હિંમતનગરઃ હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે 200 દિવ્યાંગ-ગરીબ બાળકો સાથે પોલીસ પરિવારે ફટાકડા ફોડીને અને ગરબે ઘૂમી તેમની સાથે ભોજન લઈ પ્રિ-દિવાળીની ઉજવણી કરી હતી. જેથી ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત રેલાયું હતું.
હિંમતનગર જીઆઇડીસીમાં આવેલી સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો, મમતા સંસ્થા અને શહેરની કેનાલ પાસેના સ્લમ વિસ્તારનાં બાળકો સાથે શુક્રવારે રાત્રે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રિ-દિવાળી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. તમામ બાળકોને પોલીસ વાહનમાં પરેડ ગ્રાઉન્ડ પર લવાયાં હતાં, જ્યાં ઇન્ચાર્જ એસપી સ્મિત ગોહિલ, હેડ ક્વાર્ટર ડીવાયએસપી પાયલ સોમેશ્વર, એસઓજી પીઆઇ ડી.સી. સાકરિયાની હાજરીમાં બાળકોને દિવાળી વિશે જાણકારી અને સાવધાની અંગે સમજ આપીને ફટાકડા અને શૈક્ષણિક કિટ ભેટ અપાઈ હતી.