(ગતાંકથી ચાલુ)
પાંચેક વાગ્યે એ ઊઠ્યા ત્યારે હું ખેતરે આંટો મારવા નીકળતો હતો ત્યાં તે કહે: ‘ઊભો રહે. મારેય જરા પગ છૂટા કરવા છે!’
અમે ખેતર ભણી ચાલ્યા. એમને ને મારે કોઈ નેડો નહીં. ભાઈ લેખે થોડોઘણો હેળવાત એય ભાભી પ્રત્યેના નિર્દય વર્તનને કારણે ઉકલી ગયેલો. મનોમન એ કશુંક વિચારતા રહ્યા અને હું મૂંગોમંતર પગલાં ગણતો રહ્યો.
ખળામાં એમણે સિગારેટ સળગાવી. બે-એક કસ ખેંચીને પૂછ્યછયુંઃ ‘કેવીક છે લ્યા તારી ભાભી?’
‘તમને તો જોવાની તમાય નથી.’
ખાસ્સી વાર શાંત રહીને ફરી બોલ્યા: ‘ગમે તેવી હોય, દેશની છોકરી, મુંબઈમાં ના શોભે!’
‘તો પછી તમારે ના પાડી દેવી હતી ને! આણું શું કામ તેડાવ્યું?’
એ કાંઈ ના બોલ્યા. એનો પરચો રાતે થયો. અમારી પડખેના ઘરમાં એમની સોહાગરાત. પરસાળમાં હું! એ રાતે શું વીત્યું એ તો ખબર નહીં, પણ ભાભીનાં છેક બહાર સુધી સંભળાતાં ડૂસકાંએ મારી મતિ મૂંઝવી નાખેલી. આખી રાત એમના ફળફળતા નિસાસા મને સંભળાતા રહેલા.
સવારે ચહેરો વિલાયેલો. આંખો ઓશિયાળી, બે દિવસ પહેલાં પેલો ખિલુ ખિલુ કરતો ઊલટ ઉમંગાવતો ચંદ્રમા પૂનમ પહેલાં જ ખગ્રાસ થઈ ગયો હતો. મારી સાથે ખેતરે આવવા એ હઠે ચડ્યાં. નણંદ પણ સાથે થઈ. રસ્તે મેં પૂછ્યું, પુછાઈ ગયું: ‘કેમ ભાભી! આટલાં ગુમસુમ કેમ છો?’
જાણવા છતાં પૂછો છો! – એમના મૌનમાં એવો ભાવ હતો.
‘ભાઈ મુંબઈથી શું લાવ્યા તમારે માટે?’
‘મોત!’
મને ધ્રાસકો પડ્યો: ‘પણ કશું સમજાવો તો ખરાં? આખી રાત તમે રડતાં કેમ હતાં?’
‘વીરા મારા! તમને નહીં સમજાય! ભગવાને આંખો અને કાળજું આપ્યાં છે, એ ના આપ્યાં હોત તો પારકા દુ:ખે તમે આટલાં દુ;ખી ના થાત. નસીબ મારાં!’ કહેતાં મોકળે મોંએ રડી પડ્યાં.
થોડાંક હળવાં થયાં પછી એમણે જ વાત માંડી, ‘ભાઈ કોઈક પારસી શેઠનો ડ્રાઇવર છે. પારસણ એના પર રીઝેલી છે. પારસણે દાટી ભિડાવી છે કે, બૈરી લઈને મુંબઈ આવશે તો નોકરીમાંથી કાઢી મૂકશે. ને ભાઈને નોકરી કરતાંય પારસણ વધારે વહાલી છે!’
એની સગી બહેન સામે બેઠી હતી. એને મેં પૂછયુંઃ ‘સવિ, ભાભી કહે છે એ વાત સાચી?’
‘હા, એના સકંજામાંથી છોડાવવા તો ભાઈનું આણું કરાવ્યું!’
‘પણ એ તો હપૂચો નામક્કર જાય છે, ને આટલું જાણતાં હતાં ત્યારે ભાભીને ઊંડાં પાણીમાં શા હાતર ઉતાર્યાં?’
સવિ કહે: ‘મુંબઈમાં બધાંને એમ હતું કે, ભાભીને જોતાં જ ભાઈનું મન ફેરવાઈ જશે!’
‘ફેરવાય એવું લાગે છે ભાભી?’
‘ના. એ પાણીએ મગ ચડે એમ નથી લાગતું. આખી રાત એમના પગ પકડીને રડી છું.’ ભાભીના સ્વરમાં આર્જવ હતો.
હું અસહાય હતો. એક ફોઈ કંઈક સમજે એમ હતાં. ત્યારે એમને સાસરે ઓચિંતું તેડું આવ્યું હતું. મોટેરાંને મન આ આંતરદ્વન્દ્વની કશી મહત્તા નહોતી, એ એમના વ્યવહારમાં સાચવવામાં પડ્યાં હતાં.
