નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા સાઇબર ક્રાઇમના લીધે સામાન્ય લોકોને થયેલું નુકસાન રૂ. 25,000 કરોડને પણ વટાવી ગયું છે. આ રકમ કેટલાંક રાજ્યોના વાર્ષિક બજેટ જેટલી થાય છે, જ્યારે સિક્કિમ જેવા રાજ્યના તો બજેટ કરતાં પણ બમણી રકમ થાય છે.
છેલ્લાં ત્રણ વર્ષ દરમિયાન દેશમાં લગભગ રૂ. 25,000 કરોડના સાઇબર ફ્રોડ થઈ ચૂક્યા છે. ગયાવર્ષે જ દૈનિક 27 સાઇબર ફ્રોડની એફઆઇઆર નોંધાઈ હતી. જ્યારે જાન્યુઆરી 2024થી જૂન સુધી સેન્ટ્રલ સાઇબર ફ્રોડ એજન્સીને 799 એવી ફરિયાદ મળી હતી, જેમાં પીડિતે રૂ. એક કરોડ કરતાં વધુ રકમ ગુમાવી હતી. આમ એક કરોડથી વધુ રકમ ગુમાવતી ફરિયાદો અને તેની રકમનો કુલ સરવાળો જ રૂ. 1,421 કરોડ થાય છે.
ગુજરાતમાં રૂ. 1555 કરોડની છેતરપિંડી
ષડયંત્રકારી સાઇબર ટોળકીની સામે ગુજરાતની પોલીસ પાંગળી સાબિત થઈ રહી છે. છેલ્લાં 4.5 વર્ષમાં ગુજરાતની જનતાએ કુલ રૂ. 1555 કરોડ ગુમાવ્યા છે, તેની સામે પોલીસ માંડ રૂ. 346 કરોડની રકમ રિકવર કરી શકવામાં આવીછે.