સાવરકુંડલાઃ દીપાવલીની રાત્રે સાવરકુંડલા શહેરમાં જામતું ઈગોરિયા યુદ્ધ છ દાયકા જેટલા સમયથી આજે પણ એ જ જુસ્સાથી રમાય છે. આ યુદ્ધની રમતને જોવા હજારો લોકો દૂરદૂરથી જોવા સાવરકુંડલા આવે છે.
સાવરકુંડલામાં 6 દાયકા પહેલાંથી ઈગોરિયા યુદ્ધ ખેલાય છે. ઈગોરિયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેનાં ચીકુ જેવાં ફળને ઇંગોરિયું કહેવામાં આવે છે. દિવાળીના એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકો ઈગોરિયા શોધી વૃક્ષ પરથી તોડી સૂકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને ચપ્પુ વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકીનું મિશ્રણ ઠાંસીઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટી-પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે અને તેને સૂકવવામાં આવે છે. ત્યારબાદ ઈંગોરિયું તૈયાર થઈ જાય. દિવાળીની રાત્રે આવા હજારો ઇગોરિયાનો થેલો ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.
સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેંચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈગોરિયા સામસામે નાખીને દૂરદૂર સુધી ખસેડી દે છે. ઇગોરિયા કોઠીના ફુવારા નીકળે છે તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ જાય છે. આ રોમાંચિત લડાઈમાં કિકિયારી સાથે નાસભાગનાં દૃશ્યો સર્જાય છે.