નવા વિશ્વનું સર્જન કરનારા ઘડવૈયા એટલે શિક્ષક

બાદલ લખલાણી Wednesday 18th September 2024 05:19 EDT
 
 

ગુજરાત સમાચારે તેના ખાસ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગત દ્વારા 5 સપ્ટેમ્બરે શિક્ષક દિવસની ખાસ ઉજવણી કરી. ઉલ્લેખનીય છે કે, જ્ઞાનયજ્ઞ અને સેવાયક્ષ માટે હંમેશાં અગ્રેસર રહેલા ગુજરાત સમાચાર અને તેના પ્રકાશક તંત્રી સી.બી. પટેલ દ્વારા આ અંગે વિશેષ ઉત્સાહ દાખવાયો હતો. જે અંતર્ગત આ વિશેષ કાર્યક્રમમાં શિક્ષણક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા શિક્ષકો અને શિક્ષણક્ષેત્રે નામનાપાત્ર મહાનુભાવો ડો. અમીબહેન ઉપાધ્યાય, ચંદ્રકળાબહેન પટેલ, ભદ્રાબહેન વડગામા, સોનલબહેન શાહ, હિનાબહેન પંચોલી, રેખાબહેન શાહ, વિજ્યાબહેન ભંડેરી, જગદીશભાઈ દવેને નિમંત્રણ આપવામાં આવ્યું હતું.
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડાયરેક્ટર અને વાઇસ ચાન્સેલર ડો. અમીબહેન ઉપાધ્યાયને સી.બી. પટેલે તેમને પોતાના વિચારો વ્યક્ત કરવા આમંત્રણ આપ્યું.
અમીબહેન યાજ્ઞિકઃ શિક્ષકત્વ એક લાંબી યાત્રા છે. તમામ લોકો એક વૃક્ષમાં બીજને જોવે છે, એક શિક્ષક જ એવી વ્યક્તિ છે જે દરેક બીજમાં એક વૃક્ષને જુએ છે. અહીં શિક્ષકની યાત્રા અન્યોથી અલગ છે. એક શિક્ષક જ જુએ છે કે મારી સામે આવેલું બીજી એક વૃક્ષ થવાની સંભાવના અને સામર્થ્ય સાથે બેઠું છે. કોઈ વ્યક્તિ શિક્ષકના સ્વરૂપમાં ન પણ હોઈ શકે, એનો અર્થ એ નથી કે એ શિક્ષક નથી. દરેક ક્ષેત્રે કોઈને કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ અન્ય કોઈના શિક્ષક હોઈ શકે છે - તેમને જોઈને કેટલાય લોકો તૈયાર થાય છે. કોઈ વ્યક્તિના સામર્થ્યથી, સંભાવનાથી અને પરિણામથી શિક્ષક છે. શિક્ષક એ કોઈ હોદ્દો કે એપોઇન્ટમેન્ટ ઓર્ડર નથી. શિક્ષણની શરૂઆત માતાના ગર્ભથી થાય છે. સિંહણનું દૂધ લેવા માટે પાત્રતા જોઈએ, દરેક પાત્રમાં સિંહણનું દૂધ ન આવે. એટલે જ ગુરુત્વ, શિક્ષણત્વ અને માતૃત્વ એ તમામ સિંહણનાં દૂધ છે, એના માટે વ્યક્તિએ પોતાના આત્માને અને મનને તૈયાર કરવાં પડે.
‘સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ્ કરવાવહૈ’ આ શ્લોક શિક્ષક અને વિદ્યાર્થી સાથેના સામંજસ્યના સંદર્ભે છે. વિદ્યાર્થી તેમ સમજે કે ગુરુનો એક અંશ મારામાં છે અને ત્યારે એ વિદ્યાર્થી સંસ્થામાંથી બહાર નીકળી ક્યારેય ખોટું નહીં કરે, કારણ કે હું મારા ગુરુનો એક અંશ લઈને બહાર જાઉં છું. ગુરુત્વને ન પામેલો કોઈ શિક્ષક વિદ્યાર્થીને કહે કે, તું મોટો થઈને સચિન તેંડુલકર જેવો બન, કે અન્ય કોઈ જેવો બન... હકીકતમાં શિક્ષકે કહેવું જોઈએ ‘તું તું બન’.
કાર્યક્રમનું સંચાલન કરતાં જ્યોત્સનાબહેન શાહે માંધાતા સમાજ યુકેમાં સૌપ્રથમ ગુજરાતીના વર્ગો શરૂ કરનારાં 90 વર્ષીય ચંદ્રકળાબહેન પટેલને આમંત્રણ આપ્યું અને વિનંતી કરી કે ગુજરાતી ભાષા સાહિત્યને ટકાવવા માટેના તેમના વિચાર રજૂ કરે.
