ભુજઃ પશ્ચિમ કચ્છના દરિયાકાંઠેથી જૂન મહિનાની શરૂઆતથી જ બિનવારસી માદક પદાર્થ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે. શુક્રવારે પણ માંડવી, નારાયણ સરોવરના દરિયાકાંઠેથી રૂ. 10.69 કરોડની કિંમતના ચરસનાં 20 પેકેટ મળી આવ્યાં હતાં, જ્યારે પશ્ચિમ કચ્છ એસઓજીને સુથરીના દરિયાકાંઠેથી પેટ્રોલિંગ દરમિયાન રૂ. 45 કરોડની કિંમતના મેથેફેટામાઇનનાં 9 પેકેટ મળી આવ્યાં હતાં. આમ કચ્છના દરિયાકાંઠેથી એક જ દિવસમાં રૂ. 55 કરોડથી વધુનું ડ્રગ્સ જપ્ત કરાયું હતું.
પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરાયેલા પેટ્રોલિંગમાં ઢોલુપીરથી છછી ગામ વચ્ચેના દરિયાકિનારા પરથી રૂ. 5 કરોડથી વધુની કિંમતનાં ચરસનાં 10 પેકેટ મળી આવ્યાં હતાં. જ્યારે નારાયણ સરોવર પોલીસ સ્ટેશન હેઠળના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી પણ ચરસનાં વધુ 10 પેકેટ મળી આવ્યાં હતાં.