મહેસાણાઃ ગુજરાતના વિવિધ પ્રાંતમાં રહેતો એક પરિવાર એવો છે, જે સતત 7 વર્ષ કરતાં વધુ સમયથી રોજ રાત્રે 9:30 વાગ્યે વર્ચ્યુઅલી મળે છે. આ શક્ય બન્યું છે એક વોટ્સએપ ક્વિઝથી. આ પરિવાર છે મહેસાણા જિલ્લાના રાંતેજ ગામનો ‘ઇશ્વર પરિવાર’. અમદાવાદ, ભાવનગર, જામનગર, અંકલેશ્વર, કડી, રાંતેજ સહિતનાં સ્થળે સ્થાયી થયેલા ઈશ્વરલાલ રાવલના ચાર પુત્રોના આ પરિવારમાં 10 વર્ષથી માંડીને 93 વર્ષનાં દાદીમા સહિત 73 સભ્ય છે.
ઇશ્વર પરિવારના સંજયભાઈ રાવલ કહે છે કે, વર્તમાન સમયમાં સંયુક્ત કુટુંબ તૂટી રહ્યાં છે અને પરિવારના સભ્યો એકબીજાથી દૂર થઈ રહ્યા છે. આવા સમયે સોશિયલ મીડિયાના સદઉપયોગથી પરિવારને જોડી રાખવા સાત વર્ષ પહેલાં 1 ઓગસ્ટ, 2017થી વ્હોટ્સએપ ગ્રૂપ પર ક્વિઝનો નવતર પ્રયોગ શરૂ કર્યો હતો, જે આજે 7 વર્ષ બાદ પણ નિરંતર ચાલુ છે. રોજ રાત્રે 9:30 વાગ્યે ગ્રૂપમાં 25થી વધુ સભ્ય જોડાઈ જાય એટલે હું એક પ્રશ્ન મૂકું, જેનો જવાબ ત્રણ મિનિટમાં જ આપવાનો હોય છે. જે સૌથી પહેલાં જવાબ આપે તેને વિજેતા જાહેર કરી મહિનાના અંતે જેણે સૌથી વધુ સાચા જવાબ આપ્યા હોય તેને ઇશ્વર પરિવારના દર ત્રણ મહિને યોજાતાં “ગેટ ટુ ગેધર’માં ઇનામ અને સર્ટિફિકેટથી સન્માનિત કરવામાં આવે છે.
આ ક્વિઝ કોમ્પિટિશનમાં જ્ઞાનમાં વૃદ્ધિ કરતા સવાલો પૂછવામાં આવે છે, જેમાં કરન્ટ અફેર્સ, રાજકારણ, સામાજિક, ક્રિકેટ, ધાર્મિક અને ઐતિહાસિક પરંપરાઓના પ્રશ્નો પુછાય છે. સરેરાશ 60થી 65 ટકા સભ્યો ક્વિઝમાં જોડાય છે. આનાથી એક મોટો ફાયદો એ થાય છે કે ખાસ કરીને ગૃહિણીઓ ઘરમાં રહીને તેમજ નોકરી-ધંધો કરનારી વ્યક્તિ નોકરીથી ઘરે આવે એટલે રિલેક્સ થઈ જાય છે. અમારા ક્વિઝને પુસ્તિકારૂપે પણ બહાર પડાશે.