ગાંધીનગરઃ સિક્કિમના પ્રવાસે ગયેલા દેશભરના પ્રવાસીઓ પૈકી અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે, જો કે ગુજરાતી પ્રવાસીઓનો આંકડો હજુ સામે આવ્યો નથી. સિક્કિમ ભૂસ્ખલન થતાં હજારો પ્રવાસી ફસાયા છે, ત્યારે રાજ્ય સરકારે સિક્કિમ સરકારના સતત સંપર્કમાં રહીને ગુજરાતીઓની સુરક્ષા માટે અપીલ કરી છે.
સિક્કિમના મંગન જિલ્લામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી લાન્ચુંગ ગામ વિસ્તારમાં દેશના ઘણા પ્રવાસીઓ ફસાઈ ગયા. આ અંગેના સમાચાર પ્રાપ્ત થતાં ગુજરાત સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના અધિકારીઓએ સિક્કિમના વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને ગુજરાતીઓની બચાવ કામગીરીની માહિતી મેળવી હતી.
ગુજરાતથી સિક્કિમ ફરવા ગયેલા પ્રવાસીઓએ લાન્ચુંગ ગામ પાસે વિવિધ હોટેલોમાં આશ્રય લીધો છે. કુલ કેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે તે જાણી શકાયું નથી, પરંતુ 30થી વધુ પ્રવાસી લાન્ચુંગ ગામે હોટેલમાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.