ભારતીય પ્રજાએ જ્યાં પણ વસવાટ કર્યો છે, ત્યાં ત્યાં તેમણે તેમના સુંદર કેન્દ્રો સ્થાપિત કર્યા છે અને તેમની સંસ્કૃતિ અને ધર્મને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓની સ્થાપના કરી છે. ઉત્તર અમેરિકામાં યુએસએ અને કેનેડામાં આના જ્વલંત ઉદાહરણો જોવા મળે છે, જ્યાં મોટા પ્રમાણમાં ભારતીય સમુદાયો વસે છે. ન્યૂ જર્સીના જૈન સંઘના આમંત્રણ પર મેં આવા જ એક કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ રાજ્યનું નામ ન્યુ જર્સી. અહિયાં આવનાર દરેક વ્યક્તિ આ રાજ્યના જીવંત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમુદાયનો ઉલ્લેખ કરે જ છે. ન્યૂ જર્સી ભારતીય સંસ્કૃતિ, કલા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર છે. અહીંના મોટાભાગના મોલમાં ભારતીય દુકાનો અને ભારતીય ચીજ વસ્તુઓ જોવા મળે છે. લોકો તેમના ઉત્સવોની ઊજવણી કરે છે.. 2024ના પર્યુષણ પર્વ દરમિયાન ન્યૂ જર્સી જૈન કેન્દ્રની મુલાકાત લેવી એ મારા અને મારા પત્ની સુધા માટે અતિ આનંદની બાબત હતી.
મને પવિત્ર જૈન પર્વ પર્યુષણ દરમિયાન પ્રવચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં, હું ન્યૂ જર્સીના કાલ્ડવેલ ટાઉનશીપમાં આવેલ જૂના દેરાસર અને ફ્રેંકલિનમાં આવેલ નવા દેરાસર બંનેમાં પ્રવચન આપી રહ્યો હતો.
ફ્રેંકલિનમાં મોટું અને ભવ્ય એવું શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય 9.6 એકર જમીન પર ફ્રેન્કલિન ટાઉનશીપમાં આવેલ છે. જે.સી.એન.જે. દ્વારા એક ખાલી જમીન ખરીદવામાં આવી હતી અને તે પર પરંપરાગત શિખરબંધી દેરાસર, મોટો સભા હોલ, ભોજનખંડ, પાઠશાળાના વર્ગો, દીગમ્બર દેરાસર, સ્થાનક વાસી રૂમ સાથે નવકારમંત્ર પાટ, અને શ્રીમદ રાજચંદ્ર પ્રાર્થના રૂમ સહિત અન્ય સગવડોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભૂમિ પૂજન અને શિલારોપણ મુહૂર્ત પૂજ્ય આચાર્ય શ્રી અશોકચંદ્રસૂરિજી એમ.એસ. દ્વારા કરવામાં આવ્યું. 18 મે, 2003 ના રોજ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું અને 22 જૂન, 2003 ના રોજ શિલારોપણ મહોત્સવ યોજાયો. ડિસેમ્બર 2008માં, પૂજ્ય આચાર્ય શ્રી રાજ્યેશસૂરિજી મ.સા .ના માર્ગદર્શન હેઠળ પાંચ તીર્થંકર પ્રતિમાજીઓ - મુલનાયક શ્રી મુનિસુવ્રત સ્વામી, શ્રી મહાવીરસ્વામી, શ્રી સીમંધર સ્વામી, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને શ્રી વાસુપૂજ્ય સ્વામીની અંજનશલાકા વિધિ હૈદરાબાદ, ભારતના કુલપકજી તીર્થ ખાતે કરવામાં આવી, જેમાં જેએનસીએનજેના કેટલાક સભ્યો હાજર હતા.
