ઘરની છત પર લગાવાશે પવનચક્કીઃ 4 શહેરમાં પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે

Wednesday 19th June 2024 06:23 EDT
 
 

સુરતઃ સોલાર પેનલની જેમ હવે ઘરની અગાસી પર પવન ચક્કી લગાવીને વીજળીનું ઉત્પાદન કરી શકાય તે માટે રાજ્યના વીજળી વિભાગ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં 5 લાખ કરતાં વધારે ઘર પર સોલાર પેનલ ફિટ કરાઈ છે. સોલાર પેનલ લગાવ્યા બાદ મોટાભાગનાં ઘરોનાં વીજળીનાં બિલ શૂન્ય થઈ ગયાં છે. જ્યારે સમગ્ર ભારતમાં સૌથી હાઇએસ્ટ સૌરઊર્જાનું ઉત્પાદન ગુજરાતમાં કરાય છે.
હાલ ગુજરાતમાં 11,823 મેગાવોટ પવનચક્કી લગાવવામાં આવી છે. આ પવનચક્કીઓ મોટાભાગે ખુલ્લા મેદાનો અથવા ખેતરમાં લગાવવામાં આવી હોય છે, પરંતુ સોલાર પેનલની જેમ હવે ઘરો પર પવનચક્કી દ્વારા વીજળીનું ઉત્પાદન કરી લોકો ઘરમાં વીજળીનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. જેના માટેની ટેન્ડર પ્રક્રિયા પણ ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની) દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.
1-1 ઘરમાં પવનચક્કી લગાવ્યા બાદ 2 વર્ષ અભ્યાસ કરાશે
ગુજરાત પાવર રિસર્ચ ડેવલપમેન્ટ સેલ દ્વારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ શહેરોમાં ફૂંકાતા પવનને આધારે શહેરોની પસંદગી કરાઈ છે. જેમાં પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પોરબંદર, સુરત, વડોદરા, ભાવનગર અને રાજકોટનાં 1-1ઘર પર પવનચક્કી પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત લગાવાશે. આ પવનચક્કી લગાવ્યા બાદ 2 વર્ષ સુધી અભ્યાસ કરાશે. અભ્યાસમાં આવેલાં તારણો બાદ તેનું અમલીકરણ કરાશે.


comments powered by Disqus