સપ્ટેમ્બર ૨૦૨૩માં બર્મિંગહામ યુનિવર્સિટીમાં ‘ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ’નો શુભારંભ એક સિમા-ચિહ્ન સમાન છે. ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષ દરમિયાન આ જૈન સ્ટડીઝની પ્રગતિનો અહેવાલ યુનિવર્સિટીએ ૧૨ પાનાંમાં વિસ્તૃતરૂપે પ્રસિધ્ધ કરી આ નવા અભ્યાસક્રમની અસરકારકતા દર્શાવી છે. આજના સાંપ્રત સમયની કટોકટીમાં અહિંસાના સિધ્ધાંતો, સંસ્કૃતિ-સંસ્કૃતિ વચ્ચેનું વૈમનસ્ય નિવારવાની અને આપસ-આપસમાં સન્માનની ભાવના કેળવવામાં મુખ્ય ભૂમિકા અસરકારક નીવડશે; જેની તાતી જરૂરિયાત છે, જે પહેલા ક્યારેય ન હતી!
“અહિંસા પરમો ધર્મ”ની સૂક્ષ્માતિસૂક્ષ્મ સમજ
અહિંસાનું આચરણ બીજાને હાનિ પહોંચાડવાથી દૂર રાખે છે. પ્રત્યેક જીવના અસ્તિત્વનો અહેસાસ અને એમના જીવવાના હક્ક વિષયક સમજ માનવીય મૂલ્યોના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. જૈન ધર્મમાં સ્વની સમજ (હું કોણ છું?), વિચારપૂર્વકનું વર્તન, જીવનના બધાં જ પાસાંઓમાં સતત જાગૃતિ, વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્યોના જ્ઞાન સાથે જીવનનો અર્થ શું છે તથા જીવનમાં આવતા પડકારોને કઇ રીતે નાથવા એ બાબતનું શિક્ષણ અનેક સામાજિક સમસ્યાઓના નિવારણમાં ઉપયોગી નીવડશે.
પ્રથમ વર્ષના અભ્યાસક્રમમાં ધર્મના શિક્ષણના મહત્વનો આરંભ હાથી અને સાત આંધળાઓના ઉદાહરણથી કરાયો. સમણી રીજુપ્રજ્ઞાજી અને સમણી શ્રેયસ્કર પ્રજ્ઞાજીએ લીધેલ વર્ગમાં ૩૨ વિદ્યાર્થીઓની હાજરી નોંધપાત્ર રહી. ફિલોસોફીની ઓળખમાં ‘અહિંસા” કેન્દ્ર સ્થાને રાખી એના નૈતિક મૂલ્યોની સચ્ચાઇ અને ન્યાય વિષયમાં ૧૪૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.
બીજા વર્ષમાં “મોરલ જજમેન્ટ ઇન લો એન્ડ પોલીસી’’ (કાયદો અને નીતિમાં નૈતિક નિર્ણાયકતા) ના અભ્યાસક્રમમાં ૧૧૩ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. નૈતિક મૂલ્યોના અમલથી બીજાને હાનિ પહોંચતી અટકાવાય અને કાયદાકીય પ્રક્રિયાથી બચાય.
નવા વર્ષના અભ્યાસક્રમમાં યોગ અને સાધના (મેડીટેશન)ના પ્રાચીન મૂળિયાંમાં પ્રેક્ષા ધ્યાન કેન્દ્ર સ્થાને રહેશે.
ત્રીજા વર્ષમાં બૌધ્ધ અને જૈન ધર્મ વચ્ચેની યોગ સંબંધી પરંપરાની સામ્યતા અને સાપેક્ષતા વિષે અભ્યાસ કરાવાશે.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ જૈન સોસાયટીના સ્થાપક શ્રી વીર શેઠે જૈન અને બિન-જૈન વિદ્યાર્થીઓના એસોસિએશનને સાથે રાખી જૈન પ્રવૃત્તિઓની પ્રેક્ટીસના અમલથી થતા પરિવર્તનને કેન્દ્ર સ્થાને મૂક્યું છે.
આ વર્ગોના એક વિદ્યાર્થી લોર્ના મેકલેઇન (BA ફિલોસોફી, રીલીજીયન અને એથીક્સ સ્ટુડન્ટ)ના અનુભવોનું નિવેદન આ કોર્સની અસરકારકતાનું ઉદાહરણ છે. “આ વર્ગોએ મને જૈન ધર્મ પ્રત્યેની ઊંડી દ્રષ્ટિ આપી. જે હું પહેલા ક્યારેય શીખી ન હતી. જૈન ધર્મની જાણકારી મારા માટે કંઈક મેળવ્યાની અનુભૂતિ થઇ. ક્લાસરૂમની બહારની સમજમાં પરિવર્તન આવ્યું. પ્રાણીઓ સાથેના મારા વ્યવહારના અભિપ્રાયો બદલાયા.”
