લેબેનોનમાં સિરિયલ પેજર બ્લાસ્ટ

Wednesday 18th September 2024 05:16 EDT
 
 

હિઝબુલ્લા સાથે સંકળાયેલા લેબેનોનના સભ્યોનાં પેજરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. આ બ્લાસ્ટમાં 1 બાળક સહિત 9 લોકોનાં મોત થયાં અને 2750થી વધુ ઘાયલ થયા છે, જેમાંથી 200ની હાલત ગંભીર છે.

• હરિયાણામાં 48 બળવાખોરો ભાજપ-કોંગ્રેસનું ગણિત બગાડશેઃ વિધાનસભા ચૂંટણીમાં સોમવારે 183 ઉમેદવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું. આંતરિક અસંતોષના પગલે ભાજપના 19 અને કોંગ્રેસના 29 બળવાખોરો બાજી બગાડશે.

• 5000 નકલી વિઝા બનાવી રૂ. 300 કરોડની કમાણીઃ દિલ્હી નકલી સ્વિડિશ વિઝા પર ઈટાલી જતા હરિયાણાના સંદીપની પૂછપરછમાં જણાયું કે, દિલ્હીમાં નકલી વિઝા રેકેટ દ્વારા 5 વર્ષમાં 5 હજાર નકલી વિઝા માટે રૂ. 300 કરોડ પડાવાયા છે.

• પેસેન્જર ટ્રેન બંધ થશે, તેના સ્થાને હવે વંદે મેટ્રો દોડશે: ભારતીય રેલવે લોકલ પેસેન્જર ટ્રેનો બંધ કરવા જઈ રહી છે. આ ટ્રેનોને હટાવીને વંદે ભારત મેટ્રો પાટા પર દોડશે. રેલવે 200-350 કિલોમીટર વચ્ચે દોડનારી લગભગ 3500 યાત્રી ટ્રેનોને તબક્કાવાર રીતે બંધ કરી દેશે.

• દેશના તમામ ડોક્ટર પાસે હશે આગવો ID નંબર: નેશનલ મેડિકલ કમિશને દેશમાં તમામ એમબીબીએસ ડોક્ટરોને વિશિષ્ટ ઓળખ આપવા પોર્ટલ પણ લોન્ચ કર્યું છે. જેના પર તમામ એમબીબીએસ ડોક્ટરોની નોંધણીની પ્રક્રિયા શરૂં થઈ ગઈ છે.

• ઝારખંડમાં રૂ. 660 કરોડના પ્રોજેક્ટ્સનો આરંભ: નરેન્દ્ર મોદીએ રવિવારે ઝારખંડના રાંચીથી રૂ. 660 કરોડના પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો. જેમાં દેવધરના મધુપુર બાયપાસ લાઇન અને હજારીબાગ ટાઉન કોચિંગ ડેપોનો સમાવેશ થાય છે.

• નર્મદા કાંઠાનાં શહેરોમાં માંસ-મદીરા પર પ્રતિબંધઃ મધ્યપ્રદેશનાં સીએમ મોહન યાદવે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદાકાંઠાના તેમજ આસપાસના ધાર્મિક શહેરોમાં માંસ અને મદીરાનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.

• માલદામાં બોમ્બ વિસ્ફોટઃ કોંગ્રેસ નેતાનું મોત: કોલકાતામાં બ્લાસ્ટ બાદ હવે માલદામાં દેશી બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક કોંગ્રેસ નેતાનું મૃત્યુ થયું છે.

• તાજમહેલમાં શાહજહાંના મકબરા સુધી પાણી પહોંચ્યુંઃ આગ્રામાં અનરાધાર વરસાદને કારણે ઐતિહાસિક તાજમહેલને ભારે નુકસાન થયું છે. તાજમહેલના ઘુમ્મટ અને છતથી પાણી શાહજહાં તેમજ મુમતાજ મહલના મકબરા સુધી પહોંચ્યું હતું.

• રશિયાથી પરત યુવાનની આપવીતીઃ રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફસાયેલા તેલંગાણાના યુવક મોહમ્મદ સુફિયાને જણાવ્યું કે, અમને સારી નોકરીની લાલચ આપી સેનામાં ભરતી કરાયા હતા. જ્યાં લડવાનો ઇકાર કરતાં ભારે યાતના આપવામાં આવતો હતો.

• ‘રાહુલ દેશના નંબર વન આતંકી’: કેન્દ્રીય નેતાઃ કેન્દ્રીય મંત્રી રવનીત બિટ્ટૂએ રાહુલ ગાંધીને લઈને વિવાદિત નિવેદન આપતાં કહ્યું કે, રાહુલે શીખો વચ્ચે ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. તેઓ દેશના નંબર વન આતંકી છે.

• પોર્ટબ્લેયરનું નામ થયું ‘શ્રી વિજયપુરમ’: કેન્દ્ર સરકારે પોર્ટબ્લેયરનું નામ બદલી નાખ્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુની રાજધાની પોર્ટ બ્લેયરનું નવું નામ ‘શ્રી વિજયપુરમ’ હશે. અમિત શાહે જણાવ્યું કે, દેશને ગુલામીનાં તમામ પ્રતીકોથી મુક્ત કરવાના પ્રધાનમંત્રીના સંકલ્પથી પ્રેરિત થઈ નામ બદલાયું છે.


comments powered by Disqus