વ્હાઇટ હાઉસની રેસ અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે છેલ્લા બે મહિનાના સમયગાળામાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનો બીજીવાર પ્રયાસ થયો છે. ટેક્સાસમાં ગોલ્ફ કોર્સ પર રહેલા ટ્રમ્પ પર ગોળીબાર કરાયો પરંતુ તેમનો આબાદ બચાવ થયો. આ પહેલાંના હુમલામાં કાન પાસેથી ગોળી પસાર થવા છતાં મોતને હાથતાળી આપવામાં ટ્રમ્પ સફળ રહ્યાં હતાં. શું ટ્રમ્પ પરના હુમલા પ્રમુખપદની ચૂંટણીમાં મદદ કરશે? વર્તમાન પ્રમુખ જો બાઇડેન પ્રમુખપદની રેસમાંથી ખસી ગયા અને ભારતીય મૂળના કમલા હેરિસની એન્ટ્રી બાદ ટ્રમ્પની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ગગડી રહ્યો છે. તેમાં પણ કમલા હેરિસ સાથેની ડિબેટ બાદ તો ટ્રમ્પને વધુ પીછેહઠનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સમયે આ પ્રકારનો હુમલો અમેરિકન મતદારોમાં ટ્રમ્પ માટે સહાનુભૂતિ જન્માવી શકશે કે કેમ તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. પેન્સિલ્વેનિયાની રેલી ખાતે ટ્રમ્પ પર ગોળીબાર કરાયો ત્યારબાદ જાણે કે ચિત્ર જ બદલાઇ ગયું હતું અને ઘણા રાજકીય નીરિક્ષકો માની રહ્યાં હતાં કે ચૂંટણીના પરિણામ નક્કી થઇ ચૂક્યાં છે. ટ્રમ્પ પોતાને એક જીવતા શહીદ તરીકે રજૂ કરી રહ્યાં હતાં. જોકે અમેરિકન મતદારો આ પ્રકારની ઘટનાઓથી વિચલિત થતાં નથી તે અગાઉ પણ પૂરવાર થઇ ચૂક્યું છે. ભૂતકાળમાં હત્યાનો પ્રયાસ થયો હોય તેવા પ્રમુખોની લોકપ્રિયતામાં હંગામી ધોરણે થોડા અંશે વધારો થયો હતો પરંતુ તે ક્ષણજીવી જ પૂરવાર થયો હતો. 1981માં રોનાલ્ડ રીગન પર ગોળીબાર થયો ત્યારપછીના એક-બે મહિના માટે તેમના રેટિંગમાં સરેરાશ 8 પોઇન્ટનો વધારો થયો હતો પરંતુ ત્યારબાદ અમેરિકી અર્થતંત્ર મંદીમાં સપડાતાં તેમની લોકપ્રિયતા વર્ષના અંત સુધીમાં તો 10 પોઇન્ટ નીચે ગગડી ચૂકી હતી. 1975માં 17 દિવસના સમયગાળામાં જેરાર્ડ ફોર્ડ પર બે વાર હુમલા કરાયા હતા. તે સમયે ફોર્ડની લોકપ્રિયતામાં પણ થોડા સમય માટે વધારો જોવા મળ્યો હતો પરંતુ એક જ મહિનામાં તેમના રેટિંગ ગગડી ચૂક્યાં હતાં અને વર્ષાંતે યોજાયેલી ચૂંટણીમાં તેઓ પરાજિત થયા હતા. ટ્રમ્પના કિસ્સામાં પણ આવું જ કંઇક થઇ શકે છે. થોડા સમય માટે સહાનુભૂતિનું મોજું પ્રવર્તી શકે છે પરંતુ ટ્રમ્પનો ખરડાયેલો ભૂતકાળ પીછો છોડવાનો નથી. હેરિસની તરફેણ કરી રહેલા કેટલાક રિપબ્લિકન અને અનિશ્ચિત મતદારો ટ્રમ્પની તરફેણમાં જઇ શકે છે પરંતુ હજુ મતદાનને દોઢ મહિના જેટલી વાર છે અને બીજી ડિબેટમાં કમલા હેરિસ સારો દેખાવ કરે તો ટ્રમ્પ પ્રત્યે જન્મેલી સહાનુભૂતિ વિખેરાઇ પણ શકે છે. અમેરિકાની ચૂંટણીઓ સહાનુભૂતિ પર ક્યારેય જીતી શકાઇ નથી તે ઇતિહાસ બતાવે છે.