ગિફ્ટ સિટીનું વિસ્તરણ રોકાયુંઃ ભ્રષ્ટ નેતાઓના રૂ. 10 હજાર કરોડ ડૂબ્યા?

Wednesday 19th June 2024 06:24 EDT
 
 

અમદાવાદઃ ગુજરાત સરકારે ગાંધીનગર ગિફ્ટ સિટીનું વિસ્તરણ કરી 996 હેક્ટર નવો એરિયા ઉમેરી તેને વિકસાવવાની અગાઉ જાહેરાત કરી હતી. જો કે હવે સરકારે આ નિર્ણય પડતો મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે કેટલાક રાજકારણીઓ તેમજ સરકારી અધિકારીઓએ ભાગીદારીમાં આ જમીન પર મોટાપ્રમાણમાં પોતાનાં કાળાં નાણાંનું રોકાણ કર્યું હોવાનું માનવામાં આવે છે. જ્યારે સરકારે ગિફ્ટ સિટીમાં નવા વિસ્તારનો ઉમેરો કરવા સામે વાંધો ઉઠાવ્યો ત્યારે આ રાજકારણીઓએ સરકાર પર દબાણ લાવીને હાલના ગિફ્ટ એરિયામાં FSIમાં આંતરરાષ્ટ્રીય સ્તરની રાહતો આપવા માટે દબાણ કર્યું હતું.
આ ઉપરાંત આ રાજકારણીઓ રોડ અને અન્ય સુવિધાઓ માટે કપાતમાં પોતાની જમીનો આપવા પણ તૈયાર નહોતા. આ સમગ્ર મામલો અંતે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન કાર્યાલયમાં ગયો હતો અને આખરે વિસ્તાર વધારવા અને તેને ડેવલપ કરવાનું સરકારે માંડી વાળ્યું હતું. રાજ્ય સરકારે હવે આ જમીન ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA)ને સોંપી દીધી છે. આ કેસમાં અહીં રોકાણ કરનારા રાજકારણીઓ અને અધિકારીઓની રૂ. 10,000 કરોડથી વધારેની રકમ ડૂબી ગઈ છે. હવે આ ગિફ્ટ સિટીનો વિસ્તાર નથી, એટલે અહીં ગુડાના GDCR મુજબ મકાનો જ બની શકે છે.


comments powered by Disqus