અમદાવાદઃ આગામી 7 જુલાઈએ ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે, તે પહેલાં 22 જૂને જળયાત્રાનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ આ દિવસે સાંજે જગન્નાથજી જમાલપુર મંદિરથી 15 દિવસ માટે મોસાળ સરસપુરમાં જશે, જ્યારે 2 જુલાઈએ મામેરું દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે.
સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતે યોજાનારા મામેરામાં ત્રણ સોના-ચાંદીના હાર અને વસ્ત્રો સહિતની વસ્તુઓ મુકાશે. સરસપુર વિસ્તારમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીની શોભાયાત્રા પણ નીકળશે.
સૌથી મોટું રસોડું લુહાર શેરી અને વાસણ શેરીમાં
સરસપુરમાં સૌથી મોટું રસોડું લુહાર શેરી અને વાસણ શેરીનું હોય છે. આ ઉપરાંત સાળવી વાડ, ગાંધીની પોળ, લીમડાની પોળ, સ્વામિનારાયણ મંદિર આંબેડકર હોલ સામે, પીપળા પોળ, આંબલી પોળ, પડિયાની પોળ, તડિયાની પોળ, કડિયાવાડ સહિતની પોળોમાં નગરજનો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવે છે. આ પોળોમાં લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદીનો લાભ લે છે. 2 દિવસ અગાઉથી આ મહોત્સવ અંગેની તૈયારી શરૂ કરી દેવાય છે.
સૌપ્રથમ મોહનથાળ, બુંદી, ફૂલવડી બનાવાશે
રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી ઉમંગ પટેલના જણાવ્યા અનુસાર રથયાત્રાના ત્રણ દિવસ પહેલાંથી સરસપુરની પોળોમાં રસોડાં શરૂ થશે, જેમાં સૌપ્રથમ મોહનથાળ, મીઠી બુંદી તેમજ ફૂલવડી બનાવાશે. જ્યારે રથયાત્રાના આગલા દિવસથી પોળોમાં પૂરી-શાક, ખીચડી-કઢી, દાળ-ભાત જેવી વાનગી બનાવાશે.