દાર્જિલિંગઃ પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગ નજીક જલપાઈગુડી ખાતે સોમવારે સવારે 8.55 કલાકે પાટા પર ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી ગુડ્સ ટ્રેન અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 એન્જિન ડ્રાઇવર અને 1 ગાર્ડ સહિત 15 વ્યક્તિનાં મોત થયાં હતાં.
રેલવે બોર્ડનાં ચેરમેને જણાવ્યા મુજબ ગુડ્ઝ ટ્રેનનાં લોકો ડ્રાઈવર દ્વારા સિગ્નલને ઓવરશૂટ કરવામાં આવ્યું હતું જેને કારણે ગુડ્સ ટ્રેન તે પાટા પર ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ સાથે ટકરાઈ ગઈ હતી.
છેલ્લો ડબ્બો હવામાં લટક્યો
ટ્રેનની ટક્કર એટલી જોરદાર હતી કે કંચનજંગા એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો ગુડ્સ ટ્રેનના એન્જિન પર હવામાં લટકી ગયો હતો. છેલ્લા ત્રણ ડબ્બા પાર્સલ અને SLR કોચના હતા તેથી તેમાં કોઈ પ્રવાસી ન હોવાથી મૃત્યુઆંક વધ્યો ન હતો. આર્મી અને NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત તેમજ બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
સિગ્નલ સવારથી ખરાબ હતું
રેલવેનાં સૂત્રોના જણાવ્યા મુજબ રાનીપાત્રા રેલવે સ્ટેશન અને છત્તરહાટ જંક્શન વચ્ચેનું ઓટોમેટિક સિગ્નલ સવારે 5.50 કલાકથી જ ખરાબ થઈ ગયું હતું. ડ્રાઇવરે દરેક સિગ્નલે ટ્રેનને 1 મિનિટ રોકવાની અને ટ્રેનની સ્પીડ ઘટાડવાની જરૂર હતી.
પ્રધાનમંત્રીની સંવેદના
પીએમ મોદીએ ટ્રેન અકસ્માત અંગે દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે, જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તે પ્રત્યે મારી સંવેદના અને દિલસોજી વ્યક્ત કરું છું.
પશ્ચિમ બંગાળનાં દાર્જિલિંગ નજીક જલપાઈગુડી ખાતે સોમવારે સવારે 8.55 કલાકે પાટા પર ઊભેલી કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન સાથે પાછળથી પૂરઝડપે આવી રહેલી ગુડ્સ ટ્રેન અથડાતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 એન્જિન ડ્રાઇવર અને 1 ગાર્ડ સહિત 15 વ્યક્તિનાં મોત થયાં હતાં.