(ગતાંકથી ચાલુ - ભાગ 4)
ભોપાલથી ૪૫ કિ.મિ. દૂર આવેલ ભીમબેટકા શૈલ આશ્રય પરિસરમાં પત્થર યુગના માનવજાતિના ઇતિહાસ અને હેરિટેજ નાની મોટી ૫૦૦ ગુફાઓમાં જોઇ આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ.. ૩૦,૦૦૦ વર્ષો પહેલાની આ ગુફાઓની શોધ શ્રી.વી.એસ. વાંકાનરે કરી હતી. આ ગુફાઓમાં એ જમાનામાં વપરાતા હથિયાર, કુહાડી, કમરમાં તલવાર, હાથી-ઘોડાના ભીંત ચિત્રો, માનવકૃતિઓ, જાનવર વગેરે યત્ર-તત્ર જોવા મળ્યા. કેટલાક ચિત્રો પ્રાકૃતિક કારણસર ધૂંધળા થઇ ગયા છે. વિંધ્ય પર્વતની તળેટીમાં આ સ્થળ પૌરાણિક પાષાણ અને મધ્ય પાષાણ યુગની ઐતિહાસિક સમયની સંસ્કૃતિનો અહેસાસ કરાવે છે. ભીમબેટકા શૈલ આશ્રય પરિસરને ૨૦૦૩માં યુનેસ્કો દ્વારા એક વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કરાયું. ઊંચી-ઊંચી ગિરિમાળઓની કંદરાઓમાં વસતો પત્થર યુગમાં આવી ગયા હોય એવું અનુભવ્યું.
સાંચીના સ્તૂપ અને વિહાર : ભોપાલથી ૫૦ કિ.મિ. દૂર આવેલ વિશ્વ વિખ્યાત સાંચીના સ્તૂપ અને વિહાર મહાન મૌર્યન સમ્રાટ અશોકે બંધાવેલ. ભારતના ભૂતકાળની ભવ્ય ગાથા ગાતું ભગવાન બુધ્ધના અનુયાયીઓનું સ્મૃતિ ચિહ્ન સમુ છે. ત્રીજી સદી BC થી A.D. ૧૨મી સદી સુધીના સમકાલીન સમાજનું સાક્ષી છે. કલિંગ યુધ્ધના મેદાનમાં હજારો સૈનિકોના શબ જોઇ હ્દય પરિવર્તન થતા સમ્રાટ અશોકે બૌધ્ધ ધર્મ અંગીકાર કર્યો. પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌધ્ધ ધર્મના વિદેશોમાં પ્રચાર માટે મોકલવાની પહેલ સાંચીથી કરી હતી..
સાંચીની પસંદગી કરવાનું કારણ છે; સમ્રાટ અશોક ઉજ્જૈનના રસ્તે જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં રોકાણ દરમિયાન ઉધોગપતિ (જે પાછળથી એમના ગવર્નર બન્યા હતા)ની દીકરી વિદિષા સાથે લગ્ન કરી લીધા હતાં. વિદિષાના પિયરની પાડોશમાં આવેલ સાંચી પર્વત પરની એકાંતતા બુધ્ધ ધર્મના અભ્યાસ અને અનુસરણ માટેનું યોગ્ય સ્થળ જણાતાં એના પર પસંદગી ઉતારી ત્યાં સ્તુપ બંધાવ્યો. આ સ્થળે ભગવાન બુધ્ધ વિચર્યા ન હતા પરંતુ કહેવાય છે કે એમના અવશેષોને સમ્રાટ અશોકે એના શાસન હેઠળના રાજ્યમાં ૮૪,૦૦૦ સ્તુપ બંધાવ્યા હતા જેમાંનું એક તે સાંચીના સ્તૂપ. બુધ્ધના જીવનને પ્રતિબિંબિત કરતા પ્રસંગોને આવરી લેતા કોતરણીવાળા ચાર તોરણો, થાંભલા, ચૈત્ય, છત્ર, ઘર, હાથી, તાજ, ચક્ર, ત્રિરત્ન, મોનેસ્ટ્રી સાઇટ, બોધિવૃક્ષ વગેરેનો સમાવેશ સ્તુપમાં કરાયો છે. સાંચીના આ સ્તૂપનો હવે યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કર્યો છે. (ક્રમશ:)