અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસે આવેલું યુકેનું વિઝા એપ્લિકેશન સેન્ટર હવે 17 કિલોમીટર દૂર એસ.પી. રિંગ રોડ પરના ભાટ સર્કલ નજીક આવેલા અગોરા મોલ ખાતે ખસેડાયું છે. કેનેડાનું વિઝા એપ્લિકેશન સેન્ટર પણ અગોરા મોલ ખાતે ખસેડવાનો નિર્ણય ટૂંકમાં લેવાશે. હાલ કેનેડાનું વીએફએસ સેન્ટર પાલડી ખાતે આવેલું છે. દરવર્ષે અમદાવાદમાંથી વિદ્યાર્થી અને ટૂરિસ્ટ સહિત અંદાજે 1 લાખ લોકો કેનેડા જાય છે, જ્યારે લગભગ 50 હજાર યુકે જતા હોય છે. તમામ અરજદારે હવે દસ્તાવેજ સબમિટ કરવા આટલે દૂર જવું પડશે.
ટ્રાવેલ એન્જટ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત ચેપ્ટરે તાજેતરમાં ગુજરાત ચેમ્બરને રજૂઆત કરી વીએફએસ સેન્ટર ખસેડવાના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અગોરા મોલ ખસેડાયેલું યુકેનું વિઝા એપ્લિકેશન સેન્ટર કાલુપુરથી લગભગ 14 કિલોમીટર, ગીતામંદિરથી 18 કિલોમીટર અને સી.જી. રોડથી 16 કિલોમીટર દૂર પડશે. દસ્તાવેજ સબમિટ કરવા જનારા લોકોએ હવે અવરજવર માટે 2થી 3 કલાક વધારાનો સમય આપવો પડશે. એસોસિયેશનનાં સૂત્રોના જણાવ્યા અનુસાર જર્મની, ફ્રાન્સ, નેધરલેન્ડ, ઈટલી, પોર્ટુગલ, ગ્રીસ, ડેન્માર્ક, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ જેવા યૂરોપના દેશોના વિઝા એપ્લિકેશન સેન્ટર પણ શહેરની હદ બહાર ખસેડવાની સક્રિય વિચારણા ચાલી રહી છે. આનાથી લોકોની હાલાકી વધશે.