અમેરિકા અને સાઉદીઃ ચડાવ ઉતાર છતાં મજબૂત સંબંધો

Wednesday 19th June 2024 05:56 EDT
 

અમેરિકા માટે મીડલ ઇસ્ટ એશિયામાં સાઉદી અરબ સાથેના સંબંધો અત્યંત મહત્વના છે. પેટ્રો ડોલરના કારણે માલામાલ થયેલો આ દેશ મીડલ ઇસ્ટની કૂટનીતિમાં પણ વ્યાપક પ્રભાવ ધરાવે છે. ઇરાનમાં ઇસ્લામિક ક્રાંતિ બાદ એક પછી એક આવી રહેલા અમેરિકા અને ઇઝરાયેલ વિરોધી શાસકોને પણ નિયંત્રણમાં રાખવા અમેરિકા માટે સાઉદી અરબ અત્યંત મહત્વનો સાથી દેશ રહ્યો છે. તેમ છતાં બંને દેશ વચ્ચેના સંબંધોમાં અનેક ઉતાર ચડાવ પણ આવતાં રહ્યાં છે. વિશ્વના કોઇપણ દેશ માટે અત્યંત મહત્વની એવી ઉર્જા જરૂરીયાતોમાં ક્રુડ ઓઇલ ટોચના સ્થાને છે અને વિશ્વમાં સાઉદીના નેતૃત્વ હેઠળની ઓઇલ કાર્ટેલ ઓપેક પ્લસ જ ક્રુડની કિંમતો પર પ્રભુત્વ ધરાવતી આવી છે. તેથી જ્યારે પણ સાઉદીના નેતૃત્વમાં ઓપેક પ્લસ દ્વારા ક્રુડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યારે અમેરિકા સાથેના સંબંધોમાં કડવાશ વ્યાપે છે. 2022ના અંત ભાગમાં સાઉદીએ ક્રુડનું ઉત્પાદન ઘટાડવાનો નિર્ણય લેતાં અમેરિકાએ ગંભીર પરિણામોની ચેતવણી આપી હતી કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ મધ્યે ક્રુડની કિંમતોમાં ભારે તેજીનો ભય અમેરિકાને સતાવી રહ્યો હતો. તેમ છતાં ત્યારપછીના મહિનાઓમાં સાઉદી અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં સુંવાળપ આવતી ગઇ હતી. પેલેસ્ટાઇનના મામલે ઇઝરાયેલ સામે હંમેશા આકરું વલણ અપનાવતા સાઉદીએ આ વખતે ઇઝરાયેલના ગાઝા પરના આક્રમણ મુદ્દે નરો વા કુંજરો વા જેવું વલણ અપનાવી લીધું છે. અમેરિકાને પણ લાગી રહ્યું છે કે મીડલ ઇસ્ટમાં તેની વિદેશ નીતિ માટે અત્યંત મહત્વના પગલાંઓની વચ્ચે ઇઝરાયેલ અવરોધરૂપ બની રહ્યો છે નહીં કે સાઉદી અરબ. અમેરિકા સાઉદીના આરબ પ્રભુત્વનો ઉપયોગ કરીને ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની ટુ સ્ટેટની થિયરીને આગળ ધપાવવા ઇચ્છુક છે. તેના માટે તેને સાઉદીના સમર્થનની ખાસ જરૂર છે. સાઉદીને પણ સુદાનમાંથી હુમલા કરી રહેલા હૌથી અને પરમાણુ શક્તિ બનવા તરફ આગળ વધી રહેલા ઇરાનને નાથવા માટે અમેરિકાના શસ્ત્રોની જરૂર છે. તો બીજીતરફ મીડલ ઇસ્ટમાં પોતાના પ્રભુત્વ માટે અમેરિકાને સાઉદી જેવા લાંબા ગાળાના સાથીની જરૂર છે. એ વાતમાં કોઇ શંકા નથી કે અમેરિકાએ ક્રુડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવાનો ક્યારનો પ્રારંભ કરી દીધો છે જેથી આરબ દેશો તેનું નાક ન દબાવી શકે પરંતુ ઇરાનને કાખમાં લઇને ફરતા રશિયા અને ચીન સાથે સાઉદી હાથ ન મિલાવે તે પણ અમેરિકા માટે અત્યંત મહત્વનું છે. તાજેતરમાં જ સાઉદી અરબે અમેરિકા સાથેનું પેટ્રો ડોલર એગ્રિમેન્ટ રિન્યૂ કરવાનો ઇનકાર કરી દીધો છે. જેના કારણે ભારત, ચીન, રશિયા સહિતના દેશો પોતાના ચલણમાં સાઉદી પાસેથી ક્રુડ ઓઇલ ખરીદી શકશે. અમેરિકા માટે સાઉદીનું આ પગલું આઘાતજનક છે પરંતુ બંને દેશ વચ્ચે આવો ઉંદર બિલાડીનો ખેલ ચાલતો રહે છે. બંને દેશ એકબીજાનું નાક દબાવવા સદાય તત્પર રહેતા હોય છે. પત્રકાર ખશ્શોગીની હત્યાના મામલે અમેરિકાએ સાઉદી અને તેના શાસકોનું નાક જે રીતે દબાવ્યું હતું તેનું સમગ્ર વિશ્વ સાક્ષી છે તેમ છતાં બંને દેશને એકબીજા વિના ચાલે તેમ નથી તે તેઓ સારી રીતે જાણે છે. એટલા માટે જ મીડલ ઇસ્ટમાં સાઉદી અરબ અમેરિકાનો ગાઢ સાથી દેશ બની રહ્યો છે.


comments powered by Disqus