અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ થયા બાદ ટર્મિનલ સહિત વિવિધ જગ્યાઓ પર અપગ્રેડેશનનાં કામ કરાઈ રહ્યાં છે. પેસેન્જરોને વધુ સુવિધા મળી રહે તે માટેના પ્રયાસ એરપોર્ટ ઓપરેટર દ્વારા કરાઈ રહ્યા છે. આવામાં એરપોર્ટ પર લગેજ માટેની ટ્રોલીમાં સુધારો કરવાની માગ પેસેન્જર કરી રહ્યા છે. પેસેન્જરોએ સોશિયલ મીડિયા પર ટ્રોલીમાં સુધારો કરવા અને ટ્રોલીને પગલે પડેલી હાલાકી અંગે પોતાના અનુભવો લખીને ટ્રોલીની ગુણવત્તામાં સુધારો કરવા સૂચનો કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરોની અવરજવરમાં વધારો થયો છે. વિદેશની ડાયરેક્ટ ફ્લાઈટ્સની સંખ્યા વધતાં મુસાફરોમાં વધારો થયો છે, જેને પગલે અમદાવાદ એરપોર્ટ પણ હવે અન્ય દેશના વ્યસ્ત એરપોર્ટમાં સામેલ થયું છે. પેસેન્જરોનું ભારણ વધતાં લગેજ માટે ટ્રોલીનો પણ ઉપયોગ વધ્યો છે. જો કે એરપોર્ટ પર હાલની ટ્રોલી યોગ્ય ન હોવાની પણ ફરિયાદો ઊઠી છે.