ગુજરાતના કાશી કહેવાતા દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે જેઠ સુદ એકમ 7 જૂનથી પ્રારંભ થયેલા દસ દિવસીય ગંગા દશહરા મહોત્સવમાં શનિવારે મહોત્સવના નવમા દિવસે ચાંદોદના નર્મદાકિનારે શ્રદ્ધાળુઓનો મહાસાગર છલકાયો હતો. સંસ્કૃત પાઠશાળાના પૂર્વ અને વર્તમાન 108 છાત્રો પૂજન-અર્ચનમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેઓના મુખે લયબદ્ધ રીતે ષોડ્શોપચાર પૂજન, વેદોચ્ચાર, મંત્રોચ્ચાર અને નર્મદાષ્ટકના ગાનથી વાતાવરણ ઊર્જાન્વિત બન્યું હતું. આ પ્રસંગે નગરના યુવા અગ્રણી જયેશભાઈ ભટ્ટ, કૃણાલ નાયક, પંકજ ગાંધી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા 16 જૂને રવિવારે ગંગા દશહરા મહોત્સવનો અંતિમ દિન હોઈ હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે ગંગાજી અને નર્મદાજીની મહાઆરતીના પુણ્ય પ્રસંગ બાદ મહોત્સવ પૂર્ણ થયો હતો.