તેમનું નામ શ્રીમન્ન નારાયણ. ગાંધીવાદી સજ્જન.હજુ ગુજરાત રાજ્ય રચનાને થોડાંક વર્ષ જ વીત્યા હતા. પૂરી મુદત સુધી રહેલા એકમાત્ર મહેદી નવાબ જંગ રાજ્યની સ્થાપનાથી 1965 સુધી રહ્યા, તે પછી નિત્યાનંદ કાનૂનગો બે વીઆરએસએચ રહ્યા અને ત્રીજા શ્રીમન્ન આવ્યા. એવા જ્ઞાતિ વિરોધી કે કોઈ અગરવાલ અટક સાથે ઉલ્લેખ કરે તો તેને રોકે. શ્રીમન્ન અને તેમના પત્ની મદાલસા નારાયણ કોઈને કોઈ નવા પ્રયોગો કરતા. એ દિવસોમાં નવા યુવા મતદારોનું સન્માન રાજભવનમાં કરવામાં આવ્યું ત્યારે વિપક્ષના એક નેતાએ પુછ્યછયું હતું કે આ વળી શું નવું તૂત લાવ્યા છે?
રાજ્યપાલોની જોગવાઈ બંધારણમાં શુભ હેતુથી કરવામાં આવી હતી, પણ પછી એવી પ્રથા પડી કે રાજકારણમાથી લગભગ નિવૃત્ત થ્યેલા, અથવા કરાયેલા, વહીવટ અને સૈન્યના નિવૃત્ત વગેરેને આ પદ સોંપવામાં આવે અને તેનો અનુભવનો લાભ મળે. વિજયાલક્ષ્મી પંડિત કહેતા કે અમારે રાજ્યપાલોને ત્રણ કામ કરવાના રહે. એક તો વિધાનસભાના પ્રથમ સત્રમાં ભાષણ, બીજું સરકારી પ્રસ્તાવો પર સમ્મતિ અને ત્રીજું અનેક ઉદ્દઘાટનોમાં વ્યાખ્યાન માટે જવું. બાકીના સમયમાં ઉત્તમ નવલકથાઓ વાંચવી. જોકે સંવિધાન પ્રમાણે રાષ્ટ્રપતિના પ્રતિનિધિ તરીકે રાજયપાલને તે રાજ્યમાં કાર્યરત રહેવાનુ હોય છે. થોડાંક વર્ષોમાં જ વિધાનસભામાં પક્ષાંતરો અને લઘુમતી-બહુમતીના ખેલ શરૂ થ્ય ત્યારે સત્તા પર રહેવાના દાવાને ચકાસીને રાજ્યપાલે નિર્ણય લેવાના પ્રસંગો ઘણા આવ્યા અને હજુ ચાલુ છે. રાજયપાલ આવી બંધારણીય કટોકટીમાં પક્ષપાત વિના નિર્ણય કરે તે જરૂરી હોય છે. પણ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ વગેરેમાં રાજ્યપાલોએ કેન્દ્રમાં રહેલા સત્તા પક્ષને રાજી રાખવાના નિર્ણયો લીધા હતા. તેનો ઉહાપોહ પણ એટલો કે નાસિકમાં મીનુ મસાણીની સંસ્થાએ રાષ્ટ્રીય ચર્ચા ગોઠવી તેનું મથાળું જ એવું હતું કે શું રાજયપાલ સત્તા પક્ષનો એજન્ટ છે? પક્ષની અંદર કોઈ ઉત્પાત થાય કે બીજો પક્ષ દાવો કરે ત્યારે એક પ્રચલિત સ્થિતિ એ હોય છે કે દાવો કરનારા પોતાના નેતા સાથે રાજભવનમાં જઈને ઓળખ પેરેડ કરે! પેરેડ સામાન્ય રીતે જેલોમાં કેદીઓની “ગિનતી” કરવા સવાર સાંજ કરવામાં આવે છે અને પ્રજાસત્તાક દિવસે સેનાની પેરેડ જાણીતી છે. રાજકીય સત્તા માટેની પેરેડ પહેલા રિસોર્ટ રાજકારણ ખેલવામાં આવે છે!
