લંડનઃ સંભવિત ઇ.કોલી બેક્ટેરિયાગ્રસ્ત ખાદ્યપદાર્થોના કારણે બીમારીના 211 કેસ નોંધાતા 3 કંપનીઓએ તેમના ખાદ્યપદાર્થો માર્કેટમાંથી પાછા ખેંચી લીધાં છે. તેમાંથી 67 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. ગ્રાહકોને ચોક્કસ પ્રોડક્ટ ખાવાનું ટાળવાની સૂચના અપાઇ છે. ડબલ્યુએચસ્મિથે બજારમાંથી વેગન ચીકન અને બેકન રેપ્સ પાછા ખેંચી લીધાં છે. જે લોકોએ આ ઉત્પાદનો ખરીદ્યાં છે તેઓ સ્ટોરમાં પરત કરીને રિફંડ પ્રાપ્ત કરી શકે છે.
કંપનીના ઉત્પાદનોમાં ઇ.કોલી બેક્ટેરિયા મળી આવ્યા બાદ કંપનીએ જણાવ્યું હતું કે, અમે સાવચેતીના ભાગરૂપે અમારા ઉત્પાદન પાછા ખેંચ્યા છે. ગયા સપ્તાહમાં અન્ય બે ઉત્પાદકો ગ્રીનકોર ગ્રુપ અને સેમવર્થ બ્રધર્સ મેન્ટન વૂડે બ્રિટિશ સુપર માર્કેટોમાં વેચાતી સેન્ડવિચ, રેપ્સ અને સલાડ જેવી પ્રોડક્ટ્સ પાછી ખેંચી હતી.
ઇ.કોલી બેક્ટેરિયા સામાન્ય રીતે માનવીને નુકસાન કરતાં નથી અને માનવી તથા પ્રાણીઓના આંતરડામાં રહે છે. પરંતુ શિગા ટોક્સિન પ્રોડ્યુસિંગ ઇ.કોલી બેક્ટેરિયા માનવીને બીમાર કરી શકે છે.