રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવામાં મધ્યસ્થી કરવા ભારતે પ્રયાસો વેગીલા બનાવી દીધાં છે. જૂન 2024માં ભારતમાં લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન મોદીએ પહેલો વિદેશ પ્રવાસ રશિયાનો કર્યો અને ત્યારબાદ યુક્રેનનો પ્રવાસ પણ કરી આવ્યા. આ પ્રવાસો દરમિયાન મોદીએ બંને દેશ વચ્ચે સમાધાનના પ્રયાસ કર્યાં અને તાજેતરમાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પણ રશિયાના પ્રમુખ પુતિન સાથે મુલાકાત કરી પીએમ મોદીનો સંદેશો પહોંચાડી ચૂક્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત એક એવો દેશ છે જે રશિયા અને યુક્રેન સમર્થક પશ્ચિમના દેશો સાથે સારા સંબંધ ધરાવે છે. નીરિક્ષકો માને છે કે બંને દેશને મંત્રણાના મેજ પર લાવવા વડાપ્રધાન મોદી મહત્વની ભુમિકા ભજવી શકે છે. સમગ્ર વિશ્વ સુપેરે પરિચિત છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ વકરે તો વિશ્વયુદ્ધની નોબત આવી શકે છે. મુખ્ય ચર્ચાનો વિષય એ છે કે શું બંને દેશ વચ્ચે સુલેહ કરાવવામાં ભારત અને મોદી સફળ થશે? આ મામલો દેખાય છે તેના કરતાં ઘણો વધુ જટિલ છે. યુક્રેનનું અસ્તિત્વ યુરોપિયન સંઘ, બાલ્ટિક દેશો, બ્રિટન અને અમેરિકા માટે અત્યંત મહત્વનું છે. તેથી જ અત્યાર સુધી નાટો સંગઠન યુક્રેનની પડખે રહ્યું છે. બીજીતરફ ભારત રશિયાનો ગાઢ મિત્ર દેશ છે. અત્યાર સુધી ભારત પશ્ચિમના દેશોના પ્રતિબંધો છતાં રશિયાની મદદ કરતો રહ્યો છે તેથી યુરોપ અને પશ્ચિમને હંમેશા ભારતના પ્રયાસો પર શંકા રહે છે. નવી દિલ્હી માટે પણ રશિયા સાથેની મિત્રતા અને પશ્ચિમના દેશો સાથે વધુ ગાઢ બની રહેલા સંબંધો વચ્ચે સંતુલન સાધવું એક વ્યૂહાત્મક વિચક્ષણતા માગી લેતી પ્રક્રિયા છે. ભારત દ્વારા થઇ રહેલા પ્રયાસોમાં થોડું પણ અસંતુલન સમગ્ર પ્રક્રિયા ખોરવવાની સાથે સાથે રશિયા અથવા પશ્ચિમના દેશો સાથેના ભારતના સંબંધોને જોખમમાં મૂકી શકે છે. વર્તમાન રશિયા અને યુક્રેનની મુલાકાતોમાં બંને દેશે મોદીને ઉષ્માસભર આવકાર આપ્યો છે અને ભારતની મધ્યસ્થી પણ આવકારી છે પરંતુ યુક્રેનના ઝેલેન્સ્કીની કેટલીક ટીકાઓ પણ ધ્યાન ખેંચી રહી હતી. યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષનો અંત તો અમેરિકા અને રશિયા પર જ ટકેલો છે. અમેરિકા ભલે જાહેરમાં ભારતના પ્રયાસોને આવકારતો હોય પરંતુ પુતિન સાથેની મોદીની નિકટતા અમેરિકાની આંખમાં કણાની માફક ખૂંચતી રહી છે. રશિયા સાથેના મજબૂત સંબંધો માટે અમેરિકા આડકતરી રીતે ભારતને ચેતવતો પણ રહ્યો છે. નહેરૂ અને ઇન્દિરા ગાંધી સુધીના ભારતીય શાસકોએ બિનજોડાણવાદી નીતિ અપનાવીને ભારતની વિદેશ નીતિને મહાસત્તાઓની લડાઇથી અળગી રાખી હતી પરંતુ મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ વિદેશ નીતિમાં ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે. મોદી સરકાર ભારતના હિતોને પ્રાધાન્ય આપીને આગળ વધવાની વાત કરી રહી છે. ભારતના હિતોને પ્રાથમિકતા મહત્વની બાબત છે પરંતુ મોદી સરકારની કૂટનીતિની ગાડી ઘણા નાજૂક પાટા પર દોડી રહી છે તે વાતમાં કોઇ શંકા નથી. એકતરફ ચીનનો સામનો કરવા માટે ભારત અને પશ્ચિમને એકબીજાની જરૂર છે તેથી પશ્ચિમ સાથેના સંબંધોમાં તિરાડ પડે તે ભારતને પોષાય તેમ નથી. બીજીતરફ રશિયા સાથેની દાયકાઓ જૂની મિત્રતા ભારતને પશ્ચિમના પાલામાં જતાં રોકે છે. બીજી મહત્વની વાત એ કે રશિયા હવે ભૂતકાળનો સોવિયેત સંઘ નથી. રશિયન પ્રમુખ પુતિન તેમના હિતો માટે ગમે ત્યારે ગુલાંટ મારી શકે છે તે વાત ભારતે ભૂલવી જોઇએ નહીં. ચીન સાથે વધી રહેલી પુતિનની નિકટતા ઉપરાંત પાકિસ્તાન સાથેના રશિયાના સંબંધોમાં સુધારો પણ ભારત સરકારે ધ્યાનમાં રાખવો પડશે. આ યુદ્ધના અંત માટે ભારતની સાથે સાથે બ્રાઝિલ, ચીન અને હંગેરી પણ
પ્રયાસ કરી રહ્યાં છે. ઓક્ટોબરમાં બ્રિક્સ શિખર સંમેલન યોજાઇ રહ્યું છે ત્યારે રશિયાના વલણ પર બધાની નજર રહેશે. જોવું રહ્યું કે નરેન્દ્ર મોદીના પ્રયાસો શાંતિની સ્થાપનામાં કેટલા સફળ થઇ રહે છે.