નવનાત વડિલ મંડળે ૮ નવેમ્બર’૨૪ના રોજ દિવાળી કાર્યક્રમના આયોજનમાં ત્રિવેણી સંગમ રચ્યો હતો. સન્માન, સંગીત અને જન્મદિનની ઉજવણી. આ પ્રસંગે નવનાત હોલમાં ૫૦૦ થી વધુ સંખ્યામાં વડિલોએ હાજર રહી દિવાળીનો જલસો માણ્યો હતો. આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વડીલોને તાજી, ગરમાગરમ, સ્વાદિષ્ટ રસોઇ પ્રેમથી બનવાનાર બહેનો માટે સ્વાભાવિક રીતે જ માન ઉપજે. રસોડે સેવા આપતી બધી જ બહેનોનું બહુમાન વડિલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઇ મહેતા અને કમિટીએ કર્યું હતું. આ પ્રસંગે કિચન કમિટીના વડા શકુબહેન શેઠનું સન્માન વડિલ મંડળના પ્રમુખ શ્રી નટુભાઇ અને શ્રીમતી પલ્લવીબહેન મહેતાએ કર્યું હતું.
મંડળના સભ્ય પદ્માબહેન કામદારની ૮૦મી વર્ષગાંઠ નિમિત્તે પદ્માબહેન અને પરિવાર તરફથી દિવાળી કાર્યક્રમ સ્પોન્સર કરાયો હતો. મેલોડી મ્યુઝીકના કલાકારોએ ગીત-સંગીતની મહેફિલ જમાવી સૌનું મનોરંજન કરાવ્યું. ઓડીયો-વીડીયોની સેવા કિશોરભાઇ બાટવીયાએ સાદર કરેલ.
દિવાળી નિમિત્તે સૌ સભ્યોને મીઠાઇ બોક્સની ભેટ આપવામાં આવી
દિવાળીની શાનદાર ઉજવણીનું સમાપન ઉમંગ-ઉત્સાહભેર થયું. આ સુંદર કાર્યક્રમની સફળતાનો યશ એના કો-ઓર્ડીનેટર શ્રી નીતિનભાઇ સાવડીયા અને યોગેશભાઇ મોદીની મહેનતને ફાળે જાય. વડિલો દર શુક્રવારની રાહ ચાતક પક્ષીની જેમ જોતા હોય છે. કારણ, વડિલોના જીવનમાં તાજગીનો સંચાર રહે એવા સતત પ્રયાસો-પ્રયોગો વડિલ મંડળ કરતું રહે છે.