સુરતઃ જહાંગીરપુરામાં એક ફ્લેટમાં સૂતેલા વૃદ્ધ દંપતી અને બે મહિલાઓ સહિત 4 લોકોનાં ભેદી સંજોગોમાં મોત થયાં હતાં. જહાંગીરપુરા રાજહંસ રેસિડેન્સીમાં રહેતાં 58 વર્ષીય જશુબહેન વાઢેળ બેન્કમાં પ્યૂન હતાં. જશુબહેનના પુત્ર મૂકેશનું નાકનું ઓપરેશન થતાં તેને મળવા તેમની બે બહેનો અને તેમનો પરિવાર તેમજ ભાઈ અને તેમનો પરિવાર આવ્યો હતો. પોલીસની તપાસમાં જણાયું હતું કે, બાથરૂમમાં ચાલુ રહી ગયેલા ગીઝરનો નળ ધીમે ચાલુ હતો અને તેનાથી ઘરમાં ગેસની અસર જણાઈ હતી. બાથરૂમની દીવાલ ગરમ હતી.
શુક્રવારે રાત્રે બધાં પહેલા માળે મોટા પુત્ર મૂકેશના ઘરે જન્મ્યા બાદ જશુબહેન, ભાવનગર રહેતાં તેમનાં 58 વર્ષીય બહેન ગૌરીબહેન અને 60 વર્ષીય બનેવી હીરાભાઈ મેવાડા તેમજ 60 વર્ષીય બહેન શાંતાબહેન પાંચમા માળે નાના પુત્રના ફ્લેટમાં સૂવા ગયા હતા. સવારે પુત્રવધૂ નાસ્તા માટે બોલાવવા જતાં કોઈ જવાબ ન મળતાં પુત્ર મૂકેશે ચાવીથી દરવાજો ખોલતાં માતા સહિતની ચારેય વ્યક્તિ બેભાન મળી હતા. ઘટનાસ્થળે પહોંચેલા 108ના કર્મીઓએ ચારેયને મૃત જાહેર કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં ગૂંગળામણથી ચારેયનાં મોત થયાનું સામે આવ્યું છે.
સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના વડા ડો. ચંદ્રેશ ટેલરે જણાવ્યું હતું કે, વિશેરાના સેમ્પલ બાદ પીએમ રિપોર્ટ જાહેર કરાશે, પરંતુ આ ચારેયનાં મોત ઝેરી ગેસ શ્વાસમાં ભળવાને કારણે થયાં હોવાનું જણાઈ રહ્યું છે.