ભુજઃ 1 નવેમ્બરથી કચ્છ રણોત્સવનો પ્રારંભ થતો હોય છે, તેવા તબક્કે રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભું કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે, જ્યાં ટેન્ડરની ફાળવણી રદ કરાતાં અગાઉથી ટેન્ટ સિટીમાં બુકિંગ કરાવનારા પ્રવાસીઓનું બુકિંગ રદ કરવાનું શરૂ કરાયું છે. આ સ્થિતિમાં કચ્છ પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા વ્યવસાયને ફટકો પડ્યો છે.
ટેન્ટ સિટીનું આયોજન કરતી બે ખાનગી કંપની વચ્ચેની લડાઈની અસર કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય પર પડી રહી છે. કચ્છમાં 50 ટૂર ઓપરેટર નોંધાયેલા છે અને હવેનો ધંધો મોટાભાગે ઓનલાઇન છે. ટેન્ટ સિટીની ટેન્ડર પ્રક્રિયા નવેસરથી 17 સપ્ટેમ્બરે થવાની છે, છતાં દરરોજ બુકિંગ રદ થાય છે. હોટેલો, અગાઉથી બુક કરાવેલી કાર કે અન્ય વાહનો અંગેનાં બુકિંગ કેન્સલ થાય છે એ હકીકત છે એમ ઉમેર્યું હતું.