રાજકોટઃ જર્મનીના ફોસ્ટર કેરમાં ત્રણ વર્ષથી ફસાયેલી 4 વર્ષની ભારતીય બાળકી અરિહા શાહને પ્રથમ વખત જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્યૂષણને ઊજવવા મંજૂરી મળી હતી.
માત્ર જર્મન વાતાવરણ વચ્ચે ઉછેર પામતી આ જેન દીકરી અરિહાને પોતાના જેન તહેવાર પર્યૂષણની આરાધના કરાવવા મુંબઈથી ખાસ જર્મન ભાષાના બી-ટુ જાણકાર અને શિક્ષક 22 વર્ષીય ધ્રુવી વેદ બર્લિન (જર્મની) ગયાં હતાં. નમ્ર મુનિ મહારાજના શિષ્ય વિશ્વમ મુનિ મહારાજ છેલ્લા એક વર્ષથી ન્યૂ દિલ્હી, જર્મન વિદેશ મંત્રાલય, બર્લિન સાથે સતત સંપર્કમાં છે. તેઓ દ્વારા અરિહાને ભારત કેવી રીતે લાવી શકાય ઉપરાંત જર્મનીમાં છે ત્યાં સુધી અરિહાને ધર્મ અને ગુજરાતી ભાષા શીખવાનો મોકો મળે તે માટે પ્રયત્ન કરી રહ્યા હતા. એક વર્ષ સુધી અવિરત પ્રયાસો બાદ જર્મન વિદેશ મંત્રાલય જર્મન ચાઇલ્ડ સર્વિસને સમજાવવામાં સફળ રહ્યું અને અરિહાને જૈનોનું પર્યૂષણ પર્વ ઊજવવા સંમતિ મળી હતી. જે મુજબ ચાઇલ્ડ સર્વિસે બે દિવસ માટે અરિહાને 1-1 કલાક મળવા મંજૂરી આપી હતી. જેમાં અરિહાને જેન ધર્મનો પાયાના સંસ્કારો, ભગવાન મહાવીર અને ભગવાન પાર્શ્વનાથની ઓળખ કરાવી.