સંગીત એક થેરાપી હોવાનું હવે વૈશ્વિક સ્તરે સ્વીકાર્ય છે. સંગીતને કોઇ સીમાડા નડતા નથી એ આપણે સૌ જાણીએ છીએ. ભારતની સદીઓ પુરાણી પરંપરા ‘રાગ-રાગિણી’ના માધ્યમથી દક્ષિણ ભારતના મૈસૂરમાં પ.પૂ.શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામિજીનો રાગ આધારિત શાનદાર આશ્રમ છે જ્યાં તેઓશ્રી ‘નાદ ચિકિત્સા’ની ધૂણી ધખાવી બેઠા છે. સંગીત થેરાપી ક્ષેત્રે વિશ્વભરમાં એમની ઓળખ નાદયોગી તરીકે થાય છે. એમનો ચાહક વર્ગ વિશાળ છે.
આજથી બાર વર્ષ પહેલા સપ્ટેમ્બર ૨૦૧૨માં લંડનના વિખ્યાત રોયલ આલ્બર્ટ હોલમાં એમના ‘મ્યુઝીક ઓફ ધ ડીવાઇન’ કોન્સર્ટનું આયોજન થયું હતું. એ પ્રસંગે શ્રી દત્ત યોગા સેન્ટર યુ.કે. યોજીત એ કોન્સર્ટમાં ‘નાદ ચિકિત્સા’ નામક પુસ્તિકાનું લોકાર્પણ થયું હતું. ગુજરાતીમાં પ્રથમ વાર પ્રસિધ્ધ થયેલ એ પુસ્તિકાને લંડન સહિત ગુજરાતમાં પણ સારો એવો આવકાર મળ્યો હતો. અગાઉ ‘નાદ ચિકિત્સા’ કોલમ આપણા સાપ્તાહિક ‘ગુજરાત સમાચાર’માં પ્રતિ સપ્તાહે લાંબા સમય સુધી પ્રસિધ્ધ થયા બાદ એ પુસ્તકાકારે પ્રકાશિત કરાઇ હતી.
બાર વર્ષ બાદ પ.પૂ. સ્વામિજી અત્રે એમના સંગીત ટ્રૂપ સહિત પધારી રહ્યા છે અને એમના કોન્સર્ટનો લાભ બ્રિટનની જનતાને મળી રહ્યો છે.
‘મ્યુઝીક ફોર મેડીટેશન’ સ્વર સુધા રાગ સાગરના કાર્યક્રમનું આયોજન શનિવાર તા.૨૯ જૂનના રોજ સાંજે ૭ થી ૯ લંડનના ૧૫૦ વર્ષ પુરાણા થિયેટર રીચમન્ડ થિયેટર, લીટલ ગ્રીન, TW9 1QJ ખાતે કરવામાં આવ્યું છે. આપની ડાયરીમાં ડેટ નોંધવાનું ભૂલતા નહિ! વિશ્વભરમાં આવા ૩૫૦ જેટલા કોન્સર્ટ કરી ભારતીય સંગીત થેરાપીને દુનિયાના દેશોમાં પ્રચાર-પ્રસાર કરવાનું શ્રેય પૂ. શ્રી ગણપતિ સચ્ચિદાનંદજીને ફાળે જાય છે. સિડની, ઓસ્ટ્રેલીયાના જગ વિખ્યાત ઓપેરા હાઉસ અને યુ.એસ.એ.ના કાર્નેગી હોલમાં પણ સ્વામિજીના ડીવાઇન મ્યુઝીક ગૂંજી ઉઠ્યું હતું.
આવો મોકો વારે વારે નથી મળતો. આપની ટિકિટનું બુકિંગ આજે જ રીચમન્ડ થિયેટરની બોક્સ ઓફિસનો સંપર્ક સાધી કરાવી લ્યો. આ કોન્સર્ટનું ભંડોળ શ્રી દત્ત યોગા સેન્ટર યુ.કે. ચેરિટીમાં સાદર કરાશે. વધુ વિગત માટે સંપર્ક: જીતુભાઇ દવે ૦૭૯૩૯ ૦૨૧૦૧૬