અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વિશ્વની પ્રથમ ગૌમૂત્રની ડેરી સ્થપાઈ છે. બનાસકાંઠામાં શરૂ કરવામાં આવેલા સ્ટાર્ટઅપે પશુપાલકો અને ખેડૂતો પાસેથી લિટરદીઠ રૂ. 5ના ભાવે ગૌમૂત્ર ખરીદવાનું પણ ચાલુ કરી દીધું છે. ગૌમૂત્રની ડેરી આવવાને પરિણામે ખેડૂતોને પશુપાલન કરવામાં રસ વધી શકે છે. દેશી ગાયનું ગૌમૂત્ર ખરીદવામાં આવી રહ્યું છે. ગાય રોજના અંદાજે 16થી 17 લિટર મૂત્ર આપે છે. તેમાંથી અંદાજે 10 લિટર તો ખેડૂત ઝીલી જ શકે છે. પશુપાલક ગૌમૂત્ર એકત્રિત કરીને રાખે છે અને ગૌમૂત્ર ડેરીના સંચાલકો તેમની પાસેથી ગૌમૂત્ર લઈ જાય છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજવામાં આવેલા સ્ટાર્ટઅપ અંગેના ચર્ચા સત્રમાં માહિતી આપતાં જણાવવામાં આવ્યું હતું કે, બનાસકાંઠાના ભાભરમાં અત્યારે 700થી વધુ પશુપાલકોએ ગૌમૂત્ર ડેરીને આપવાનું ચાલુ કરી દીધું છે. આમ એક જ દેશી ગાય ધરાવનારા ખેડૂતને મહિને અંદાજે રૂ. 1500ની આવક થઈ શકે છે. તેનાથી પશુપાલનનો વ્યવસાય કરવા તરફ ખેડૂતો વધારે આકર્ષાશે.
અત્યારે ગાયનો ઉછેર કરવો તે કોમર્શિયલી વાયેબલ ગણાતો નથી. ગૌમૂત્રની ખરીદી ચાલુ થતાં ગાયનો ઉછેર પોષણક્ષમ અને આવક ઊભી કરાવનારો સાબિત થઈ શકશે. ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશક દવાઓ બનાવવા માટે, ગૌમૂત્રની સાથે દરિયાઈ શેવાળને ભેળવીને તેને ઉકાળીને જમીનને પોચી બનાવવાની દવા બનાવી આપે છે. એક એકરમાં માત્ર પાંચ લિટર દવાનો છંટકાવ કરવાથી માત્ર બે સિઝનમાં જ તેનો ઉકેલ લાવી શકાય છે. એક એકર જમીનને કુદરતી પોચાપણું પાછું અપાવવા માટે રૂ. 1000થી વધુનો ખર્ચ થતો નથી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી જમીન કઠણ થઈ જાય છે. અળશિયા જેવા કુદરતી જીવો જમીનમાં ઊંડા ઉતરી જાય છે. તેમાં પાકની ઉપજ ઘટી રહી છે. દુનિયાની 1000 કરોડની વસ્તીને ટકાવવા માટે અનાજનું ઉત્પાદન વધારવાની જરૂર વધી રહી છે, ત્યારે આ પ્રકારના ઉપચારો લાભદાયી સાબિત થઈ શકે છે.
બીજ અંકુરિત થયા પછી તેના પર ગૌમૂત્રની દવાઓનો છંટકાવ કરવામાં આવે તો તેની ઉપજમાં 10થી 20 ટકાનો વધારો પણ થાય છે. કપાસના પાક પર તેનો છંટકાવ કરવામાં આવે તો કપાસના પાકને રોગચાળો લાગવાની સમસ્યા હળવી થઈ શકે છે. સામાન્ય રીતે કપાસમાં ઇયળની સમસ્યા નડે છે, પરંતુ 50 દિવસનો કપાસ થયા પછી ગૌમૂત્રમાં દરિયાઈ શેવાળ, લસણ, મરચાંનો મિશ્રણ કરીને દવા બનાવવામાં આવે છે. તેને પરિણામે ચૂસિયા જીવાતની સમસ્યાનો ઉકેલ આવી શકે છે. આ સમસ્યા હળવી થતાં કપાસનો ગ્રોથ વધી જાય છે. આ જ રીતે જીવાતને નિયંત્રિત કરવાની દવાઓ પણ બનાવવામાં આવી રહી છે.