ગાંધીનગરઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યને સમર્પિત અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, આવાસીય યોજનાઓ સહિતના પ્રોજેક્ટ શરૂ કરાવ્યા હતા. સતત ત્રીજી ટર્મ માટે દેશમાં ચૂંટાઈ આવેલી મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે સોમવારે 100 દિવસ પૂર્ણ કર્યા છે. આ 100 દિવસ દરમિયાન મોદી સરકારે દેશમાં કુલ રૂ. 15 લાખ કરોડના કામ કર્યાં છે.
વડાપ્રધાને મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટનું ઉદઘાટન કર્યું હતું. બપોરના સમયે તેમણે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલને લીલી ઝંડી દર્શાવી તેમાં પ્રવાસ કર્યો હતો. પ્રવાસ દરમિયાન મોદીએ યુવાનો સાથે મેટ્રોનો પ્રવાસ કરી વાર્તાલાપ પણ કર્યો હતો. આ પછી તેઓએ ભાજપ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર યોજાયેલા અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો. અહીં તેમણે વિપક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે, અમે ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસ મહત્ત્વના નિર્ણય લીધા છે. દિવસ-રાત જોયા વિના કામ કર્યું છે. જેઓને મારી મજાક કરવી હોય તે કરી લે, હું દેશકલ્યાણના માર્ગે ચાલી નીકળ્યો છું અને અહીંથી પાછો હટવાનો નથી.
સોલર સેક્ટર 20 લાખ નોકરી પેદા કરશે
પ્રધાનમંત્રીએ ફ્યુચર વિઝન દર્શાવી જણાવ્યું કે, 2030 સુધીમાં દેશમાં 500 GW વીજળી સૌર, પવન, પાણીથી પેદા થશે. જેની સાથોસાથ સૌરઊર્જાના સેક્ટરમાં આગામી સમયમાં 20 લાખ ગ્રીન જોબ્સ ઊભી થશે. અમે આવતા 1 હજાર વર્ષના વિકાસની તૈયારી કરી રહ્યા છીએ. લક્ષ્ય ટોચ પર પહોંચીને આપણે સ્થાન જાળવી રાખવાનું છે.
100 દિવસમાં કરેલાં કામોની યાદી
• 100 દિવસમાં 15000 કરોડ કરતાં વધુ રોડ, પોર્ટ, રેલવે, રોજગારનાં કામો કર્યાં
• આરોગ્ય, ઊર્જા, ટેકનોલોજી, સલામતી, રસ્તા, રેલવે, બંદર સહિતની માળખાકીય સુવિધા માટે રૂ. 35 લાખ કરોડ ફાળવાયા
• કૃષિ માટે 3 લાખ કરોડની જોગવાઈ. સ્ટાર્ટઅપ પર 31 ટકા એન્જલ ટેક્સ નાબૂદ
• આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે
3 કરોડ મકાનોની ફાળવણી
ભારત આવતાં હજાર વર્ષનો પાયો નાખી રહ્યું છેઃ મોદી
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટ-2024 સમિટને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ઉપસ્થિત 140 દેશોના પ્રતિનિધિઓને કહ્યું કે, જ્યારે ક્લાઇમેટ ચેન્જની વાત આવી ત્યારે ભારત સરકાર અને વિકસતા અર્થતંત્રને નાતે અમારી પાસે પણ બહાર રહેવાનું યોગ્ય બહાનું હતું. અમે કહી શક્યા હોત કે દુનિયાને બરબાદ કરવામાં અમારી કોઈ ભૂમિકા નથી, પરંતુ અમે તેવું ન કર્યું. આપણે માનવજાતના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરતા લોકો છીએ, તેથી દુનિયાને પથદર્શન કરવા અગણિત પગલાં લીધાં. આજનું ભારત આજનો નહીં આવતાં હજાર વર્ષ માટે પાયો નાખી રહ્યું છે. અમારો ઇરાદો માત્ર ટોચ પર પહોંચવાનો નથી. અમારી તૈયારી ટોચ પર ટકી રહેવાની છે.
હું તમારા માટે કામ કરતો હતોઃ મોદી
જીએમડીસી ગ્રાઉન્ડ પર એકત્રિત થયેલી મેદનીને સંબોધતાં પ્રધાનમંત્રીએ વિપક્ષ પર પણ પસ્તાળ પાડી હતી. તેમણે કહ્યું કે, છેલ્લા 100 દિવસમાં તમે જોયું હશે કે વિપક્ષ તરફથી કેવી વાતો ઉડાવાય છે. તેઓ મારી મજાક ઉડાવવા લાગ્યા. દેશના નાગરિકોને આશ્ચર્ય થતું હતું કે, મોદી કેમ ચૂપ છે. દરેક અપમાનને સહન કરતાં આ દિવસો તમારા કલ્યાણઅર્થે સરકારના પ્રથમ 100 દિવસ માટે નીતિ ઘડવામાં લગાવ્યા છે. આ સાથે મોદીએ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પૂર અને તેની ત્રાસદી અંગે ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે, ઉત્સવના આ અવસરમાં એક પીડા છે. આ વર્ષે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે અસરગ્રસ્તોને પૂરતી સહાય કરી છે.
