હિન્દુ ધર્મ પરંપરા અનુસાર દરેક શુભ કાર્યની શરૂઆતમાં માતા-પિતા, પૂર્વજોને પ્રણામ કરવાં તે આપણું કર્તવ્ય છે. આપણા પૂર્વજોની વંશપરંપરાને કારણે જ આપણું જીવન અસ્તિત્વમાં આવ્યું છે. તેથી આપણાં ઋષિમુનીઓએ વર્ષમાં એક પક્ષને પિતૃપક્ષનું નામ આપ્યું છે, જે પક્ષમાં આપણે આપણાં પિતૃઓનાં શ્રાદ્ધ, તર્પણ, મુક્તિ માટે વિશેષ વિધિ, પૂજા-પાઠ, દાન-ધર્મ કરીને તેમને અર્ધ્ય સર્મિપત કરીએ છીએ. કોઈ કારણસર પિતૃઓના આત્માને મુક્તિ ન મળી હોય તો આપણે તેમની શાંતિ માટે જે વિશેષ કર્મ કરીએ છીએ તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે
હિન્દુ ધર્મ દર્શન અનુસાર જેનો જન્મ થયો છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. તે જ રીતે જેનું મૃત્યુ થયું છે તેનો જન્મ પણ નિશ્ચિત છે. પિતૃપક્ષમાં ત્રણ પેઢી સુધીના પિતા પક્ષના પિતા તથા ત્રણ પેઢી સુધીના માતા પક્ષના પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે. તેમને જ પિતૃ કહેવામાં આવે છે. ભાદરવા સુદ પૂનમથી લઈને ભાદરવા વદ અમાસ (આ વર્ષે વર્ષે 18 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર) સુધીના સોળ દિવસોને પિતૃપક્ષ કહે છે. જે તિથિના દિવસે માતા-પિતાનો દેહાંત થયો હોય તે પિતૃપક્ષમાં તે તિથિએ તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો જણાવે છે કે પિતૃપક્ષમાં પોતાના પિતૃઓ નિમિત્તે જેઓ પોતાની શક્તિ-સામર્થ્ય અનુસાર વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તેના સમસ્ત મનોરથ પૂર્ણ થાય છે. ઘર, પરિવાર અને વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.
શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપ
મત્સ્ય પુરાણમાં ત્રણ પ્રકારનાં શ્રાદ્ધનો ઉલ્લેખ છે, જેને નિત્ય, નૈમિત્તિક તથા કામ્ય નામથી ઓળખવામાં આવે છે. યમસ્મૃતિમાં પાંચ પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. જેમાં નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે વિશ્વામિત્ર સ્મૃતિ તથા ભવિષ્ય પુરાણમાં બાર પ્રકારનાં શ્રાદ્ધનું વર્ણન જોવા મળે છે. જેને નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, પાર્વણ, સપિંડ, ગોષ્ઠી, શુદ્ધયર્થ, કર્માગ, દૈવિક, યાત્રાર્થ તથા પુષ્ટયર્થના નામથી ઓળખવામાં આવે છે. ઉપર જણાવેલાં શ્રાદ્ધોમાં પ્રથમ પાંચ શ્રાદ્ધના સ્વરૂપમાં બારે શ્રાદ્ધનું સ્વરૂપ સ્પષ્ટ રીતે જોવા મળે છે. શ્રાદ્ધનાં વિવિધ સ્વરૂપોને જાણીએ.
પિંડ એટલે શું?
શ્રાદ્ધ કર્મમાં બાફેલા ચોખા (ભાત), દૂધ અને તલનું મિશ્રણ કરીને જે ગોળાકાર બનાવવામાં આવે છે તેને પિંડ કહે છે. તેને સપિંડીકરણ પણ કહે છે. પિંડનો અર્થ થાય છે શરીર. આ એક પારંપરિક વિશ્વાસ છે. ચોખાના પિંડ એ પિતા, દાદા, પરદાદા વગેરેના શરીરનું પ્રતીક છે.