ચંદ્રકળાબહેન પટેલઃ છેલ્લાં 50 વર્ષથી અમે માંધાતામાં ગુજરાતીના વર્ગો ચલાવીએ છીએ. એક સમયે અમારી સંસ્થા દ્વારા 400 બાળકોને એકસાથે તાલીમબદ્ધ કરાતા હતા, જેમને 15 શિક્ષકો દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યનું જ્ઞાન અપાતું હતું. આ શાળા માટે બ્રેન્ટના મેયર દ્વારા અમને 2 હજાર પાઉન્ડની ગ્રાન્ટ પણ અપાઈ હતી. અહીંના ગુજરાતી સમાજના બાળકો બ્રિટિશર છે, જેમના ઘરે પણ ગુજરાતી બોલાતું ન હોવાથી તેમને ભણાવવું અઘરું છે. આ સ્થિતિને ધ્યાને રાખી મેં 1980માં આવાં બાળકોનાં માતા-પિતા માટે ઇવનિંગ ક્લાસ પણ શરૂ કર્યા હતા, જે 2 વર્ષ ચાલ્યા.
લંડનમાં લાઇબ્રેરીમાં આપણી ભાષામાં ગુજરાતી પુસ્તકો શરૂ કરાવનારાં ભદ્રાબહેન વડગામાએ જણાવ્યું કે, 1977માં જ્યારે ઇસ્ટ આફ્રિકાથી એશિયન્સ અહીં આવ્યા ત્યારે સરકાર દ્વારા નક્કી કરાયું હતું કે, એશિયન માઇનોરિટીને ખાસ મદદ મળે તે માટે ગ્રાન્ટ આપવી. આમ કાઉન્સિલને ગ્રાન્ટ મળી અને મેં તે કામ સંભાળ્યું. લાઇબ્રેરિયન તરીકેનો કોર્સ મેં અહીં કર્યો. આફ્રિકામાં હું શિક્ષિકા હતી અને ઝાંઝિબારમાં મેં 19 વર્ષની ઉંમરથી જ ગુજરાતીનું શિક્ષણ આપ્યું હતું. નાનપણથી જ ગુજરાતીનો શોખ હતો જ, પરંતુ અહીં આવી મેં હિન્દી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ, બંગાળી અને તમિલ ભાષાના પુસ્તકો અને સાહિત્યનો સંગ્રહ કરી લાઇબ્રેરી પ્રોવિઝન પૂરું પાડવાનું હતું. નાનપણનો ગુજરાતીનો શોખ અહીં આવ્યા બાદ વધ્યો. ઇસ્ટ આફ્રિકામાં હું માત્ર ગુજરાતી જ હતી, પરંતુ અહીં આવીને હું ભારતીય બની છું. કારણ કે અહીં આવીને જ મને ગુજરાતી સિવાયની ભારતીય ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થયું.
યુકેમાં શૈક્ષણિક ક્ષેત્રે 35 વર્ષથી સક્રિય સોનલબહેન શાહે કહ્યું કે, 15-16 વર્ષની હતી અને જે પ્રેમમાં પડી એ ગુજરાતી પ્રેમ આજ સુધી મહેકી રહ્યો છે. નાનપણથી જ ઘરમાં તમામને વાંચવાનો શોખ, નાનપણથી જ પુસ્તકોથી ઘેરાયેલી રહી છું. આપણા ગુજરાતી સમાજનાં બાળકો અને તેમના ગુજ-લિશ વાલીઓમાં કેવી રીતે ભાષાપ્રેમ જગાવી શકીએ તેની વાત કરીએ. કસુંબીના રંગથી આંખમાં ચમક ન આવે તો તમે ગુજરાતી શું કામના! તમે જો પ્રેમ સાથે વાત કરશો તો તેનાં તરંગો બાળકના મન સુધી પહોંચશે જ, પણ તેના માટે પ્રથમ વાલીઓએ ગુજરાતી શીખવું પડશે.
એલ્સબરીમાં 40 વર્ષથી વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલાં અને ગુજરાતી ભાષા શિક્ષણની સેવા આપનારાં હિનાબહેન પંચોલીએ જણાવ્યું કે, શિક્ષક તરીકે માતા-પિતાએ બાળકોને આપણી સંસ્કૃતિ આગળ વધારવા માટે પ્રોત્સાહન આપવું જરૂરી છે. માતા-પિતા દ્વારા જો ગુજરાતી ભાષાને માન આપવામાં આવશે તો બાળકો પણ તેને તરત જ કેચઅપ કરી લેશે. આપણી સંસ્કૃતિ એટલી સમૃદ્ધ છે, જેને આગળ વધારવા માટે આપણે જ આગળ આવવું પડશે. એલ્સબરીમાં અમારા દ્વારા શરૂ કરવામાં આવેલા ક્લાસને ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું હતું. જીસીએસસી સુધી બાળકો પહોંચ્યા પણ, જો કે સમય જતાં તેમની જવાબદારી અને એજન્ડા બદલાતાં અમારા દ્વારા આ સેવા રોકવી પડી હતી. હાલના સમયમાં ફરી યુ-ટર્ન આવ્યો છે.
