4 જુલાઇએ યોજાનારી સંસદની ચૂંટણીના પડકારો મધ્યે પણ વડાપ્રધાન રિશી સુનાક જે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી રહ્યાં છે તે કાબિલે તારિફ છે. એકતરફ બ્રિટનમાં યોજાઇ રહેલા અનેકવિધ સરવે અને ઓપિનિયન પોલમાં સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટી તળિયા તરફ ધસી રહી છે. આગામી સંસદની ચૂંટણીમાં સુનાકની પાર્ટી અત્યાર સુધીનો સૌથી બદતર દેખાવ કરશે તેવા અનુમાનો વચ્ચે પણ રિશી સુનાકનો આશાવાદ પ્રેરણાદાયી છે. લાગે છે કે રિશી સુનાક ભગવદ્દ ગીતાનો સંદેશ ગળથૂથીમાં જ પચાવીને બેઠાં છે. તાજેતરમાં એક અખબારી મુલાકાતમાં તેમણે કહ્યું કે હું ફળની આશા કે અપેક્ષા રાખ્યા વિના કર્મ કરવામાં માનુ છું અને હિન્દુ ધર્મનો આ પાયાનો સિદ્ધાંત જ મને શક્તિ અને સામર્થ્ય આપી રહ્યાં છે. ખ્રિસ્તી બહુલ એવા બ્રિટનમાં હિન્દુ નેતા તરીકે વડાપ્રધાનપદ પર બિરાજમાન થવું તે નાની સૂની સિદ્ધી નથી. સુનાકે ક્યારેય પોતાના હિન્દુ મૂલ્યો અંગે લઘુતાગ્રંથિ અનુભવી નથી. વડાપ્રધાન બન્યા ત્યારથી રિશી સુનાક પોતાની આસ્થાનો બેધડક સ્વીકાર કરતા રહ્યા છે. જ્યારે તમારી સામે બચાવનો કોઇ આરો ન હોય તેવી સ્થિતિમાં પણ મનોબળ જાળવી રાખીને આગળ વધવાનું જોમ સુનાકમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. મોટાભાગના રાજકીય નીરિક્ષકો માને છે કે આ વખતની ચૂંટણીમાં લેબર પાર્ટી ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરશે. લેબર પાર્ટીનો પડકાર ઓછો હોય તેમ નાઇજલ ફરાજ રિફોર્મ યુકેના સ્વરૂપે સુનાક માટે મોટો પડકાર બનીને સામે આવી રહ્યાં છે. પોતાની ટોરી પાર્ટીમાં પણ સુનાકના દુશ્મનો અને વિરોધીઓની કોઇ અછત નથી. આવી સ્થિતિમાં બાળપણથી મળેલા હિન્દુ આસ્થાના આધ્યાત્મિક મૂલ્યો રિશી સુનાકને તોફાની દરિયામાં નાવ હંકારવાની પ્રેરણા આપી રહ્યાં છે અને તેઓ તેનો ખુલ્લેઆમ સ્વીકાર પણ કરી રહ્યાં છે. તેથી જ તેઓ વારંવાર કહી રહ્યાં છે કે હું છેલ્લી ઘડી સુધી લડાઇ લડવાનો છું. સુનાકનું આ બેફિકરાઇભર્યું વલણ તેઓ માનસિક રીતે કોઇપણ સ્થિતિ માટે કેટલા સજ્જ છે તેનો પણ પુરાવો આપે છે. વિપરિત સંજોગોમાં પણ સુનાક શ્રદ્ધા અને શિસ્ત સાથે ચૂંટણીની વૈતરણી પાર કરવા મક્કમતાથી આગળ વધી રહ્યા છે. સુનાકના વિરોધીઓ દ્વારા એવા પણ આરોપો મૂકાયા કે ચૂંટણીમાં પરાજય બાદ સુનાક કેલિફોર્નિયા ચાલ્યા જશે પરંતુ વિરોધીઓને સ્પષ્ટ જવાબ આપતાં સુનાક કહે છે કે હું ચૂંટણી બાદ પણ ક્યાંય જવાનો નથી અને જો કન્ઝર્વેટિવ પાર્ટીની સરકાર નહીં રચાય તો પણ મારા મતવિસ્તારના સાંસદ તરીકે કોમન્સમાં પાંચ વર્ષ ફરજ પણ બજાવીશ. પરિણામની ચિંતા કર્યા વિના કર્મ કરતા રહેવાનું સુનાકનું વલણ સ્પષ્ટ કરે છે કે તેઓ ચૂંટણીમાં આવનારા કોઇપણ પરિણામને સહજતાથી સ્વીકારી લેવા તૈયાર છે. ધર્મ, આસ્થા અને તેના મૂલ્યો માનવીને આધ્યાત્મિક એટલે કે માનસિક મજબૂતાઇ આપે છે. બાળપણથી હિન્દુ પરિવારમાં આ મૂલ્યો સાથે ઉછરેલા રિશી સુનાક તેમની રાજકીય કારકિર્દીમાં પણ આ મૂલ્યોના સહારે જ આગળ વધી રહ્યા હોવાના સંકેત આપી રહ્યાં છે. જ્યારે આપણે ધાર્મિક આસ્થા અને મૂલ્યો સાથે આગળ વધીએ છીએ ત્યારે ઇશ્વરીય શક્તિઓ પણ સાથ આપે છે. સુનાકનો આ આધ્યાત્મિક આશાવાદ તેમને સફળતા અપાવે તો નવાઇ નહીં...