શ્રાદ્ધમાં કાગડાઓનું મહત્ત્વ
કાગડાનો કર્કશ અવાજ, કાળા રંગ-રૂપને કારણે તેને મોટાભાગના લોકો પસંદ કરતા નથી. છત પર બેસીને બોલતા કાગડાને ઉડાડી મૂકતા લોકો પણ શ્રાદ્ધ પક્ષના પખવાડિયા દરમિયાન તેની સારી આગતા-સ્વાગતા કરે છે. તેને બોલાવી ખીર-પૂરી ખવડાવે છે.
આમ કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે સૌપ્રથમ કાગડાનો જન્મ લે છે. તેથી શ્રાદ્ધના દિવસે કાગડાઓને ખાવાનું ખવડાવવાથી તે પિતૃઓ સુધી પહોંચે છે અને ખાવાનું મળતાં તેઓ તૃપ્ત થાય છે. આ જ કારણ છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગવાસ અને કાગડાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. પિતૃઓને ભોજન આપવાના હેતુથી કાગડાઓને સૌથી પહેલાં ભોજન (ખીર-પૂરી) અપાય છે. જે વ્યક્તિ શ્રાદ્ધ કર્મ કરી રહી હોય તે એક થાળી કે પાત્રમાં ખીર-પૂરી લઈને પોતાના ઘરની છત પર જાય છે અને કાગવાસ-કાગવાસ બોલીને કાગડાઓને બોલાવીને ભોજન આપે છે. ત્યાં એક પાત્રમાં પાણી ભરીને પણ રાખવામાં આવે છે. છત પર કાગડો ખાવા આવે તો એવું મનાય છે કે જે પૂર્વજ માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું છે તે પ્રસન્ન છે અને ભોજન કરવા આવ્યા છે. પિતૃકૃપા વરસતી રહે તે માટે તેમની તસવીર સામે હાથ જોડીને ઊભા રહી તેમની માફી માગવામાં આવે છે.
શ્રાદ્ધમાં શું ન કરવું?
કેટલાંક અનાજ અને ખાદ્ય પદાર્થ છે જેનો ઉપયોગ શ્રાદ્ધમાં કરવો જોઈએ નહીં જેમ કે મસૂર, રાજમા, ચણા, વાસી ભોજન અને સમુદ્રના પાણીમાંથી બનેલું મીઠું. આ સિવાય ભેંસ, બકરી, ઊંટડી વગેરે પશુઓનું દૂધ પણ વર્જિત છે. જોકે ભેંસના ઘીનો તમે ઉપયોગ કરી શકો છો. શ્રાદ્ધમાં દૂધ, દહીં અને ઘી પિતૃઓ માટે તુષ્ટિકારક માનવામાં આવે છે. શ્રાદ્ધ ક્યારેય બીજાના ઘરે કે બીજાની જમીન પર ન કરી શકાય. જે ભૂમિ (જમીન) પર કોઈનું પણ સ્વામિત્વ ન હોય, સાર્વજનિક હોય એવી ભૂમિ પર શ્રાદ્ધ કરી શકાય.
પીપળાના પૂજનથી પિતૃદોષનું નિવારણ
પિતૃદોષના નિવારણ માટે પીપળાની પૂજા એ શ્રેષ્ઠ ઉપાય છે. સોમવતી અમાસના દિવસે પીપળાના વૃક્ષ પાસે જઈને ભગવાન વિષ્ણુ અને પીપળાને પ્રાર્થના કરો. પીપળામાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. પીપળાની 108 વાર પ્રદક્ષિણા કરો. દરેક પરિક્રમાએ એક મીઠાઈ કે મીઠી વસ્તુ જરૂર મૂકો અને ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનો જાપ કરતા જાઓ. પરિક્રમા પૂર્ણ થયા પછી અજાણતા પણ થયેલી ભૂલની ક્ષમા માગો. આ પૂજન દ્વારા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.