ગુજરાત સમાચાર તેના વિશેષ ઝૂમ કાર્યક્રમ દ્વારા માહિતીપ્રદ વિષયો અને તમામ તહેવારોની ઉજવણી કરતું આવ્યું છે, ત્યારે 15 ઓગસ્ટે ગુરુવારના રોજ 78મા સ્વતંત્રતા પર્વની વિશેષ ઉજવણી પણ કરવામાં આવી.
કાર્યક્રમનું સંચાલન કરતાં એડિટર ઇન ચીફ સી.બી. પટેલે જણાવ્યું કે, આજના દિવસે બેવડો સમન્વય છે. એક તો 78મો સ્વતંત્રતા પર્વ અને અમારા સોનેરી સંગતનો 25મો અધ્યાય. આપ સૌના આશીર્વાદ અને લોકચાહનાને વશ થઈ અમે સોનેરી સંગતનો સતત 25મો અધ્યાય આપ સમક્ષ લાવી રહ્યા છીએ. આ સમયે રાષ્ટ્રશાયર ઝવેરચંદ મેઘાણીની રચના યાદ આવે છે ‘રક્ત ટપકતી સો-સો ઝોળી.’ સદીઓની ગુલામી બાદ 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતે આઝાદી મેળવી અને છેલ્લાં 77 વર્ષમાં અદભુત પ્રગતિ સાધી છે. આજે આપણી સાથે એવા મહાનુભાવો જોડાયા છે, જે આઝાદીની લડતના પ્રસંગો અને સાંપ્રત ભારત વિશે આપણને જ્ઞાન પિરસશે.
સી.બી. પટેલઃ આપ અમને જણાવો કે 1947માં ભારત ક્યાં હતું, અત્યારે ક્યાં છે અને આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ?
પી.કે. લહેરીઃ આપણા 78મા સ્વાતંત્ર્યદિને આપણે સ્વતંત્રતા વીરોને યાદ કરવા જ પડે. ગાંધીજીએ દેશને એવી આગેવાની પૂરી પાડી જેમાં સુભાષચંદ્ર બોઝ જેવા આઇસીએસ થયેલા અધિકારી, સૌથી સફળ વકીલાત કરતા વલ્લભભાઈ પટેલ, ગર્ભશ્રીમંત જવાહરલાલ નહેરુ, વૈદું કરતા અન્સારી, અબ્બાસ અલી તૈયબ જેવા વડોદરાના મુખ્ય ન્યાયાધીશ જેવા અનેક દિગ્ગજો એકતાંતણે પરોવાયા. આજે લાલબહાદુર શાસ્ત્રીના મંત્ર મુજબ જય જવાન-જય કિસાનનો યુગ છે. આપણા ખેડૂતોએ દેશને ભૂખમરામાંથી તો બહાર કાઢ્યો જ છે, સાથોસાથ અનેક જણસમાં સૌથી વધુ ઉત્પાદન કરતા દેશ તરીકે ભારતનું નામ રોશન પણ કર્યું. આપણા જવાનોએ અનેક વખત પાકિસ્તાન અને ચીનની સામે નમતું ન જોખી દેશ માટે પોતાનો જીવ આપ્યો છે તેમને પણ યાદ કરવાનો આજનો દિવસ છે.
દેશમાં થયેલો વિકાસ અદભુત છે. એકદમ નાની શરૂઆત કરી જે લોકો આજે વિશ્વમાં પોતાની સફળતાનો ડંકો વગાડી ચૂક્યા છે, તેવા ઉદ્યોગપતિઓની સાથે આપણી પાસે ટેકનિકલી ક્વોલિફાઇડ માણસો પણ છે. જેઓ નાસા, સિલિકોન વેલી અને ચિકિત્સા ક્ષેત્રે વિશ્વભરમાં ભારતની યશગાથાનો ડંકો વગાડી રહ્યા છે. આપણી પાસે સૌથી વધુ યુવાનો છે, ભારતનો દરેક બીજો માણસ 25 વર્ષથી નીચેનો છે. આ વસ્તી જાપાન કે અન્ય દેશોની જેમ વૃદ્ધ થાય તે પહેલાં આ યુવાનીનો લાભ લઈ શકીએ છીએ.
લોર્ડ ભીખુભાઈ પારેખઃ ગત લોકસભા ચૂંટણીનીમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા સુંદર પરિપક્વતા દર્શાવાઈ. હું કહીશ કે બ્રિટનની મેચ્યોરિટી કરતાં પણ મને વધુ ગમી. દેશના પ્લસ પોઇન્ટની વાત કરીએ તો આપણો ઇકોનોમી ગ્રોથ અન્ય દેશોની સરખામણીએ સારો એવો થઈ રહ્યો છે. બ્રિટનમાં ઇકોનોમી ગ્રોથ દોઢથી બે ટકા છે, જેની સામે ભારતમાં સાતથી સાડા સાત ટકાની વાત થઈ રહી છે. સમાજની અંદર જે માનવતા હોવી જોઈએ તે આપણા દેશમાં છે. દેશમાં ફરીથી ભાગલા પડવાની કોઈ શક્યતા નથી.
