અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના નવસારીમાં ચોમાસાની એન્ટ્રી થયાના પાંચમા દિવસે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ભાવનગર પંથકમાં ચોમાસાએ જમાવટ કરી છે. આ વિસ્તારમાં રવિવારે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં બપોરે 12થી સાંજે 6 વાગ્યા સુધીના 6 કલાકમાં જ સાડા નવ ઈંચ વરસાદ ખાબકતાં ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી.
ભારે વરસાદના પરિણામે અનેક વિસ્તારો જાણે બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આ સિવાય પોરબંદર તાલુકામાં 3 ઈંચ, ભાણવડમાં અઢી ઈંચ અને રાણાવાવમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આમ રવિવારે દિવસ દરમિયાન 20થી વધુ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા અને ભાણવડ તાલુકામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ખંભાળિયામાં બપોરે 12 વાગ્યે અસહ્ય ગરમી વચ્ચે વરસાદની શરૂઆત થઈ હતી. બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં બે ઈંચ અને બેથી ચાર વાગ્યા સુધીમાં પાંચ ઈંચ તેમજ 4થી 6 વાગ્યા સુધીમાં પોણા બે ઈંચ મળી સાડા નવ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેમાં 2થી 6 દરમિયાન સાત ઈંચ વરસાદથી અનેક સ્થળોએ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી.
ધોધમાર વરસાદથી શહેરના પોસ્ટ ઓફિસ રોડ, નગરગેટ, પોરનાકા વિસ્તાર અને રામનાથ સહિતના વિસ્તારમાં પાણીનાં ધોધ વહ્યા હતા. ભીમ અગિયારસના શુભમુહૂર્ત પૂર્વે જ વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. આ સિવાય ભાજાવડ તાલુકામાં સવારે 9થી 10 સુધીમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. પોરબંદરમાં સવારે દથી 10 વાગ્યા સુધીમાં 3 ઈંચ, રાણાવાવમાં દોઢ ઇંચ તેમજ કુતિયાણામાં ઝાપટું પડ્યું હતું. જામનગરમાં શનિવાર રાતથી રવિવારની સવાર સુધીમાં અડધાથી દોઢ અને લાલપુર તાલુકામાં અડધા ઈચ જેવો વરસાદ નોંધાયો હતો.