7 જુલાઇ, 2012ના રોજ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી ઉત્સુકતા અને ઉલ્લાસ સાથે સમગ્ર જૈન સંઘે ભાગ લીધો. જુલાઈ 2022માં, જેએનસીએનજે સંઘ દ્વારા ભમતીમાં અનોખા ભાવ-તીર્થના 24-તીર્થંકર પ્રતિષ્ઠા મહોત્સવની ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જૈન સંઘે મારુ અને મારા પત્ની સુધાનું સુપેરે સ્વાગત કરીને રોજના બે પ્રવચનોનું આયોજન કરેલ હતું. સવારનું જૂના પાર્શ્વનાથ ભગવાનના દેરાસરમાં અને સાંજે નવા મુનિસુવ્રત સ્વામી જિનલયમાં.
વિશેષ ઉલ્લેખનીય બાબત તો એ હતી કે પર્યુષણ દરમ્યાન 203 ભાઈ બહેનોએ તપસ્યા કરી હતી. 36 કે તેથી વધારે ઉપવાસથી માંડીને પાંચ ઉપવાસ કરનાર આટલા બધા તપસ્વીઓ એ એક વિક્રમજનક સંખ્યા કહી શકાય. માત્ર ઉકાળેલા પાણીનો સમયની મર્યાદા સાથે ઉપયોગ કરવો એટલે આ એક આકરું તપ છે. આમાં વર્ષી તપ અને ભક્તામર તપના તપસ્વીઓ પણ સામેલ હતા. આ વર્ષે પ્રથમ વાર જ આ સંઘે મહાવીર જન્મ કલ્યાણક વાંચનની ઉજવણી જે દિવસે શાસ્ત્ર પ્રમાણે કરવાની હોય તે જ દિવસે કરી હતી. આડો દિવસ હતો છતાંયે 1500 થી વધારે ભાવિકોએ ભાગ લીધો અને ઉમંગભેર ધર્મકાર્યોમાં ઉછવણી દ્વારા ધન ખર્ચ્યુ. છેલ્લે દિવસે 1500 થી વધારે ભાઈ બહેનોએ પ્રતિક્રમણ કરી અને ક્ષમાપના કરી. શ્રી વિનોદ કપાશીએ ઉવસગ્ગહરં સ્તોત્ર, ભક્તામર સ્તોત્ર, હેમચંદ્રચાર્યના જીવન વિષે એમ વિવિધ પ્રવચનો આપ્યા. સુધા કપાશીએ રત્નાકર પચ્ચીસી વ. માં સાથ આપ્યો.
આ સંસ્થામાં 4000 જેટલા સભ્યો છે. 650 જેટલા બાળકો, આઠ વર્ગોમાં પાઠશાળામાં ભણે છે. 20 જેટલા શિક્ષકો ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપે છે. સંસ્થાની કાર્યવાહી માટે અનેક નાની મોટી સબકમિટીઓ છે. ચાર આંગી કમિટી ભગવાનની આંગી કરે. 26 જેટલા નિઃસ્વાર્થ ભાવે કામ કરનારા ટ્રસ્ટીઓ છે. તપસ્વીઓ હોય કે બીજા ભાવિકો હોય સહુને માટે જમવાનું ત્યાંજ સેવાભાવી ભાઈ બહેનો બનાવે અને પ્રેમથી પીરસે છે. આ સિવાય પુસ્તકાલય પણ સુંદર છે.
અનેક નામોનો ઉલ્લેખ થઈ શકે પણ ક્યાંક ક્ષતિ થઈ જાય તે ડરથી નામો લખવાનું ટાળું છુ. પ્રમુખશ્રીને આકસ્મિક ભારત જવું પડ્યું તેથી ઉપપ્રમુખ પરાગભાઈ ગાંધી તથા સેંકડો કાર્યકરોએ ખુબજ જહેમત કરી હતી. સહુ કાર્યકરોની અનુમોદના અને સરાહના. ન્યૂજર્સીમાં આચાર્ય સુશીલકુમાર સ્થાપિત એક અતિ ભવ્ય અને સુંદર સિદ્ધચલમ સંકૂલ પણ છે. જયાં દેરાસર અને ભોજનલય વ. ની વ્યવસ્થા છે.