આઝાદી બાદના માઇનસ પોઇન્ટ જોઈએ તો દેશમાં ગરીબી વધારે છે, આ 20 ટકા પ્રજાનું ખાવા-પીવા અને રહેવાનું કોઈ ઠેકાણું નથી. ભારતમાં અસમાનતા વધી રહી છે, જેમ કે કમાણીની અને સંપત્તિની. તમામ સ્થળે પૈસો બોલે છે, પણ નાણાં ન હોય તો તમારું કમનસીબ. આર્બિટરી પાવર પણ દેશમાં એક મોટો માઇનસ પોઇન્ટ છે. મિનિસ્ટરની સત્તાની રૂએ તેનો પુત્ર અને સેક્રેટરી જેવા માણસો નિર્ભિકપણે કંઈ પણ કરી શકે છે.
સી.બી. પટેલઃ આજથી 77 વર્ષ પહેલાં આપ ક્યાં હતા અને આઝાદી દિવસ કેવી રીતે માણ્યો?
ઘનશ્યામભાઈ અમીનઃ હું તે સમયે મારા ગામ વીરસદમાં હતો અને મારી ઉંમર 12 વર્ષ હતી. આઝાદીનું એલાન થયું ત્યારે ગામને ભાગોળ સુધી સાફ કરી ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી. આ પહેલાં 1942માં મારી સાત વર્ષની ઉંમરે હું પ્રભાતફેરીમાં જોડાતો, જેમાં ‘અંગ્રેજો ચાલ્યા જાઓ’ના નારા પોકારાતા હતા. 1947ના 2 વર્ષ પછી હું આફ્રિકા જતો રહ્યો હતો, પરંતુ ત્યારે ભારતમાં ઘણી પ્રગતિ થઈ,
સી.બી. પટેલઃ કુસુમબહેન આપ 15 ઓગસ્ટ 1947ના આપનાં સંસ્મરણો જણાવો.
કુસુમબહેન પોપટઃ હું પોરબંદર ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી ત્યારે આઝાદીની ચળવળ ચાલતી હતી. આ ચળવળમાં મેં પણ નાની એવી ભૂમિકા ભજવી હતી. એ સમયે સવારમાં હાથેથી બનાવેલા ઝંડા અને ખમીસ પર જાતે બનાવેલા આઝાદીના બેઝ સાથે અમે નીકળતાં અને ‘સિર જાવે તો જાવે, મેરા આઝાદી કા ધર્મ ન જાવે’ના નારા પોકારતાં.
સી.બી. પટેલઃ આજના ભારતમાં અમુક પક્ષો જ્ઞાતિવાદને લઈને માગણી કરે છે તેમાં કોઈ સંકટ ખરું કે?
પી.કે. લહેરીઃ બંધારણ ઘડાયું ત્યારે પુણે કરાર હેઠળ ગાંધીજી અને આંબેડકર વચ્ચે થયેલી સમજૂતીના 9 મુદ્દા હતા, જેમાંથી 7 મુદ્દાનો બંધારણમાં સમાવેશ થયો હતો. આમ રાજકીય, નોકરી અને શિક્ષણ સંસ્થામાં આદિવાસી અને દલિતો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી. જો કે 1990માં અનેક રાજ્યો અને ભારત સરકારે મંડળ કમિશન પ્રમાણે અન્ય શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત જ્ઞાતિઓને અનામત આપવાની શરૂઆત કરી. ગુજરાતના શિડ્યુલ કાસ્ટમાં સમાવિષ્ટ તમામ જ્ઞાતિઓમાં એક ખૂબ ભણેલી અને આગળ પડતી હોય જ્યારે બીજી જ્ઞાતિ આર્થિક અને શૈક્ષણિક રીતે ખૂબ પછાત હોય તેવું બને છે. આપણે એ બને જ્ઞાતિને સાથે તો કરી દીધા, પરંતુ સુખીને વધારે લાભ મળ્યો, જ્યારે વિકસિત નહોતા તેમને આ રિઝર્વેશનનો લાભ ન મળ્યો. આપણે જ્ઞાતિવાદને છોડવાના બદલે વધુને વધુ પકડતા જઈએ છીએ અને રાજકીય પક્ષો મત બેન્કો ઊભી કરવા મોટામાં મોટી ભૂલ કરે છે.
સી.બી. પટેલઃ જ્ઞાતિવાદની આ બીમારીનો ઉપાય કયો?
