ભુવનેશ્વરઃ ‘દાના’ ચક્રવાત શુક્રવારે સવારે દેશના પૂર્વ કિનારે ટકરાયું ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો હતો અને ભારે વરસાદ થયો હતો. ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક જિલ્લામાં ઝાડ અને વીજળીના થાંભલા મોટાપાયે ધરાશાયી થયા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અને પાકને પણ નુકસાન થયું હતું.
ઓડિશાએ ‘દાના’ ચક્રવાતમાં ‘ઝીરો કેઝ્યુલ્ટી મિશન’ હાંસલ કરવાનો અથવા એક પણ મોત ન થયું હોવાનો દાવો કર્યો છે. જ્યારે બંગાળમાં બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. ચક્રવાત નબળું પડી ‘ડીપ ડિપ્રેશન’માં ફેરવાયું અને પશ્ચિમ તરફ આગળ વધ્યું ત્યારે તંત્રએ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે રાહત અને પુનર્વસન કાર્ય હાથ ધર્યું હતું. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ચક્રવાત પસાર થયા પછી વિમાન, રેલવે અને બસસેવા ઝડપથી શરૂ કરાઈ હતી.