ગાંધીનગરઃ આમિરખાનના દીકરા જુનૈદની લોન્ચિંગ ફિલ્મ ‘મહારાજ’ની નેટફ્લિક્સ પરની રિલીઝ પર હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. હાઇકોર્ટના સ્ટે સાથે નેટફ્લિક્સ ઉપરાંત યશરાજ ફિલ્મ્સ જેવા બોલિવૂડના મોટા બેનરને ફટકો પડ્યો છે. હિન્દુઓ અને એમાં પણ ખાસ કરીને વૈષ્ણવો કે જે પુષ્ટિમાર્ગ સંપ્રદાયના અનુયાયીઓ હોય છે, તેમની લાગણી આ ફિલ્મથી દુભાતી હોવાના દાવા સાથે હાઇકોર્ટમાં આઠ અરજદારોએ રિટ પિટિશન કરી હતી. જે રિટની સુનાવણી બાદ જસ્ટિસ સંગીતા વિષેએ ફિલ્મની રિલીઝ પર સ્ટે આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, 14 જૂને નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવાની હતી, પરંતુ હાઇકોર્ટે આગામી 18 જૂન સુધી રિલીઝ પર સ્ટે આપી દીધો છે.
દાખલ અરજીમાં પુષ્ટિમાર્ગ સંપ્રદાય તરફથી આક્ષેપ કરાયા છે કે દેખીતી રીતે ‘મહારાજ બદનક્ષી કેસ 1862’ પર આધારિત આ ફિલ્મ જાહેર વ્યવસ્થાને અસર કરે તેવી શક્યતા છે અને સંપ્રદાયના અનુયાયીઓ અને હિન્દુ ધર્મ સામે હિંસા ભડકાવી શકે છે.