અમદાવાદઃ ગુજરાતમાં સામાન્ય રીતે 20થી 25 સપ્ટેમ્બર દરમિયાન નૈઋત્યનું ચોમાસું વિદાય લેતું હોય છે. જેના સ્થાને આ વખતે 13 દિવસ મોડું 3 ઓક્ટોબર બાદ ચોમાસું વિદાય લે તેવી સંભાવના છે.
ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 124.61 ટકા વરસાદ પડ્યો છે. 123 તાલુકામાં 40 ઈંચથી વધુ, 109 તાલુકામાં 20થી 40 ઈંચ, 19 તાલુકામાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયેલો છે. 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવો એકપણ તાલુકો નથી. આ વખતે ડાંગ, વલસાડ, નવસારી, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, વડોદરા, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, પંચમહાલમાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે, હવામાન ખાતા મુજબ હજુ 30 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ ઝાપટાં પડવાની સંભાવના છે.
ચોમાસાની વિદાય પહેલાં ભરાઈ ગયા 119 ડેમ
રાજ્યમાં ત્રણ મહિના દરમિયાન ધોધમાર વરસાદે ડેમમાં પાણીની સ્થિતિ બદલી દીધી છે. રાજ્યના 207 ડેમ પૈકી 86 ડેમ ત્રણ મહિના પહેલાં તળિયાઝાટક હતા, એની સામે આજે 119 ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. રાજ્યના અન્ય ડેમમાં પણ નોંધપાત્ર પાણીની આવક થઈ ચૂકી છે.
સરદાર સરોવરમાં બે વર્ષ ચાલે એટલું પાણી
ગુજરાતની જીવાદોરીસમાન સરદાર સરોવરમાં બે વર્ષ ચાલે એટલો પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. સરદાર સરોવરમાં હાલ 90 ટકા જળસંગ્રહ થઈ ચૂક્યો છે, પરંતુ ચોમાસું બાકી હોઈ અને ઉપરવાસથી પણ પાણીની આવક થવાની શક્યતા હોવાથી તે નજીકના દિવસોમાં ઓવરફ્લો થવાની પૂરી શક્યતા છે. ઉકાઈ ડેમમાં પણ બે વર્ષ ચાલે તેટલા પાણીનો સંગ્રહ થઈ ચૂક્યો છે.
ધરોઈ, શેત્રુંજી ડેમ હજુ ખાલી
સવાયા વરસાદ છતાં રાજ્યની સૌથી મોટો ક્ષેત્ર ધરાવતી સિંચાઈ યોજનાના ધરોઈ ડેમમાં માંડ 71 ટકા જ પાણી આવ્યું છે, જે ચિંતાજનક છે. માત્ર ધરોઈ જ નહીં પણ ભાવનગરના શેત્રુજી બંધમાં 67 ટકા પાણી ભરાયું છે.