આફ્રિકામાં પ્રભુત્વ માટે ભારત અને ચીન વચ્ચે કૂટનીતિક જંગ

Wednesday 20th November 2024 04:59 EST
 

ગ્લોબલ વેસ્ટનો સૂર્યાસ્ત નજીક આવી રહ્યો છે. ક્ષિતિજ પર ગ્લોબલ સાઉથનો સૂર્ય ઉદય પામી રહ્યો છે. 20મી સદી યુરોપ અને અમેરિકાના પ્રભુત્વની રહી તો 21મી સદીમાં એશિયાનું પ્રભુત્વ વધી રહ્યું છે. એશિયામાં જાપાન બાદ ભારત અને ચીન સશક્ત આર્થિક સત્તાઓ બનીને ઉભરી રહ્યાં છે ત્યારે હવે બંને દેશ તેમનો કૂટનીતિક વ્યાપ પણ વધારી રહ્યાં છે. પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં રહેલા યુરોપ અને ઉત્તર અમેરિકા વિકાસના ચરમ બિંદુ પર પહોંચી ગયાં છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં રહેલા દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો 21મી સદીના સંભવિત વિકાસશીલ બજારો છે. ભારત અને ચીન આ દેશો અને બજારો પર પ્રભુત્વ મેળવવા સામસામા શિંગડા ભેરવી રહ્યાં છે.
આ કૂટનીતિ અંતર્ગત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આફ્રિકાના નાઇજિરિયા, કેરેબિયન ટાપુના ગુયાના અને દક્ષિણ અમેરિકાના બ્રાઝિલની મુલાકાતે છે. ચીન પણ આફ્રિકા સાથેના સંબંધો મજબૂત બનાવવા આક્રમક નીતિ અપનાવી રહ્યો છે પરંતુ ભારત અને ચીનના અભિગમમાં મોટો તફાવત છે. આમ તો અત્યાર સુધી મુખ્યત્વે પશ્ચિમી દેશોના સંસ્થાનો રહેલા આફ્રિકાના દેશો પશ્ચિમ તરફી ઝૂકાવ ધરાવતા હતા પરંતુ હવે તેઓ પણ ભારત, ચીન અને જાપાન ભણી નજર દોડાવી રહ્યાં છે. પીએમ મોદી ઉપરાંત ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દ્વારા પણ સંખ્યાબંધ આફ્રિકન દેશોની મુલાકાત લેવામાં આવી છે.
બીજીતરફ ચીનના પ્રમુખ શિ જિનપિંગે પણ આફ્રિકાના સેનેગલ, રવાન્ડા અને મોરિશિયસ જેવા દેશોની મુલાકાત લેવામાં આવી છે. તાજેતરમાં જ બેઇજિંગમાં ચાઇના-આફ્રિકા ડિફેન્સ એન્ડ સિક્યુરિટી ફોરમનું આયોજન કરાયું જેમાં ઘણા આફ્રિકન દેશોના સંરક્ષણ મંત્રી અને સેનાધ્યક્ષોએ હાજરી આપી.
આર્થિક મોરચે ભારત અને ચીન માટે આફ્રિકન દેશો મહત્વના બની રહ્યાં છે. આફ્રિકામાં ખનીજ સંપદા ભરપૂર છે અને મુખ્યત્વે આફ્રિકા કાચા માલની જ નિકાસ કરે છે અને સામે મેન્યુફેક્ચર્ડ સામાનની આયાત કરે છે. 2006માં ભારત અને આફ્રિકા વચ્ચેનો વેપાર 11.9 બિલિયન ડોલર હતો જે 2018માં વધીને 62.66 બિલિયન ડોલરને પાર કરી ગયો હતો.
જોકે અગાઉ કહ્યું તેમ આફ્રિકા પ્રત્યેનો ભારત અને ચીનનો અભિગમ ઘણો અલગ છે. મોદીના નેતૃત્વમાં ભારત સરકાર આફ્રિકાના દેશો સાથે લાંબાગાળાના સંબંધો પર ભાર મૂકી રહી છે. ભારતની કૂટનીતિ જનતા કેન્દ્રિત છે. જ્યારે ચીન તેના સ્વાર્થી હિતોના કારણે આફ્રિકામાં પગદંડો જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આફ્રિકન દેશોમાં ભારતમાંથી મુખ્યત્વે પ્રાઇવેટ મૂડીરોકાણ થઇ રહ્યું છે જેમાં ભારત સરકારનો સીધો કોઇ હસ્તક્ષેપ હોતો નથી. બીજીતરફ ચીનની સરકારી બેન્કો અને કંપનીઓ આફ્રિકાના દેશોને ધીરાણ આપીને આર્થિક ગુલામ બનાવવાના પ્રયાસો કરે છે. ભારત આફ્રિકાના દેશોને માનવીય અને આર્થિક સહાય કરે છે પરંતુ તેમને આર્થિક ગુલામ બનાવવાનો પ્રયાસ કરતો નથી જ્યારે ચીન આફ્રિકન દેશોમાં આપેલા ધીરાણના બદલામાં વ્યાજખોરી કરી લશ્કરી થાણા સ્થાપવા દબાણ કરતો હોવાના દાખલા છે.
આફ્રિકાના દેશોમાં ઇન્ડિયન ડાયસ્પોરા પણ મોટાં યોગદાન આપી રહ્યો છે. આફ્રિકન દેશોના વેપાર-વાણિજ્ય અને ઉદ્યોગોમાં ભારતીય મૂળના બિઝનેસમેનોનું યોગદાન જે તે દેશને વિકાસ સાધવામાં પણ મદદ કરી રહ્યું છે પરંતુ આ દેશોમાં ચીનનું પ્રાઇવેટ મૂડીરોકાણ નહીંવત છે. ચીન તેની તગડી સરકારી કંપનીઓના બળ પર આફ્રિકન દેશોને ઝૂકાવવાના પ્રયાસોમાં લીન છે.
આવી સ્થિતિમાં હવે જોવું રહ્યું કે આફ્રિકન દેશોમાં કોની કૂટનીતિ હાવી થાય છે.


comments powered by Disqus