પી.કે. લહેરીઃ 2015માં પાટીદાર આંદોલન થયું અને સમાજનો સુખી વર્ગ રિઝર્વેશન મુદ્દે હઠે ચડ્યો હતો. આ સમયે નિવૃત્ત જજ બી.સી. પટેલની આગેવાનીમાં એચ.કે. પટેલ કોલેજમાં આ યુવાનોને બોલાવ્યો હતો. આ મિટિંગમાં બી.સી. પટેલે કહ્યું હતું કે, આપણો દેશ અનેક પ્રકારના લોકોનો છે. સમાજમાં જ્ઞાતિવાદ છે, પરંતુ આપણે સુખી હોવા છતાં માગતા રહીશું તો સરવાળે સમાજ પોતાને જ નુકસાન કરે છે. આ વાત આપણે યુવાપેઢીને સમજાવવાની જરૂર છે, રાજકીય પાર્ટીઓ આ કામ ક્યારેય નહીં કરે.
લોર્ડ ભીખુભાઈ પારેખઃ જે માણસો અત્યાર સુધી પછાત સ્થિતિમાં હોય અને લાભ ન મળ્યા હોય અને તેમને તક આપીએ તો તે લોકો પણ સમાજની સાથે ચાલી શકે. હા, રિઝર્વેશન દ્વારા તેઓ ચોક્કસ જઈ શકે, પરંતુ તે સિવાયના રસ્તા પણ છે, જેનો આપણે બિલકુલ ઉપયોગ કર્યો નથી. જો કે અમેરિકા અને અન્ય દેશોમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. જે જ્ઞાતિને રિઝર્વેશન આગળ લાવવાનો વિચાર હોય તેમને નાનપણથી જ સ્કોલરશિપ આપી ભણાવીને આગળ સુધી લઈ જાઓ, તો તેઓ આપબળે આગળ આવ્યા તેવું ગણાશે. આ રસ્તાને છોડી આપણે માત્ર રિઝર્વેશનની દિશામાં જ ચાલ્યા. ભીમરાવ આંબેડકરે કહ્યું હતું કે આ રિઝર્વેશન પ્રથા 10 વર્ષમા બંધ કરી દેવી. જો કે તેમ ન થયું અને તે અવિરત આગળ વધતી રહી, હવે કોઈની હિંમત નથી કે તેને હટાવી શકે. કરોડો લોકો જો તેનાથી આગળ આવતા હોય તો તેમના હિતનું આ રિઝર્વેશન છોડવા તેઓ તૈયાર ન જ થાય. રિઝર્વેશન માત્ર એક સાધન છે, જેના દ્વારા પ્રાપ્ત થતા સાધ્ય માટે અન્ય સાધનો પણ છે, પરંતુ તેનો ઉપયોગ આપણે કેમ કર્યો નથી તે સમજાતું નથી.
સી.બી. પટેલઃ જગદીશભાઈ તમે આઝાદીના સમયે ક્યાં હતા?
જગદીશભાઈ દવેઃ આ સમયે હું પુણેમાં વિદ્યાર્થી તરીકે હતો. અમે વિદ્યાર્થીઓએ નક્કી કર્યું હતું કે ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળી જવાનું. ઘરેથી નીકળી અને અન્ય એક મિત્રના ઘરે એકત્ર થઈ સૂતર કાંતતા અને પેમ્ફ્લેટ લોકો સુધીે પહોંચાડતા અને સ્કૂલ છૂટવાના સમયે સાંજે 5 વાગ્યે ઘરે પહોંચી જતા. ઘરના સભ્યોને લાગતું કે અમે સ્કૂલે હતા, જ્યારે સ્કૂલ શિક્ષકને અમે ગેરહાજર છીએ તેમ માનતા. આ વાતની હેડમાસ્તરને જાણ થતાં તેમણે અમારા ઘરે આ સમાચાર આપતાં અમને ઠપકો પડ્યો હતો. આમ છતાં અમે પ્રભાતફેરી સહિતનાં કામ ચાલુ રાખ્યાં હતાં.
લોર્ડ ભીખુભાઈ પારેખઃ 15 ઓગસ્ટે જ્યારે જવાહરલાલ નહેરુએ તિરંગો ફરકાવવા ગાંધીજીને આમંત્રણ આપ્યું, ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે, આ એ આઝાદી નથી, જેના માટે હું લડ્યો હતો. ગાંધીજીને આઝાદી અંગે બે વસ્તુ ખૂબ ખૂંચતી હતી, એક હતું કોમી રમખાણ અને બીજું હતું મોભાદાર અને ધનવાન લોકો દ્વારા ટેક્સ ન આપવું. જ્યાં સુધી એ રહેશે, ત્યાં સુધી મને ચિંતા રહેશે.