બીજી રાતે સૌ જંપ્યાં હશે ત્યારે બારણું ખૂલ્યું. ભાઈસાહેબ બહાર આવ્યા ને મને પડખાં ઘસતો ભાળી હુકમ કર્યો: ‘મને અંદર ગરમી થાય છે. જીવ મૂંઝાય છે. જા, તું મહીં જઈ સૂઈ જા. હું અહીં બહાર સૂઈશ.’
આદેશ અનુસર્યા વિના મારો છૂટકો નહોતો. હું અંદર ગયો તો ભાંગી પડેલી ભાભી બાપડી મને બાઝી પડી. ડામચિયેથી ગોદડી ખેંચી હું નીચે લંબાવવા કરવા કરતો હતો ને ભાભીએ મારો હાથ ઝાલ્યો.
‘ના. હેઠણ નહીં. અહીં ખાટલામાં સૂવો. મને નીચે સૂવાની ટેવ છે!’ હાથ ખેંચી એમણે મને ખાટલે ખેંચ્યો. ને મારા માથાને પસવારતાં-પસવારતાં એય મારી સાથે સૂતાં. એક હતાશ, યુવાન ભગ્નહૃદયા સ્ત્રી સાથે સૂવાનો જીવનનો એ પહેલો પ્રસંગ! આવેગથી ધબકતી એમની છાતી માત્ર આશરો ઝંખતી હતી.
સ્ત્રીના દેહની ગંધ ગમે એનું પહેલું જ્ઞાન મને ત્યારે થયેલું. ફરી એક વાર ‘દાના’ બની એની પીડા હરી લેવાના કોડ થયેલા. એના સ્નેહાસિક્ત આશ્લેષથી કિશોરસહજ આવેગેય ઊપજેલા પણ એ શાણી-સુશીલ સ્ત્રીના સ્પર્શમાં એક એવું હેત મારા રોમે-રોમમાં સંચરતું હતું કે, જનેતાના ભાવનો ભવ-ભવનો ભૂખ્યો હું એ છાતીમાં માથું સમાવી અનેરું સાંત્વન પામ્યો. મારા આવેગ સરી ગયા. ને એના દુ:ખે મારાંય ડૂસકાં બંધાઈ ગયાં. સમદુ:ખિયાંની સહાનુકંપા અણધારી આશાયેશ આપે છે. ધરપત વળતાં ખૂબ જ શાંતિથી સહેજ બાજુએ ખસી એમણે મારું માથું-બરડો પસવાર્યાં કર્યાં અને એ હેતાળ હૂંફનો માર્યો હું ક્યારે ઊંઘી ગયો એનુંય ભાન મને ના રહ્યું.
એ જ સવારે મુંબઈગરો ભાઈ પાછો મુંબઈ જતો રહ્યો ને મારા બાપુને કહેતો ગયો કે ફારગતી લખી દેજો. મારે આ બાઈ નથી જોઈતી. એના ગયા કેડે ચોધાર આંસુએ રડતાં પન્નાભાભીની આસપાસ સ્ત્રીઓનું ઝુંડ જામી ગયેલું. સૌને એક જ સવાલ હતો: ‘એવું તે શું થયું કે, બે દા’ડામાં એ આદમી ધરાઈ ગયો? આવડું રૂપેય એને કેમ ના હખાયું?’ ભાભી કંઈ જ ના બોલ્યાં. સમાચાર સાંભળીને નાની ફોઈ દોડી આવ્યાં. એમના ગળે વળગીને કલપતાં ભાભી કહેતાં હતાં:
‘આમ કરવું હતું તો આ માણસે મારો ભવ શું કામ બગાડ્યો? મારું ઘર શા હાતર ગણાવ્યું! મારું આણું જ ના તેડ્યું હોત તો મારું જીવતર તો ના રવડત! હવે કોણ મને કુંવારી કન્યા માનશે?’
રિવાજ મુજબ ગોર ના હોય તો ઘરનું કોઈ માણસ આણાત વહુને પિયર મૂકવા જાય. ફારગતી કરવાની એટલે મોટેરું કોઈ ના ગયું ને પન્નાભાભીને પહોંચાડવા આણામાં ચડાવેલા દાગીનાની યાદી સહિત મને મોકલવામાં આવ્યો.
ફ્લેગ સ્ટેશનથી એમના ગામ સુધી ત્યારે બેએક ગાઉ ચાલવું પડે. અમે મૂંગી વ્યથા વાગોળતાં ચાલતાં હતાં ને મને વાચા ફૂટી, મેં દાનાની કથા ભાભીને કહી સંભળાવીને છેલ્લે ઉમેર્યું:
‘આજે મને સાત-આઠ વરસ મોડા જનમવાનો અફસોસ થાય છે ભાભી! જો હું મોટો હોત...!’
કોણ જાણે કેમ પણ એવડા દુ:ખમાંય ભાભી હસી પડ્યાં. મારા ખભે હાથ મેલી બોલ્યાં: ‘તો તમે મોટા થાવ ત્યાં લગી હું તમારી વાટ જોઉં?’
(ક્રમશઃ)