ભારતીય ઉપખંડ બની રહ્યો છે ગેસ ચેમ્બર.....

Wednesday 20th November 2024 04:58 EST
 

ભારત અને પાકિસ્તાનમાં હવાનું પ્રદૂષણ માઝા મૂકી રહ્યું છે. ભારતની રાજધાની દિલ્હી અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર સહિતના શહેરોમાં ઇમર્જન્સી જાહેર કરી દેવાઇ છે. દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા વિવિધ પ્રકારના પ્રતિબંધ જાહેર કરી દેવાયાં છે. ધુમ્મસ અને ધુમાડાના મિશ્રણ તરીકે ઓળખાતું સ્મોગ દર વર્ષે ઉત્તર ભારતને પરેશાન કરી રહ્યું છે. સવાલ એ છે કે દક્ષિણ એશિયા અને તેમાં પણ ભારતીય ઉપખંડના દેશોમાં હવા આટલી ઝેરી કેમ બની રહી છે. સ્વિસ ક્લાઇમેટ ગ્રુપ આઇક્યુએરના રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં 134 દેશોમાં હવાની સૌથી ખરાબ ગુણવત્તા બાંગ્લાદેશની રહી હતી.
ભારતીય ઉપખંડના દેશોમાં પ્રદૂષણના નિયમોનું ધડલ્લે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઇંટોના ભઠ્ઠા, ઉદ્યોગો દ્વારા પર્યાવરણમાં મુક્ત કરાતા હાનિકારક ગેસ, ખેડૂતો દ્વારા ખેતરોમાં સળગાવી દેવાતી પરાળી, રસોઇ માટે ઉપયોગમાં લેવાતા બળતણ જેવા પરિબળો ભારતીય ઉપખંડની હવાને ઝેરી બનાવી રહ્યાં છે. અધુરામાં પુરુ વાહનોની વધી રહેલી સંખ્યા બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. જનતામાં હવાની ગુણવત્તા અને પ્રદૂષણ અંગે કોઇ જાગૃતતા નથી. દિલ્હીમાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ હોવા છતાં મોટા પાયે દારૂખાનુ ફોડવામાં આવ્યું હતું જેના દુષ્પરિણામ આજે દિલ્હીવાસીઓ ભોગવી રહ્યાં છે. તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી છે.
ભારતીય ઉપખંડની ભૌગોલિક સ્થિતિ પણ હવાનું પ્રદૂષણ વકરાવવામાં મહત્વનો ફાળો આપી રહી છે. ઉત્તર ભારત., પાકિસ્તાન અને બાંગ્લાદેશના મેદાની વિસ્તારોમાંથી હવામાં ફેલાતું પ્રદૂષણ દરિયાકિનારા પરથી ફૂંકાતા પવનોના કારણે આ વિસ્તારમાં એકઠું થાય છે અને ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા આ પ્રદૂષણને આગળ જતું અટકાવે છે. જેના પગલે ઉત્તર ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિસ્તારો ગેસ ચેમ્બરમાં તબદિલ થઇ રહ્યાં છે.
આ ઝેરી હવા અને પ્રદૂષણની અસર ન કેવળ આ દેશોના માનવ આરોગ્ય પરંતુ અર્થતંત્ર પર પણ વિપરિત અસર કરી રહ્યાં છે. શિકાગો યુનિવર્સિટીના એક અભ્યાસ અનુસાર ભારતમાં હવાના પ્રદૂષણના કારણે સરેરાશ માનવ આયુષ્યમાં 5.3 વર્ષ ઘટી ગયાં છે. આરોગ્ય ઉપરાંત હવાનું પ્રદૂષણ શિક્ષણ, વેપાર પ્રવૃત્તિ સહિતની રોજિંદી પ્રવૃત્તિઓને અસર કરી રહી છે. ઝેરી હવાના પગલે દિલ્હીમાં શાળાઓ અને કચેરીઓ બંધ કરવાની ફરજ પડી છે. પાકિસ્તાનના કેટલાક શહેરોમાં લોકડાઉન લાગુ કરાયું છે. કન્સ્ટ્રક્શન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ઠપ થતાં દેશના અર્થતંત્રને નુકસાન થઇ રહ્યું છે.
ભારતીય ઉપખંડના દેશો અને વિશેષ કરીને ભારતમાં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે સરકારોએ આકરા નિયમ પાલન કરાવવું પડશે તો તેની સાથે આમ જનતાએ પણ પ્રદૂષણકારી પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને પર્યાવરણને બચાવવા સરકાર સાથે ખભેખભા મિલાવીને સહકાર આપવો પડશે. વિકસિત દેશોના પર્યાવરણ સંબધિત પગલાંનો નમૂનો લઇને ભારતીય ઉપખંડના ત્રણે દેશોએ હવાની ગુણવત્તા સુધારવી પડશે નહીંતર દર વર્ષે શિયાળામાં આ વિસ્તારોને ગેસ ચેમ્બરમાં તબદિલ થતાં કોઇ રોકી શકશે નહીં.


comments powered by Disqus