ત્રીજી પેઢીએ પણ શિક્ષણક્ષેત્ર સાથે સંકળાયેલાં અને માંધાતા યૂથ એન્ડ કોમ્યુનિટી એસોસિયેશન - વેમ્બ્લીનાં રેખાબહેન શાહે ગુજરાતી સમાજ અને શિક્ષણ અંગે જણાવ્યું કે, ગુજરાતી રીતરિવાજ સાચવવા ખૂબ જરૂરી છે. એટલે જ અમે શાળાના વિદ્યાર્થીઓને કક્કાની સાથે જીસીએસસી સુધીનો અભ્યાસ કરાવીએ છીએ. જીસીએ તરફથી પણ અમને માર્ગદર્શન અપાય છે, જેમાં આધુનિક પદ્ધતિથી ભણાવવાની પદ્ધતિઓ અંગે પણ અમને સૂચન અપાય છે. ભાષાને જીવંત રાખવી એ તમામની જવાબદારી છે.
કન્સોર્ટિયમ ગુજરાતી સ્કૂલનાં મંત્રી, વર્ષોથી શિક્ષણનું કાર્યમાં સેવા આપનારાં અને ભાષાના ભેખધારી વિજ્યાબહેન ભંડેરીએ કહ્યું કે, કન્સોર્ટિયમ ગુજરાતી સ્કૂલ ઘણી બધી ટ્રેનિંગનું આયોજન કરે છે. અમારા દ્વારા 13 ટ્રેનિંગ્સ કરી છે. 21 જુલાઈની ટ્રેનિંગમાં પણ અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. 8 સપ્ટેમ્બરે અમે લેસ્ટરમાં ટ્રેનિંગનું આયોજન કર્યું છે. કન્સોર્ટિયમ ગુજરાતી સ્કૂલ ગુજરાતી ભાષા માટે અને શિક્ષકોની તાલીમ માટે ઘણું બધું કરે છે, જેથી ગુજરાતી ભાષાનું સ્તર વધારે ઊંચું જાય અને ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા વધતી રહે. તમામ લોકો એક છત નીચે આવી કાર્ય કરે તે માટે જીસીએસ દ્વારા ઘણા પ્રયત્નો કરાયા છે, પરંતુ હજુ તે શક્ય નથી બન્યું. મંદિરો દ્વારા પોતપોતાના અભ્યાસક્રમ હોવાથી એકછત નીચે આવવું શક્ય નથી.
ગુજરાતી ભાષામાં નોંધપાત્ર યોગદાન આપનારા ડો. જગદીશભાઈ દવેએ જણાવ્યું કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોની છાપ તેમના વિદ્યાર્થીઓ પર જીવનભર રહેતી હોય છે. લંડન યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા આવનારા તમામ અંગ્રેજ હોય છે. એક વખત અભ્યાસ કરાવતા એક વિદ્યાર્થીને મેં તેનું નામ ગુજરાતીમાં લખવાનું કહ્યું, જેમાં તેણે તેના નામનો પ્રથમ અક્ષર મોટો કર્યો. મેં તેને આમ કરવાનું કારણ પૂછતાં અંગ્રેજીમાં પ્રથમ અક્ષર કેપિટલ હોવાનું તેણે જણાવ્યું. તેના જવાબ બાદ મેં તેને કહ્યું કે, અમે ગુજરાતીઓ સમાન માનીએ છીએ, અમે લિબરલ છીએ. આમ આખા ક્લાસને નવો દૃષ્ટિકોણ મળ્યો. રોમમાં જ્યારે વિદ્યાર્થીઓને શીખવતો ત્યારે મારા માટે પડકાર હતો કે તેમને અંગ્રેજી પણ આવડતું નહોતું. પ્રથમ દિવસે એક વિદ્યાર્થી થોડું અંગ્રેજી જાણતો હોવાથી કામ ચાલ્યું. બીજા દિવસે હું સવારે ત્યાં ફરવા નીકળ્યો અને ત્યાંની દુકાનો પર જઈ બનતા તમામ ઇટાલિયન શબ્દોના આધારે સાંજે તેમને અભ્યાસ કરાવ્યો. હું સવારે ઇટાલિયન ભણતો અને સાંજે તેમને તેના આધારે ગુજરાતી શીખવતો. જ્યારે વિદ્યાર્થીઓએ જાણ્યું કે તેમને શીખવાડવા માટે હું ઇટાલિયન શીખી રહ્યો છું, ત્યારે તેમનો ઉત્સાહ બેવડાઈ ગયો. તેમને એટલો ઉત્સાહ હતો કે તેમણે મને ક્લાસ પૂર્ણ થયા બાદ પારસી ગુજરાતી શીખવાડવા પણ આગ્રહ કર્યો. તેનું કારણ એ હતું કે તે લોકો જરથુસ્ટ્ર ધર્મ પર પીએચડી કરતા હતા.
આખું જીવન જે વિદ્યાર્થી બની રહે, તે જ સાચો શિક્ષક બની શકે.


comments powered by Disqus