ગાંધીનગરઃ રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં 27 નિર્દોષ નાગરિકોનાં મોત પાછળ જવાબદાર અધિકારી અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને સરકાર, પોલીસ અને ખાસ તપાસ દળ- SIT તરફથી બચાવ થઈ રહ્યાનો જનાક્રોશ છે. તેવામાં આ માનવસર્જિત અપરાધના ઓગણીસમા દિવસે ગુજરાત સરકારે મોઢું ખોલ્યું છે. મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, “ગમે તેવો ચમરબંધી હશે, સરકાર તેને છોડશે નહીં” એમ કહીને IAS, IPS સહિતના અધિકારી કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ, પદાધિકારી SITની તપાસમાં જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. સરકાર જરાય ખચકાટમાં નથી તેમ સ્પષ્ટ કર્યું હતું.
રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડ રાજકોટમાં ફાયર સેફ્ટી વિનાની સીલ કરેલી ઇમારતોને ખોલવા માટે ગાંધીનગર સુધી દબાણ કરાઈ રહ્યું છે. માત્ર રાજકોટમાં 500થી વધુ મિલકતોને સીલ વાગી ચૂક્યાં છેસ જેને ખોલવા સરકાર પર દબાણ લાવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.
અગ્નિકાંડને લઈ કોંગ્રેસનો વિરોધ
ટીઆરપી અગ્નિકાંડમાં હજુ પગલાં ન ભરી મોટી માછલીઓને બચાવવા ખેલ થતા હોવાના આક્ષેપ સાથે 15 જૂને કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસે બહુમાળી ભવન ચોકથી પોલીસ કમિશનર કચેરી સુધી રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસ સાંસદ ગેનીબહેન ઠાકોર, અમિત ચાવડા, જિજ્ઞેશ મેવાણી, વિમલ ચૂડાસમા સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. પોલીસ દ્વારા કાર્યકરોની ટિંગાટોળી કરી અટકાયત કરાઈ હતી.
સરકારે 3 અધિકારીઓની કમિટી બનાવી
રાજકોટના અગ્નિકાંડમાં બેદરકાર અધિકારીઓ અને કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા રાજ્ય સરકારે 3 અધિકારીની કમિટીની રચના કરી છે. આ કમિટી તપાસ કરીને શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમારને રિપોર્ટ સુપરત કરશે અને તેઓ 4 જુલાઈએ તેને હાઇકોર્ટને સોંપશે.