અમદાવાદઃ ઊંઝા ખાતે આવેલા ઉમિયા માતાજી મંદિરે આયોજિત ધજા મહોત્સવનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો. તેમણે ધજાની પૂજા કરી હતી અને પાદુકાપૂજન બાદ ક્લોથ બેગ વેન્ડિંગ મશીનનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે 1868 બહેનો દ્વારા જ્વારાયાત્રા તથા દાનેશ્વરી પરિવારોની 25 જેટલી બગીઓ સાથેની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝા દ્વારા ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી ભવ્ય ધજા મહોત્સવનું આયોજન કરાયું. ઉમિયા માતાજીના પ્રાગટ્યનાં 1.868 વર્ષની ઉજવણી નિમિત્તે મંદિરના શિખરે 1,868 જેટલી ઉમા પ્રાગટ્ય ધજા અને 11,111 જેટલી ધર્મધજા ચડાવાઈ. મુખ્યમંત્રી ઉમિયા માતાજી મંદિરે આવી પહોંચ્યા હતા. જ્યાં ઉમિયા માતાજીની પૂજા-અર્ચના કરી આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.