વૈશ્વિક સમસ્યાના સમાધાન માટે ભારતને યાદ કરાય છે
વડાપ્રધાન મોદીએ સંબોધનમાં જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લાં 10 વર્ષમાં ભારતનું કદ ખૂબ જ વધી ગયું છે. આજે નવા સંકલ્પ સાથે કામ કરતાં નવા ભારતની વિદેશોમાં વાહવાહી થઈ રહી છે. આજે દુનિયા ભારત સાથે જોડાવા ઉત્સુક છે. દુનિયા ભારત અને ભારતીયોનું ખુલ્લા મનથી સ્વાગત કરે છે. ઘણી સમસ્યાના સમાધાન માટે આજે ભારતને યાદ કરવામાં આવે છે. ભારત ઝડપી ગતિથી વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. કલ્ચરથી લઈને એગ્રિકલ્ચર સુધી આજે ભારત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે.
સોમનાથના નવા ટ્રસ્ટી તરીકે વિષદ પદ્મનાથ મફતલાલની પસંદગી
વેરાવળઃ ભારતનાં 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટની બેઠક ગાંધીનગર-રાજભવન ખાતે વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળી હતી. બેઠકમાં નવા ટ્રસ્ટી તરીકે નવા ટ્રસ્ટીની નિયુક્તિ કરવામાં આવી હતી, તેમજ વાર્ષિક હિસાબો, યાત્રીસુવિધા કેન્દ્ર સહિતના અગત્યના નિર્ણયો કરવામાં આવ્યા હતા. નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ ટ્રસ્ટી મંડળની બેઠક અધ્યક્ષના વડપણ હેઠળ મળતાં સૌ ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવ્યા હતા. સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટીઓની ખાલી પડેલી જગ્યાએ મફ્તલાલ ગ્રૂપના ઉદ્યોગપતિ, સદ્ગુરુ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ચિત્રકૂટના અધ્યક્ષ વિષદ પદ્મનાભ મફ્તલાલની નિયુક્તિ કરવામાં આવી હતી. સોમનાથ ખાતે ટૂરિઝમ વિભાગના સહયોગથી રિનોવેશન કરેલ યાત્રીસુવિધા કેન્દ્રનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
• PM આવાસ યોજનાના 56,500થી વધુ મકાનોનું લોકાર્પણ. 30 હજાર નવાં આવાસોને મજૂરી સાથે પ્રથમ હપતાના રૂ. 90 કરોડ લાભાર્થીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર.
• મેટ્રો રેલ ગાંધીનગર સાથે કનેક્ટ, ભુજ- અમદાવાદ વચ્ચે નમો ભારત રેપિડ રેલ સહિત વર્ચ્યુઅલ રીતે દેશમાં 7 વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું
• ગિફટ સિટીમાં આવેલા ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટીનું સિંગલ વિન્ડો આઈટી સિસ્ટમ- SWITSનું લોકાર્પણ
• અમદાવાદમાં રૂ. 350 કરોડના ખર્ચે તૈયાર 7 આઇકોનિક માર્ગો ઉપરાંત ચાર ફલાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.
• અમદાવાદ મ્યુ. કોર્પો.ના રૂ.180 કરોડના ખર્ચે તૈયાર 30 મેગા વોટ સોલાર સિસ્ટમ તથા ઠક્કરબાપાનગર ખાતે રૂ. 21.58 કરોડના નવા પાણી વિતરણ કેન્દ્રનું ખાતમુહૂર્ત
100 દિવસમાં 10 ગેરંટી માટે કામ
• ચૂંટણી દરમિયાન ત્રણ કરોડ નવાં ઘર બનાવવાની ગેરંટી આપી હતી, તેના પર કામ થઈ રહ્યું છે.
• ફેક્ટરીમાં કામ કરનાર લોકો માટે વિશેષ આવાસ અને વર્કિંગ વિમેન માટે નવી હોસ્ટેલ પણ તૈયાર કરાઈ રહી છે.
• ગરીબ અને મધ્યમ વર્ગના 70 કે તેથી વધુની ઉમરના તમામ લોકોને રૂ. 5 લાખ સુધી નિઃશુલ્ક સારવારની ગેરંટી પૂરી કરી.
• યુવાનો માટે રૂ. 2 લાખ કરોડનું પીએમ પેકેજ જાહેર કરાયું છે, જેનો ફાયદો 4 કરોડથી વધુ યુવાનોને થશે.
• મુદ્રા લોનની રકમ રૂ. 10 લાખથી વધારીને હવે રૂ. 20 લાખ સુધી કરવામાં આવી છે.
• મોદી સરકારની ત્રીજી ટર્મમાં માત્ર 100 દિવસમાં જ 11 લાખ નવી લખપતિ દીદી બનાવી છે.
• તેલીબિયાં પકવનારા ખેડૂતોને એમએસપીથી પણ વધુ ભાવનો નિર્ણય, સાથે જ વિદેશી તેલની આયાત પર ડ્યૂટી વધારતાં સોયાબીન અને સૂર્યમુખીના ખેડૂતોને લાભ મળશે.
• બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ પણ હટાવી લેવાયો છે. જેથી વિદેશની માગમાં વધારો થશે.
• અમદાવાદ-ભુજ વચ્ચે 'નમો ભારત રેપિડ રેલ'ની શરૂઆત. અન્ય શહેરો નમો ભારત રેપિડ રેલથી કનેક્ટ થશે.
• વંદે ભારત ટ્રેનના નેટવર્કને ઝડપથી વિકસાવવા પર વિશેષ ધ્યાન અપાયું. 15થી વધુ રૂટ પર નવી વંદેભારત ટ્રેન શરૂ કરાઈ.