સુરતઃ થોડા સમય પહેલાં જ સુરતના ડુમસમાં સોનાની લગડી જેવી રૂ. 2 હજાર કરોડની સરકારી જમીનમાં ખોટા ગણોતિયાઓ ઊભા કરીને તત્કાલીન કલેક્ટર આયુષ ઓક દ્વારા ખાનગી વ્યક્તિઓના નામે ચડાવી દેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડને ઉજાગર કરનાર દર્શન નાયકે વધુ એક ઘટસ્ફોટ કર્યો છે. તેણે જણાવ્યું છે કે, માત્ર ઓલપાડ, ચોર્યાસી અને મજુરા તાલુકામાં જ 10 હજાર હેક્ટર જમીન ખાનગી વ્યક્તિઓએ પચાવી છે. રાજકીય નેતાઓના આશીર્વાદ વગર આટલી હિંમત કોઈ અધિકારી કરી ન શકે. સરકારી બાબુઓ, નેતાઓ અને ભૂમાફિયા મળીને સરકારની કરોડો રૂપિયાની જમીન પચાવી રહ્યા છે.
કીમતી જમીનો પચાવવા મોટાં માથાં સક્રિય
સરકારી જમીન કૌભાંડને ઉજાગર કરનારા દર્શન નાયકે જણાવ્યું કે, ઘણા તાલુકાની સરકારી જમીન પર વર્ષોથી કેટલીક વ્યક્તિઓએ દબાણ કરી દીધું હોવા છતાં પણ અધિકારીઓ રૂપિયા કમાઈ લેવાની લાલચે કોઈ પગલાં લેતાં નથી. માનવામાં આવી રહ્યું છે કે, આ જમીન પચાવવા કેટલાંક મોટાં માથાં સક્રિય છે. આ અંગે તમામ લોકો જાણે છે, પરંતુ બધાનાં આર્થિક હિત સચવાયેલાં હોવાથી કોઈ કશું બોલવા તૈયાર નથી.
જે વ્યક્તિ આ અંગે બોલવા ઇચ્છે છે, તેના પર રાજકીય દબાણ આવી જાય છે. વર્ષોથી કબજો કરીને બેઠેલા ભૂમાફિયાઓને રાજકીય નેતાઓના આશીર્વાદ અને અધિકારીઓના સહકારને કારણે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા છે.