૨૦૨૩-૨૪ના શૈક્ષણિક વર્ષમાં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને ઇનસ્ટીટ્યુટ ઓફ જૈનોલોજીના પ્રયાસોથી રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક સંસ્થાઓના સતત સંપર્ક દ્વારા જૈન ધર્મ અને એની ફિલોસોફીના અનુદાનની સામાજિક સમસ્યાઓ પરની અસરકારકતાના પ્રત્યક્ષ અનુભવે સજાગતા ઉભી કરવામાં ભાગ ભજવ્યો.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના પૂર્વ ચાન્સેલર લોર્ડ બિલિમોરીયાએ એમના નિવેદનમાં જણાવ્યું છે કે, ‘ધર્મનાથ નેટવર્ક ઇન જૈન સ્ટડીઝ’નો શુભારંભ યુ.એસ.એ. અને યુ.કે.ના જૈન સમાજના ઉદાર દાનને આભારી છે. આ આવકારદાયક પગલું માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ સિમા ચિહ્ન સમું નથી પરંતુ આપણને જૈન ફિલોસોફી અને કલ્ચર સમજવાની તક આપે છે’
કોલેજના આર્ટ્સ અને લો વિભાગના વડા પ્રો.હેલન એલોટ્ટે જણાવ્યું છે કે, “ ઉદારમના જૈન દાતાઓ સાથે જૈન વિદ્વાન પ્રો.નલિની બલબીરની ઓનરરી પ્રોફેસર તરીકે કરાયેલ નિમણૂંક આપણા શૈક્ષણિક પર્યાવરણ માટે વધુ પુષ્ટિકારક બની રહેશે. અમે આ લેગસીના વિસ્તાર માટે સમર્પિત છીએ. જે આપણી ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ નીવડશે. આ સફરમાં જૈન ધર્મના દાતાઓના સતત સહકાર અને ભાગીદારી માટે અમે આભારી છીએ. જૈન ધર્મના એડવાન્સીંગ સ્ટડીનો માત્ર ઉદ્દેશ નથી; પરંતુ જગતમાં વધુ ને વધુ અનુકંપા ( કરૂણા ભાવ) જાગ્રત કરવામાં આપણે સૌ સાથે મળીને નોંધપાત્ર અનુદાન આપી શકીએ એ છે.”
પ્રોફેસર શાર્લોટ હેમ્પેલે જણાવ્યું છે કે, “ આ વર્ષે બર્મિંગહામમાં જૈન સ્ટડીઝ અને અહિંસાની આચાર સંહિતાના વિદ્વાનોની ટીમ સાથે કામ કરવાનો આનંદ થયો. ટીમ તરફથી સંશોધન અને શૈક્ષણિક સંબંધી પ્રવૃત્તિઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ફેલો રીસર્ચર્સ અને જૈન સમાજના અગ્રણીઓ જોડાયાં એનું અપ્રતિમ પરિણામ મળ્યું. અમારો ગાઢ વ્યક્તિગત સંપર્ક દાતા ડો. જશવંત મોદી અને લોસ એન્જેલસના જૈન સમાજના યજમાનપદ હેઠળ નવેમ્બરમાં લોસ એન્જેલસની મુલાકાત યોજાઇ છે એ સમયે વધુ અપડેટ મળશે’
ત્રણ વિદ્વાનોની નિમણૂંકોથી સંશોધન અને
શિક્ષણ ક્ષેત્રે સાંપડેલ સફળતા..
જૈન ધર્મના અભ્યાસ માટે ત્રણ વિદ્વાનોની ટીમની નિમણૂંક કરાઇ જેમાં ડો.મેરી હેલીની ગોરીસ (આસીસ્ટઁટ પ્રોફેસર ઇન જૈન સ્ટડીઝ) જૈન ફીલોસોફીના નિષ્ણાત છે. જૈન સ્ટડીઝના શૈક્ષણિક વિકાસનું નેતૃત્વ ધરાવે છે. પ્રાચીન પરંપરાનું સંરક્ષણ અને અર્થપૂર્ણ વાર્તાલાપો યોજી સમકાલીન ફિલોસોફી અને આચારસંહિતાના મૂલ્યોની ચર્ચા એમના કેન્દ્ર સ્થાને છે.
ડો.એરેટી થીઓફિલોપોઉલુ અહિંસાની આચાર સંહિતાના પ્રોફેસર છે. આધુનિક આચાર સંહિતાના પડકારોમાં અહિંસાના સિધ્ધાંતોનું અમલીકરણ એમનું લક્ષ્ય બિંદુ છે. હવામાનમાં બદલાવ, સામાજિક ન્યાય અને માનવ હક્કો જેવી વૈશ્વિક સમસ્યાઓમાં જૈન સિધ્ધાંતોની ભૂમિકા એમના મુખ્ય વિષયો છે.
ડો.જીતેશ શેઠ: પોસ્ટ ડોક્ટરલ રીસર્ચર છે. અનેકાંતવાદ સ્ટડીઝના નિષ્ણાત છે. ડો.શેઠનું સંશોધન જૈન ફિલોસોફીકલ વિચારસરણીની સરહદો વધારી બૌધ્ધિક માનવસમૂહ સાથે વૈશ્વિક શૈક્ષણિક વાર્તાલાપમાં અનુદાન એમનું લક્ષ્યાંક છે.
જૈન ધર્મના હાર્દ શિક્ષણ અને જ્ઞાનનો પ્રચાર-પ્રસાર છે. ભારત બહાર જૈન ધર્મના સિધ્ધાંતોનું સંશોધન અને શિક્ષણ સમાજને ‘ગન કલ્ચરમાંથી અહિંસા કલ્ચરમાં પરિવર્તિત કરવામાં કામયાબ નીવડશે. આ અહેવાલ અમને લાસ વેગાસ, નવેડા, યુ.એસ.એ.થી ડો.સુલેખ સી. જૈન PhD એ મોકલ્યો છે એમનો ઋણ-સ્વીકાર. વધુ વિગત માટે વીઝીટ કરો: Visit:www.birmingham.ac.uk