મોદી સરકારના આ કાર્યકાળમાં જ લાગુ થઈ જશે ‘એક રાષ્ટ્ર-એક ચૂંટણી’

Wednesday 18th September 2024 03:16 EDT
 
 

નવી દિલ્હીઃ ભાજપના મુખ્ય એજન્ડા એવા રામ મંદિરની સ્થાપના અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાનાં વચનો પૂરા થઈ ગયાં છે. યુનિફોર્મ સિવિલ કોડ પર કામ ચાલી રહ્યું છે, ત્યારે હવે મોદી સરકાર વધુ એક એજન્ડા પરનું કામ પૂરું કરવા જઈ રહી છે. એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં જ 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'નો અમલ કરવાની યોજના બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે તેનું સમર્થન કર્યું હતું. હવે એક રાષ્ટ્ર, એક ચૂંટણી યોજનાની સમીક્ષા માટે બનાવાયેલી કોવિંદ સમિતિએ લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી છે.
ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર વર્તમાન કાર્યકાળમાં જ એક રાષ્ટ્ર, એક ચૂંટણી યોજના લાગુ કરી દેશે. કેન્દ્ર સરકારને વિશ્વાસ છે કે આ સુધારાને બધા જ પક્ષોનું સમર્થન મળશે. કાયદાપંચ પણ વર્ષ 2029થી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવાની ભલામણ કરી શકે છે.
નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાનપદના શપથ લઈને ઈતિહાસ રચ્યો છે ત્યારે આ સરકારના કાર્યકાળના 100 દિવસ પૂરા થઈ ગયા છે. આવા સમયે સૂત્રોએ જણાવ્યું કે, શાસક ગઠબંધનની એકતા બાકીના કાર્યકાળમાં પણ જળવાઈ રહેશે. નિશ્ચિતરૂપે આ યોજનાને આ કાર્યકાળમાં જ અમલમાં મુકાશે.
સૂત્રોએ જણાવ્યું કે, એક રાષ્ટ્ર, એક ચૂંટણી માટે વસ્તીગણતરી એક મહત્ત્વનું પરિબળ બની શકે છે. કેન્દ્ર સરકારે દાયકામાં એક વખત થતી વસ્તીગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે, પરંતુ આ પ્રક્રિયામાં જાતિસંબંધિત કોલમ ઉમેરવા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. સામાન્ય પ્રક્રિયામાં ભારતમાં વર્ષ 2021માં વસ્તીગણતરી થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે વસ્તીગણતરીની કામગીરી પાછી ઠેલાઈ છે.
સૂત્રોએ જણાવ્યું કે, દેશમાં આ પહેલી ડિજિટલ વસ્તીગણતરી હશે, જેના મારફતે નાગરિકોને પોતાને ગણતરી કરવાની તક મળશે. તેના માટે તંત્રે એક સ્વગણતરી પોર્ટલ તૈયાર કર્યું છે, જે હજુ લોન્ચ કરાયું નથી. સ્વ-ગણતરી દરમિયાન આધાર અથવા મોબાઇલ નંબર ફરજિયાતરૂપે એકત્ર કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવી દેવાનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છે. આ લક્ષ્ય માટે સરકાર કોઈ કસર બાકી રાખવા માગતી નથી.


comments powered by Disqus