ગુજરાતમાં અપવાદો તો રહ્યા જ છે. ચીમનભાઈ પટેલ અને કાંતિલાલ ઘીયા વચ્ચે વિધાનસભા પક્ષના નેતા કોણ બને તેને માટે ચૂટણી થઈ ત્યારે “પંચવટી” દ્રશ્યો સર્જાયા હતા. ધારાસભ્યોને એક જગ્યાએ અમુક દિવસ સુધી ગોંધી રાખવાના દ્રશ્યો પહેલીવારના હતા. તેની એક પ્રતિક્રિયા એવી આવી કે નવનિર્માણ ચળવળ ફૂટી નીકળી. અગાઉ પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાએ સંગઠનમાં આંતરિક કલહને લીધે રાજીનામું આપવું પડ્યું ત્યારે જાહેરજીવનમાં આવું રાજકીય મનોરંજન થયું નહોતું. આનું બીજું પરિણામ એ આવ્યું કે નવનિર્માણ પછી રાષ્ટ્રપતિ શાસન આવ્યું. સલાહકાર અશ્વિની કુમાર ઉગ્ર લાગણીને શાંત કરી શક્યા નહિ ને છેવટે ચૂટણી આવી તેમાં પહેલીવાર કોંગ્રેસ-વિરોધી જનતા મોરચો જીત્યો અને સરકાર બની. પરંતુ 1976માં મોરચાના બે ધારાસભ્યોએ વલણ બદલ્યું એટ્લે મુખ્યમંત્રી બાબુભાઇ પટેલ અને મંત્રીમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું. ભાજપમાં કેશુભાઈની સરકારમાં આંતરિક અવરોધ આવ્યો તેને પહેલીવાર તો અટલ બિહારી વાજપેયીના કુશળ નેતૃત્વને લીધે શાંત પાડવામાં આવ્યો, કેશુભાઈની જગ્યા સુરેશ મહેતાએ લીધી પણ વળી રાજ્યપાલની ભૂમિકા અનિવાર્ય બની અને ધારાસભ્યોની પેરેડ તેમજ સમર્થનના દ્રશ્યો સર્જાયા ત્યારે નરેશચંદ્ર અને અંશુમાન સિંહ રાજયપાલ હતા. શંકરસિંહ વાઘેલાના સમર્થકો જ્યારે પોતાની તરફેણ કરનારા ધારાસભ્યોની સહી સાથેનું આવેદનપત્ર લઈને રાજભવનમાં પહોંચ્યા ત્યારે બાજુના મેદાનમાં ભાજપની સભાના કાર્યકર્તાઓ વિરોધ કરવા માટે રાજભવનમાં પ્રવેશી ગયેલા!
ગુજરાતમાં રાજ્યપાલોની તવારીખ પણ રસપ્રદ છે. સાબરમતી આશ્રમમાં ગાંધીજીની સાક્ષીએ 1960માં ગુજરાત રાજ્યની રચનાઓ શપથ સમારોહ યોજાયો હતો. આ પહેલી અને છેલ્લીવાર બન્યું. રવિશંકર મહારાજે શિખામણ આપી હતી ધારાસભ્યોને, તે થોડાક દિવસોમાં જ નિરર્થક પુરવાર થઈ. કોંગ્રેસ પક્ષમાં જ જીવરાજ મહેતા મુખ્યમંત્રી તરીકે ના જોઈએ એવો અવાજ શરૂ થયો. અરે, જીવરાજ મહેતાની સરકાર સામે અવિશ્વાસની દરખાસ્તનો પણ નિર્ણય લેવાયો!
રાજયપાલ હતા મહેન્દી નવાબ જંગ. પછી નિત્યાનંદ અને ત્યાર પછી શ્રી મન્ન. 23 રાજ્યપાલો આવ્યા. કેટલાક તો કાર્યકારી હતા, કેટલાક મુદત પૂરી થઈ નહીં. નેહરૂ પરિવારના બી.કે. નેહરૂ 1984માં શ્રીમતી ગાંધી સાથે નિષ્ક્રિય રહ્યા એટ્લે રાજયપાલ બનાવાયા. મુંબઈની એક રાજકીય ગોષ્ઠીમાં મે હળવાશથી કહ્યું હતું કે મોટાભાગના રાજ્યપાલોને બાદ કરો તો તમે એવા છો કે તમારી આત્મકથા રસપ્રદ નીવડી શકે. બાબુભાઇ પટેલ તેમની પાસે જ બેઠા હતા, બંનેએ મો મરકાવ્યું! નેહરૂ ગાંધી પરિવારના બી.કે. નેહરૂ કે કૌલ રાષ્ટ્રીય સ્તરે આ પરિવારની ખૂબી ખામી જાણતા હતા એટ્લે તેમની સ્મૃતિકથા રસપ્રદ બને જ. એમ તો કે.એમ. ચાંડી, કે. વિશ્વનાથન, પી.એન. ભગવતી, રામકૃષ્ણ ત્રિવેદી, મહિપાલ શાસ્ત્રી, સરૂપ સિંહ, અંશુમાં સિંહ, કે.જી. બાલક્રુષ્ણન આવ્યા. આમાં રામકૃષ્ણ ત્રિવેદી તો રસ્ત્રીય સ્તરે ચૂટણી પંચના અધ્યક્ષ પણ બન્યા ત્યારે આસામમાં વિદેશી ઘૂસપેઠ અને બહિરગતની વિરુદ્ધ આંદોલન ચાલતું હતું. ચૂટણીનો સમગ્ર પ્રદેશે બહિષ્કાર કર્યો હતો છતાં કેન્દ્ર ત્યાં ચૂટણી ઇચ્છતું હતું એટ્લે આયોગે પણ મતદાનની જાહેરાત કરી દીધી. ડિપોઝિટ ગુમાવવા જેટલા મત પણ પડ્યા નહીં , પારાવાર હિંસા થઈ, સેંકડો માર્યા છતાં સાવ ઓછા મત મેળવનારાની અનવરા તઈમુરની સરકાર બની હતી. ગુજરાતનાં રાજયપાલ સુંદરસિંહ ભંડારી જનસંઘના સ્થાપકોમાના એક હતા. જાતે પોતાના વસ્ત્રો ધોવાનું ચાલુ રાખ્યું હતું. ઓમપ્રકાશ કોહલી અને વર્તમાન દેવવ્રત આચાર્યએ રાજભવનને લોકભાવન અને સંવાદ ભવન બનાવીને અનેક પ્રજાલક્ષી નિર્ણયો લીધા.