તાલાલાની 3 કિલો કેસર કેરીના બોક્સનું અમેરિકામાં 30થી 38 ડોલરમાં વેચાણ

Wednesday 19th June 2024 06:59 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતની ગીર-તાલાલાની કેસર કેરીનો સ્વાદ અમેરિકન્સને પણ દાઢે વળગ્યો હોય તેમ 3 કિલો કેરીના બોક્સનું અમેરિકામાં 30થી 38 ડોલરમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે. તે માટે બાવળાના પ્લાન્ટથી પ્રોસેસ કરવામાં આવેલી 215 ટનથી વધુ કેરી આ વર્ષે અમેરિકા પહોંચી હતી. આ કારણે ખેડૂતો અને નિકાસકારોને ડોલરમાં મબલક આવક થઈ છે.
ગુજરાતીઓની જેમ કેસર કેરીની મહેક અને સ્વાદ અમેરિકાના લોકોને પણ આકર્ષે છે. ગીર-તાલાલાથી વાયા બાવળાના પ્લાન્ટમાં પ્રોસેસ થઈને અમેરિકા સુધી આ કેરી પહોંચી રહી છે. બાવળાના ગુજરાત એગ્રો રેડિએશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ કેરીઓ પર ઈ-રેડિએશનની પ્રક્રિયા કરાય છે. કેરીની નિકાસ માટે અમેરિકાના કૃષિવિભાગ અને પ્લાન્ટ હેલ્થ ઇન્સ્પેક્શન સર્વિસની મંજૂરી મેળવનારો આ ગુજરાતનો પહેલો સરકારી પ્લાન્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ્સ એન્ડ ડ્રગ્સ દ્વારા નિયત કરેલા માપદંડથી બગીચામાં ઊછેરવામાં આવેલી કેરીનું ઇ-રેડિએશન અને ક્વોલિટી કંટ્રોલની પ્રોસેસ પર નિકાસની પરવાનગી અપાય છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન અને એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટીની માહિતી મુજબ 2023માં 205 ટનથી વધુ કેરીનું ઈ-રેડિએશન કરી નિકાસ સામે 2024માં અત્યાર સુધીમાં 215 ટનથી વધુ કેરીની નિકાસ અમેરિકા ખાતે કરાઈ છે. આ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી આવતા ક્વોરન્ટીન નિરીક્ષકની દેખરેખ હેઠળ થાય છે.


comments powered by Disqus