળ્યા. બર્દવાન રેલ સ્ટેશને પહોંચીને ટ્રેનમાં બીજા વર્ગમાં મુસાફરી કરીને પેશાવર પહોંચ્યા, ત્યારે પઠાણનો વેશ હતો. 6 દિવસ ત્યાં રહ્યા ને પછી કાબુલ જવા રવાના થયા. પેશવારથી તેમની સફર શરૂઆતમાં એક ઘોડાગાડીમાં અને પછી પગપાળા રહી. આ દરમિયાન લાલા ઉત્તમચંદ, જે કાબુલમાં વ્યાપાર કરતા હતા, ભગતરામ તલવાર દ્વીજેનચંદ્ર, દિબેશ મુખર્જી, ઇલા અને અરવિંદ બોઝ, રામકૃષ્ણ, આચાર સિંહ ચીના, આબાદ ખાન, વગેરેના આ સફરમાં નામો મળે છે. એકાદ તો તેમાં બ્રિટિશ જાસૂસ નીકળ્યો હતો.
... અને આપણો લક્ષ્મીદાસ? તે વળી ત્યાં ક્યાથી પહોંચ્યો હશે? 1980માં હું સ્વાતંત્ર્ય સંગ્રામ માટે સંશોધન કરી રહ્યો હતો ત્યારે ભાવનગરથી એક જેરોક્ષ પ્રત મને ટપાલમાં મળી. પછી એક નાનકડી પુસ્તિકા હાથ લાગી,”મારી જીવન કહાણી” તેમાં જણાવ્યા પ્રમાણે લક્ષ્મીદાસ પોરબંદર નજીક ખીરસરામાં જન્મ્યા. મૂળ અટક મદલાણી. પિતા ડાહ્યાભાઇ મોંજી. સાત ભાઈઓ અને ચાર બહેનો વચ્ચે તેનો ઉછેર થયો. પોરબંદરની ભાટિયા બજારમાં મનુભાઈ ભાટિયાના મકાનમાં ભાડે રહેતા. પોરબંદર લોહાણા છાત્રાલયમાં રહીને પાંચ ધોરણ ભણ્યા. ત્યારબાદ પોરબંદરમાં દારૂની દુકાનો પર સત્યાગ્રહ, 1930ની અસહકાર લડત, નમક સત્યાગ્રહ, રાણાવાવમાં વ્યાયામ શાળાની સ્થાપના, 1932ની લડત, વડોદરામાં માણેકરાવ વ્યાયામશાળામાં તાલીમ,.રાજકોટ સત્યાગ્રહ,... આ પડાવો પછી ફોરવર્ડ બ્લોકમાં જોડાઈને તે કોલકાતા પહોંચે છે. સુભાષચંદ્ર નજરકેદમાં છે, ત્યાં તેમની મુલાકાત થઈ. પછીનું વર્ણન તેમના જ શબ્દોમાં -
“હું હેમંત કુમાર બસુને મળ્યો.ફોરવર્ડ બ્લોકના બીજા પાંચ તૈયાર હતા. તેમાં એક મુસ્લિમ બિરાદર પણ હતો. મરી જાશું પણ કોઈને આ વાત કરીશું નહિ એવી પ્રતિજ્ઞા લીધી. અમોએ હાવડા સ્ટેશનની પેલી પાર એક ઘર ભાડે રાખ્યું. છેવટે ઓપરેશન પાર પાડ્યું. હાવડાથી મૌલવીનો વેશ ધારણ કરીને બર્દવાન અને ત્યાંથી પેશાવર. હું એક ફકીરના વેશમાં હતો. પેશાવરમાં અમે ત્રણ દિવસ મુસ્લિમ રેસ્ટોરાંમાં રહ્યા. 17મી જાન્યુઆરી 1941ના તેમણે પઠાણી વેશપલટો કર્યો. પેશાવરથી કાબુલ પગપાળા જવા નીકળ્યા. નદીનાળા, ટેકરીઓ, ખીણ, બરફથી છવાયેલો રસ્તો વટાવતા અનેક મુશ્કેલીઓ પડી. અમારા છમાથી ચારને પેશાવરથી પાછા વળાવી દીધા હતા. હું તથા પંજાબી ભાઈ ભગતરામ સાથે રહ્યા.કાબુલમાં લાહોરી દરવાજા પાસેના મુસાફરખાનામાં 13 દિવસ છૂપા નામે રહ્યા. સુભાષબાબુ ઝીયાઉદ્દીન , ભગતરામ રહેમાનખાન, અને મારૂ નામ મોહમ્મદ રાખ્યું. પોલીસની રંજાડ વધી એટ્લે 13 દિવસ પછી લાલા ઉત્તમચંદને ત્યાં તેઓ રહ્યા, હું મુસ્લિમ રેસ્ટોરામા. ત્યાંથી બધા વિદેશી રાજદૂતોના ઓફિસેથી પત્રો લાવવા પહોંચાડવાનું કામ હું કરતો. ભગતરામ અને ઉત્તમચંદ સુભાષબાબુની સગવડો અને સુરક્ષાનું કામ સંભાળતા હતા. રશિયન એલચી અને પછી ઇટાલિયન એલચીને મે પત્રો પહોંચડ્યા. પછી કાબુલની એક જર્મન ઓફિસનો સંપર્ક થયો. રશિયન એલચીએ અશક્તિ જાહેર કરી. પણ ઇટાલિયન અને જર્મન તૈયાર થયા. કેટલાક દિવસો પછી ઈટાલીના સિનોર કોરોનીએ 1941ના માર્ચમાં સુભાષબાબુને કાબુલથી રોમ પહોંચાડવા સહયોગ આપ્યો. ઇટાલિયન સરકારના ઓડિટ અધિકારીના વેશમાં , તેઓ પાસપોર્ટ સાથે રોમ મોકલવામાં આવ્યા.
