બરવાળાઃ પાટીદાર સમાજના અગ્રણી અને ધંધૂકાની RMS હોસ્પિટલના ટ્રસ્ટી ધરમશીભાઈ પટેલ (88)ની બોટાદ જિલ્લાના બરવાળા પાસેના ભીમનાથ ગામે કરપીણ હત્યા કરાતાં ચકચાર મચી છે. ભીમનાથના જ કલ્પેશ મેર નામના યુવાને જીવલેણ હથિયારથી ધરમશીબાપાની હત્યા કરી હતી. બાદમાં ફરાર થયેલા આરોપીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસે તેને પકડી લીધો છે અને હાલ તે સારવાર હેઠળ છે.
બરવાળા તાલુકાના ભીમનાથ ગામના ધરમશીભાઈ મોરડિયા ભીમનાથમાં પોતાના ઘરની બહાર ઊભા હતા એ વખતે તેમના ઘરની નજીકમાં જ રહેતો કલ્પેશ મેર નામનો શખ્સ ત્યાં જઈ પહોંચ્યો હતો અને ‘તમે નોકરીનું શું કર્યું, તમે નોકરી ના અપાવી, જેના કારણે મારાં ત્રણ વર્ષ બગડ્યાં છે’ તેવું કહીને તે ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ દોડીને તે ઘરે ગયો અને ત્યાંથી દાંતી-લોખંડનો પાઈપ લઈ આવીને ધરમશીભાઇ પર હુમલો કર્યો હતો. જેમાં ધરમશીભાઈ પટેલના માથામાં ઈજા થતાં તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા. હુમલા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. ગંભીર ઘવાયેલા ધરમશીભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સમાજ ઊંડા શોકમાં: આર.પી. પટેલ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, ધરમશીબાપાની હત્યાના સમાચાર સાંભળીને સમગ્ર પાટીદાર સમાજ ઊંડા શોક અને ઘેરા દુઃખની લાગણી અનુભવે છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ આ આઘાતજનક બનાવ બદલ દુઃખી છે. તેમણે હંમેશાં કોઈપણ સમાજનાં દીકરા-દીકરીઓને મદદ કરવામાં પાછું વળીને જોયું નથી.