રાજકોટઃ ઉપલેટા તાલુકાના ભાયાવદર પોલીસ મથકમાં ખીરસરા સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ છાત્રાલયના બે સ્વામી અને એક સંચાલક સામે રાજકોટની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી છે. ગ્રામ્ય પોલીસ દ્વારા આરોપીઓને છાવરવાના આરોપ વચ્ચે ત્રણેય આરોપી તેમજ સંસ્થા સાથે જોડાયેલા લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
સંચાલકે કરાવ્યો હતો ગર્ભપાત
રાજકોટના પોશ વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ખીરસરા સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ છાત્રાલયના બે સ્વામી ધરમસ્વરૂપદાસ સ્વામી, નારાયણ સ્વરૂપદાસ સ્વામી અને છાત્રાલયના સંચાલક મયુર કાસોદરિયા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ 2020માં ધરમસ્વરૂપદાસ સ્વામીએ પીડિતા સાથે ફેસબુક મારફ્તે મિત્રતા કેળવી છાત્રાલય ખાતે મળવા બોલાવી હતી અને રૂમમાં તેની સાથે ખોટાં લગ્ન કરી શરીર સંબંધ બાંધી લીધો હતો, ત્યારબાદ તેણીને સાધ્વી બનાવવાની તાલીમ આપવામાં આવી હતી અને ફરી તેની સાથે 5 વખત દુષ્કર્મ આચર્યું હતું. તેણીને ગર્ભ રહી જતાં છાત્રાલયના સંચાલક મયુરે દવા આપી તેનો ગર્ભપાત કરાવ્યો હતો તે પછી તેણીએ સંબંધ તોડી નાખતાં ત્રણેયે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. તેણી રાજકોટ આવી ગઈ હોવા છતાં તેણીને ફોનમાં ધમકી અપાતી હતી, જેથી અંતે તેણીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવ બાદ બંને સ્વામી અને છાત્રાલયનો સંચાલક ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો પોલીસે ભાયાવદર મહિલા પીએસઆઇ સાથે IUCW યુનિટ પીઆઇને પણ તપાસમાં જોડ્યા છે.