ત્યારબાદ હું અને ભગતરામ ગઝની શહરમાં રોકાયા. ત્યાંથી કાબુલ થઈને પેશાવર. પેશવારથી બરદ્વાન. હવે ફકીરનો પોશાક ના રહ્યો. કોલકતા આવીને સુભાષબાબુના મોટાભાઈ શરતચંદ્ર બોઝને મળ્યા. સુભાષબાબુએ આપેલા બે પત્રો તેમને સોંપ્યા.નાગપુરમાં અમારી ફોરવર્ડ બ્લોકની ઓફિસ હતી. એક મહિનો ત્યાં રોકાયા પછી મુંબઈ આવ્યા. મુંબઈમાં મારી ક્રાંતિકારી પ્રવૃત્તિ વધી ગઈ.ચર્ચગેટમાં એક કોફી ક્લબ હતી તેના પીઆર બોમ્બ ફેંકવાના આરોપસર 1941ના ડિસેમ્બરમાં મને રિમાન્ડ પર લેવામાં આવ્યો, મને સખત માર મારવામાં આવ્યો. કેસ તો ચાલ્યો અને ન્યાયમૂર્તિએ દોઢ વર્ષની સખત મજૂરીની સજા કરી, વીસાપુર જેલમાં આ સજા ગાળી, આ દરમિયાન મારા તકિયાના કવર બનાવવાનું કારખાનું કબ્જે કર્યું. સામાન હરાજ કર્યો. પત્ની બે નાના બાળકોને મૂકીને અવસાન પામી હતી. મારા પર તો અનેક વોરંટ હતા એટ્લે મુંબઈથી લાહોર ગયો.મૂંબઈમાં મે પાલવા બંદર પાસેના રિગલ સિનેમામાં યુરોપીયન સોલ્જરો પર બોમ્બ ફેંક્યો, બીજો ભૂલેશ્વર બંબાખાના પાસે. આના વોરંટ હતા. છેવટે વિચાર્યું કે દેશની બહાર જ્વું. કાબુલ જઈને ઇટાલિયન એલચી કોરોનીને મળ્યો, પણ હવે ફકીર વેશ નહોતો! મને સિંગાપુર જવાની તક મળી. કેવો યોગ કે અહી આઝાદ હિન્દ ફોજ રચાઇ હતી તેના સેનાપતિ નેતાજી હતા! હું તેમને મળ્યો, ફોજનો સિપાહી બન્યો. બર્માની જમીન પર કર્નલ જગન્નાથ રાવની ડિવિઝનમાં સૈનિક તરીકે બ્રિટિશ સેનાની સામે લડ્યો.
1944 સુધી આ યુદ્ધમાં ભાગ લીધો. નેતાજીએ મને દુષ્કાળગ્રસ્ત ભારતીય પ્ર્દેશોમાં અનાજ મોકલવાનું કામ સોંપ્યું. ભારતમાં ફોરવર્ડ બ્લોક સાથે તેવું અનાજ એકત્ર કર્યું અને લોકોમાં વિતરણ કર્યું. પાછો ઇમ્ફાલ પહોંચ્યો, તેજપુરની ટેકરીઓ પાસે અમે પકડાયા, મને લાહોરની જેલમાં 1945ના ઓકટોબરમાં રાખવામા આવ્યો..” આ વીરકથાનો અંત આપણા
માટે શરમજનક છે. લક્ષ્મીદાસ દાણીને એ ઉપડવાનું કામ કર્યું, ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં તેનું અવસાન થયું.


comments powered by Disqus